Ahmedabad News: ભારતમાં 2036ની ઓલિમ્પિક (2036 Olympics) અને પેરાલિમ્પિક ગેમ્સ યોજવાનું સપનું હવે એક ડગલું આગળ વધ્યું છે. ભારતે 26 નવેમ્બરે આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિ (IOC)ના ફ્યુચર હોસ્ટ કમિશન (IOC Future Host Commission) સમક્ષ ઓલિમ્પિકની યજમાની માટે પોતાનું વિઝન અને રોડમેપ (Ahmedabad Olympics Bid) રજૂ કર્યો હતો. આ ઓનલાઇન બેઠકમાં સંભવિત યજમાન શહેર અમદાવાદના હાલના સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, પ્રસ્તાવિત રમતગમતનાં સ્થળો અને ભવિષ્યની તૈયારીઓ અંગે માહિતી આપવામાં આવી હતી.
ભારતીય ઓલિમ્પિક એસોસિએશન (IOA) દ્વારા જારી કરાયેલા નિવેદન અનુસાર, ભારતનું પ્રેઝન્ટેશન લગભગ 30 મિનિટ ચાલ્યું હતું. ત્યારબાદ IOCના ફ્યુચર હોસ્ટ કમિશનના 9 સભ્યો સાથે આશરે 20 મિનિટ સુધી ચર્ચા થઈ હતી. આ કમિશનની અધ્યક્ષતા કોલિંદા ગ્રાબર-કિટારોવિચ કરી રહ્યાં છે.
2036 Olympics: અમદાવાદના સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર વિશેષ ભાર
પ્રેઝન્ટેશન દરમિયાન અમદાવાદમાં હાલ ઉપલબ્ધ રમતગમતની સુવિધાઓ, પ્રસ્તાવિત સ્પોર્ટ્સ વેન્યૂ અને તેના વિકાસ માટેની યોજનાઓ અંગે રજૂઆત કરવામાં આવી હતી. આ ઉપરાંત ભારતીય ઓલિમ્પિક એસોસિએશનને કેન્દ્ર સરકાર, ગુજરાત સરકાર અને અમદાવાદ પ્રશાસન તરફથી મળી રહેલા સમર્થન વિશે પણ IOCને માહિતગાર કરવામાં આવ્યું હતું.
ભારતે આંતરરાષ્ટ્રીય સ્તરની મોટી રમતગમત સ્પર્ધાઓના આયોજનનો અનુભવ અને ઓલિમ્પિકની લાંબા ગાળાની તૈયારીઓ માટેનો રોડમેપ પણ રજૂ કર્યો હતો.
ભારત સહિત 7 દેશો યજમાનીની રેસમાં
2036 ઓલિમ્પિકની યજમાની મેળવવા માટે ભારતની સાથે અન્ય છ દેશો પણ રસ દાખવી રહ્યા છે. તેમાં જર્મની, હંગેરી, કતાર, દક્ષિણ કોરિયા, દક્ષિણ આફ્રિકા અને તુર્કીનો સમાવેશ થાય છે. આમ, કુલ સાત દેશો આ રેસમાં સામેલ છે. અહેવાલ મુજબ, તુર્કીએ ફ્યુચર હોસ્ટ કમિશન સમક્ષ પોતાનું પ્રથમ પ્રેઝન્ટેશન પણ આપી દીધું છે.
ડિસેમ્બરમાં IOC કરશે સર્વે
ભારતના દાવા અંગે આગામી મહત્વપૂર્ણ પ્રક્રિયા ડિસેમ્બરમાં હાથ ધરવામાં આવી શકે છે. મળતી માહિતી મુજબ, IOC ડિસેમ્બરના ત્રીજા સપ્તાહમાં અનામી સર્વે કરશે. આ સર્વેના માધ્યમથી ઓલિમ્પિકની યજમાની માટે ભારતના દાવા અંગે સામાન્ય લોકોનો અભિપ્રાય જાણવાનો પ્રયાસ કરવામાં આવશે.
સર્વેના પરિણામો આવતા વર્ષે માર્ચમાં ભારતના દાવાનું મૂલ્યાંકન કરવામાં મહત્વની ભૂમિકા ભજવી શકે છે. ત્યારબાદ વ્યૂહાત્મક સંવાદનો તબક્કો શરૂ થશે. આ પ્રક્રિયા દરમિયાન યજમાનીમાં રસ ધરાવતા (Sports Infrastructure) દેશોએ ફ્યુચર હોસ્ટ પ્રશ્નાવલીના પ્રારંભિક જવાબો આપવાના રહેશે. સાથે જ ઓલિમ્પિકના આયોજન માટે જરૂરી નાણાકીય ગેરંટી પણ રજૂ કરવાની રહેશે.
પ્રેઝન્ટેશનમાં રમતગમત ક્ષેત્રના અનેક દિગ્ગજો જોડાયા
26 નવેમ્બરે યોજાયેલી ઓનલાઇન બેઠકમાં કેન્દ્રીય રમતગમત મંત્રી મનસુખ માંડવિયા, રમતગમત સચિવ હરિ રંજન રાવ, ભારતીય ઓલિમ્પિક એસોસિએશનનાં આઉટગોઇંગ પ્રમુખ પી.ટી. ઉષા, IOCમાં ભારતનાં પ્રતિનિધિ નીતા અંબાણી અને IOA એથ્લેટ્સ કમિશનનાં વડા તથા બેડમિન્ટન સ્ટાર પી.વી. સિંધુ ઉપસ્થિત રહ્યાં હતાં.
આ ઉપરાંત ગુજરાતના રમતગમત મંત્રી હર્ષ સંઘવી (Harsh Sanghavi) , IOAના CEO રઘુરામ ઐયર અને અન્ય અધિકારીઓ પણ આ પ્રેઝન્ટેશનમાં જોડાયા હતા. હવે IOCની આગામી પ્રક્રિયા અને મૂલ્યાંકન પર ભારતની 2036 ઓલિમ્પિક યજમાનીની દાવેદારીની દિશા નિર્ભર રહેશે.
આ પણ વાંચો: ઓલિમ્પિકની યજમાની માટે ભારતનો હુંકાર, IOC સમક્ષ રજૂ કરશે મજબૂત દાવેદારી; ગુજરાતમાંથી આ લોકો થશે સામેલ
આ પણ વાંચો: અમદાવાદમાં ઓલિમ્પિક્સ યોજવાના સપનાને નવી ઉડાન: આવતીકાલે IOC સમક્ષ ભારતની રજૂઆત
આ પણ વાંચો: ગુજરાત સરકાર 2036 ઓલિમ્પિક અર્થે પ્રતિનિધિમંડળ લંડન મોકલશે
