Ahmedabad News/ અમદાવાદમાં હાઈપ્રોફાઈલ લાઈફસ્ટાઈલ માટે MD ડ્રગ્સ વેચતી મહિલા ઝડપાઈ, રૂ. 2.70 લાખનો મુદ્દામાલ જપ્ત

Ahmedabad Drugs Case: અમદાવાદના વસ્ત્રાલમાં પોલીસે સોનલ પટેલની MD ડ્રગ્સ વેચવાના આરોપસર ધરપકડ કરી છે. 84.610 ગ્રામ ડ્રગ્સ સાથે રૂ. 2.70 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

Gujarat Ahmedabad Breaking News
ahmedabad drugs case

Ahmedabad News: અમદાવાદ ડ્રગ્સ કેસ (Ahmedabad Drugs Case)માં વસ્ત્રાલ પોલીસે સોનલબેન જીતેન્દ્રભાઈ પટેલ નામની મહિલાની ધરપકડ કરી છે. પોલીસના જણાવ્યા અનુસાર, મહિલા મોંઘા શોખ અને હાઈપ્રોફાઈલ લાઈફસ્ટાઈલ જાળવવા માટે MD ડ્રગ્સનું છૂટક વેચાણ કરતી હતી. તેના ઘરેથી 84.610 ગ્રામ ડ્રગ્સ મળી આવ્યું છે, જેની કિંમત રૂ. 2.53 લાખ આંકવામાં આવી છે. પોલીસે કુલ રૂ. 2.70 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પકડાયેલી મહિલા કોંગ્રેસનાં મહિલા આગેવાન ગીતા પટેલની બહેન હોવાનું પણ પોલીસ તપાસમાં સામે આવ્યું છે.

Ahmedabad Drugs Case: MD ડ્રગ્સ સાથે સોનલ પટેલની ધરપકડ

અમદાવાદના વસ્ત્રાલ પોલીસ સ્ટેશનની ટીમે બાતમીના આધારે કાર્યવાહી કરીને સોનલ પટેલ નામની મહિલાને ઝડપી પાડી હતી. પોલીસ તપાસ દરમિયાન તેના ઘરેથી ‘ડોલર’ તરીકે ઓળખાતો 84.610 ગ્રામ MD ડ્રગ્સનો જથ્થો (MD Majority Quantity) મળી આવ્યો હતો.

પોલીસે આ જથ્થાની કિંમત અંદાજે રૂ. 2.53 લાખ આંકી છે. ડ્રગ્સ સહિત કુલ રૂ. 2.70 લાખનો મુદ્દામાલ કબજે કરીને મહિલાની ધરપકડ કરવામાં આવી છે. હાલ પોલીસ દ્વારા આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

રાયપુર દરવાજાના મોહમ્મદ પાસેથી મેળવતી હતી ડ્રગ્સ

પોલીસ તપાસમાં સામે આવેલી વિગતો મુજબ, મહિલાને ડ્રગ્સનો જથ્થો રાયપુર દરવાજા વિસ્તારમાં રહેતા મોહમ્મદ નામના શખ્સ પાસેથી મળતો હતો. તે મોહમ્મદ પાસેથી રૂ. 40થી 50 હજારની કિંમતમાં MD ડ્રગ્સ ખરીદતી હતી અને ત્યારબાદ છૂટક વેચાણ કરીને રૂ. 1.20 લાખથી 1.30 લાખ સુધીની રકમ મેળવતી હતી.

આ રીતે ડ્રગ્સના વેચાણમાંથી મોટો નફો મેળવીને પોતાના મોજશોખ પૂરા કરતી હોવાનો પોલીસનો દાવો છે. ડ્રગ્સ સપ્લાયર દ્વારા જ તેને ગ્રાહકો પણ પૂરા પાડવામાં આવતા હતા. ગ્રાહકો ઓનલાઈન માધ્યમથી નાણાં ચૂકવીને ડ્રગ્સ મેળવતા હોવાની વિગતો પણ તપાસમાં સામે આવી છે.

ગરબા ક્લાસથી શરૂ થયો હતો ડ્રગ્સનો કારોબાર

મળતી માહિતી મુજબ, મહિલા છેલ્લા કેટલાક સમયથી પતિથી અલગ રહે છે. અંદાજે ત્રણ વર્ષ પહેલાં સિંધુભવન રોડ પર ‘રંગતાળી’ નામના ગરબા ક્લાસના આયોજન દરમિયાન તેમની ઓળખ પંકજ દરજી નામના વ્યક્તિ સાથે થઈ હતી. પંકજ દરજીએ જ તેમની મુલાકાત રાયપુર દરવાજાના મોહમ્મદ સાથે કરાવી હોવાનું પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે.

પોલીસના જણાવ્યા અનુસાર, છેલ્લા ચાર મહિનાથી મહિલા મોહમ્મદ પાસેથી નિયમિત MD ડ્રગ્સ મેળવતી હતી. ત્યારબાદ વસ્ત્રાલ (Vastral)અને આસપાસના વિસ્તારોમાં નાની પડીકીઓ બનાવીને તેનું છૂટક વેચાણ કરતી હતી. મહિનામાં ચારથી પાંચ વખત ડ્રગ્સનો જથ્થો લાવવામાં આવતો હોવાની વિગતો પણ સામે આવી છે.

કોંગ્રેસ નેતાની બહેન હોવાનો ખુલાસો, હાઈપ્રોફાઈલ શોખની ચર્ચા

પકડાયેલી સોનલ પટેલ કોંગ્રેસનાં મહિલા આગેવાન ગીતા પટેલની બહેન હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. વસ્ત્રાલ વિસ્તારમાં કાપડનું જોબવર્ક કરતી સોનલબેન સોશિયલ મીડિયા પર મોંઘી જીવનશૈલી અને હાઈપ્રોફાઈલ પાર્ટી કલ્ચર (High Profile Lifestyle)સાથે જોડાયેલી હોવાનું જણાવવામાં આવી રહ્યું છે.

ડ્રગ્સ સપ્લાયર મોહમ્મદ દ્વારા જ તેને ગ્રાહકો પૂરા પાડવામાં આવતા હોવાનો પોલીસનો દાવો છે. હાલ વસ્ત્રાલ પોલીસ આ કથિત નેટવર્ક સાથે સંકળાયેલા અન્ય ગ્રાહકોની યાદી તૈયાર કરીને તપાસ કરી રહી છે. સપ્લાયર, ગ્રાહકો અને ઓનલાઈન નાણાકીય વ્યવહારોની કડીઓ જોડવા માટે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.