Ahmedabad News: અમદાવાદના મુસાફરો માટે રાહતના સમાચાર છે. સાબરમતી રેલવે મેટ્રો સ્ટેશન (Sabarmati Railway Metro Station) 28 નવેમ્બરથી મુસાફરો માટે શરૂ કરવામાં આવશે. એટલે કે શનિવારથી આ સ્ટેશન પર મેટ્રો ટ્રેનોનું સ્ટોપેજ શરૂ થશે. અત્યાર સુધી નિર્માણાધીન રહેલું આ સ્ટેશન હવે તૈયાર થઈ ગયું છે. તેના શરૂ થવાથી સાબરમતી રેલવે સ્ટેશન જવા માટે મુસાફરોને મેટ્રો કનેક્ટિવિટી મળશે. ખાસ કરીને અમદાવાદ અને ગાંધીનગર વચ્ચે અવરજવર કરતા તેમજ સૌરાષ્ટ્ર તરફ જતી ટ્રેનોમાં મુસાફરી કરતા લોકોને તેનો લાભ થશે.
Sabarmati Railway Metro Station: વાસણા APMCથી ગાંધીનગર સુધીના તમામ સ્ટેશન કાર્યરત
અમદાવાદ અને ગાંધીનગર વચ્ચે મેટ્રો ટ્રેન (Ahmedabad Metro) સેવા કાર્યરત છે. સાબરમતીમાં ચીમનભાઈ પટેલ બ્રિજ પાસે બુલેટ ટ્રેન અને રેલવે સ્ટેશન તરફ જતા મુસાફરોની સુવિધા માટે આ મેટ્રો સ્ટેશન બનાવવામાં આવ્યું છે.
વાસણા APMCથી મોટેરા અને ગાંધીનગર (Gandhinagar Metro) તરફના રૂટ પર અન્ય તમામ સ્ટેશનો કાર્યરત થઈ ગયા હતા, પરંતુ સાબરમતી રેલવે સ્ટેશન પાસેનું મેટ્રો સ્ટેશન નિર્માણાધીન હોવાથી ત્યાં ટ્રેનો ઊભી રહેતી નહોતી. હવે સ્ટેશનનું કામ પૂર્ણ થતાં 28 નવેમ્બરથી તેને મુસાફરો માટે ખુલ્લું મૂકવામાં આવશે.
મેટ્રોમાંથી ઉતરી સીધા સાબરમતી રેલવે સ્ટેશન જઈ શકાશે
અત્યાર સુધી સૌરાષ્ટ્ર તરફ જતી ટ્રેનોમાં મુસાફરી કરવા સાબરમતી રેલવે સ્ટેશન પહોંચતા મુસાફરોને બસ અથવા રિક્ષાનો સહારો લેવો પડતો હતો. હવે સાબરમતી રેલવે મેટ્રો સ્ટેશન શરૂ થતાં મુસાફરો મેટ્રોમાંથી ઉતરીને રેલવે સ્ટેશન તરફ જઈ શકશે. આ સુવિધાથી મુસાફરોનો સમય બચશે અને રેલવે સ્ટેશન સુધી પહોંચવું વધુ સરળ બનશે.
સાબરમતી મેટ્રો સ્ટેશનથી ટ્રેનોનો સમય જાણો
સાબરમતી રેલવે મેટ્રો સ્ટેશનથી વિવિધ રૂટ પર મેટ્રો ટ્રેનના સમય નીચે મુજબ છે:
APMC તરફ પ્રથમ ટ્રેન: સવારે 6:25 વાગ્યે
ગાંધીનગર તરફ પ્રથમ ટ્રેન: સવારે 7:15 વાગ્યે
અમદાવાદ તરફ છેલ્લી ટ્રેન: રાત્રે 11:32 વાગ્યે
ગિફ્ટ સિટી તરફ છેલ્લી ટ્રેન: સાંજે 6:32 વાગ્યે
મહાત્મા મંદિર તરફ છેલ્લી ટ્રેન: રાત્રે 9:10 વાગ્યે
મેટ્રો ટ્રેનના સમય અને અન્ય વિગતો માટે મુસાફરો ગુજરાત મેટ્રો રેલની સત્તાવાર વેબસાઇટ www.gujaratmetrorail.com પર માહિતી મેળવી શકશે.
આ પણ વાંચો: મુંબઈ અંધેરી મેટ્રો સ્ટેશન પર શંકાસ્પદ બેગ મળી, સુરક્ષા એલર્ટ, બોમ્બ સ્ક્વોડ બોલાવવામાં આવી
