Abu Salem Supreme Court Plea Rejected September 2026: 1993ના મુંબઈ સિરિયલ બ્લાસ્ટ કેસમાં આજીવન કેદની સજા ભોગવી રહેલા ગેંગસ્ટર અબુ સાલેમને સુપ્રીમ કોર્ટમાંથી રાહત મળી નથી. સમય પહેલાં જેલમાંથી મુક્ત કરવાની માગ સાથે દાખલ કરવામાં આવેલી તેની અરજીને સર્વોચ્ચ અદાલતે ફગાવી દીધી છે. આ નિર્ણય સાથે અબુ સાલેમની વહેલી રિહાઈની આશા હાલ માટે ટળી ગઈ છે.
12 માર્ચ 1993ના ધમાકાથી મુંબઈ ધ્રૂજી ઊઠ્યું
12 માર્ચ 1993ના રોજ મુંબઈના અલગ-અલગ વિસ્તારોમાં એક પછી એક બોમ્બ વિસ્ફોટ થયા હતા. આ સિરિયલ બ્લાસ્ટમાં 257 લોકોના મોત થયા હતા, જ્યારે આશરે 800 લોકો ઘાયલ થયા હતા. આ હુમલાએ સમગ્ર દેશમાં ભારે આઘાત સર્જ્યો હતો અને તેને દેશના સૌથી ગંભીર આતંકવાદી હુમલાઓમાં ગણવામાં આવ્યો હતો. તપાસ દરમિયાન અબુ સાલેમની(Abu Salem) ભૂમિકા પણ સામે આવી હતી. કેસમાં તેની સામે હુમલાની સાજિશ સાથે જોડાયેલા ગંભીર આરોપો મૂકાયા હતા. તપાસ એજન્સીઓના દાવા મુજબ તેણે ગુજરાતના ભરુચથી મુંબઈ સુધી હથિયારો અને વિસ્ફોટક સામગ્રી પહોંચાડવામાં ભૂમિકા ભજવી હતી. આ ઉપરાંત હત્યાના કેસમાં પણ તેને દોષિત ઠેરવવામાં આવ્યો હતો.

પોર્ટુગલ પ્રત્યાર્પણ કરારનો આપ્યો હતો હવાલો
અબુ સાલેમ(Abu Salem) અગાઉ પણ કોર્ટ સમક્ષ દલીલ કરી ચૂક્યો છે કે પોર્ટુગલ સાથે થયેલા પ્રત્યાર્પણ કરાર મુજબ તેને 25 વર્ષથી વધુ સમય સુધી જેલમાં રાખી શકાય નહીં. જોકે તેની આ દલીલને અગાઉ પણ અદાલતો તરફથી સ્વીકારવામાં આવી નથી. આ પહેલાં બોમ્બે હાઈકોર્ટે પણ અબુ સાલેમની વહેલી મુક્તિ સંબંધિત અરજી નામંજૂર કરી હતી. હાઈકોર્ટનું કહેવું હતું કે સજામાં મળનારી છૂટની ગણતરી રિહાઈની નિર્ધારિત તારીખ નજીક પહોંચ્યા બાદ જ કરી શકાય. તેથી હાલ તેની સજા પૂર્ણ થઈ ગઈ હોવાનું માનવું યોગ્ય નથી.
હાલ જેલમાંથી બહાર આવવાની શક્યતા નહીં
હવે સુપ્રીમ કોર્ટે પણ તેની સમય પહેલાં મુક્તિની માગ ફગાવી દીધી છે. પરિણામે અબુ સાલેમને(Abu Salem) હાલ જેલમાં જ રહેવું પડશે અને તેની વહેલી રિહાઈનો માર્ગ બંધ થયો છે. 1993 મુંબઈ બ્લાસ્ટ કેસમાં તેની સજા અને પોર્ટુગલ પ્રત્યાર્પણ કરારને લઈને ચાલતી કાનૂની લડાઈમાં આ નિર્ણય મહત્વનો માનવામાં આવી રહ્યો છે.
આ પણ વાંચો:ઉધ્ધવના ઉમેદવારના પ્રચાર માટે આવ્યો મુંબઈ બ્લાસ્ટનો આરોપી
આ પણ વાંચો:મુંબઈ ટ્રેન બ્લાસ્ટના તમામ 12 આરોપીઓ નિર્દોષ જાહેર, હાઈકોર્ટનો મોટો નિર્ણય
આ પણ વાંચો:મુંબઈ ટ્રેન બ્લાસ્ટ કેસ મામલે સુપ્રીમ કોર્ટે આરોપીઓને નિર્દોષ જાહેર કરવાના નિર્ણય પર સ્ટે આપ્યો
