અમદાવાદમાં અચાનક 57 કલાકના કર્ફ્યુથી શહેરની જનતામાં અનેક પૂર્વનિર્ધારિત કાર્યક્રમો અંગે લોકોમાં ચિંતા સાથે અનેક અટકળો થઇ રહી હતી તેની સાથે જ શુક્રવારે સવારે એટલે અચાનક કર્ફ્યુની જાહેરાતથી લોકો આગામી બે દિવસ માટે કરીયાણા તેમજ જીવન જરૂરી ખરીદી કરવા માટે ઉમટી પડ્યા હતા. રાજકોટમાં પણ સાંજ સુધીમાં કલેકટર દ્વારા કરફ્યુ લાદવામાં આવે તેવી શક્યતા હોય લોકો અમદાવાદનું અનુકરણ કરે તેવી સંભાવના હતી. જેની વચ્ચે રાજકોટ કલેકટર રેમ્યા મોહને રાજકોટમાં કર્ફ્યુની જરૂર ન હોવાનું જણાવતા તમામ રાજકોટવાસીઓએ રાહતના શ્વાસ ભર્યા છે.
કલેકટર રેમ્યા મોહને મીડિયા સમક્ષ જણાવ્યું છે કે રાજકોટમાં સ્થિતિ કાબૂમાં છે માટે હાલ કર્ફ્યુ લાદવાની જરૂર નથી કારણકે સ્થાનિક તંત્ર દ્વારા પૂરતો બંદોબસ્ત કરવામાં આવ્યો છે. રાજકોટમાં સરકારી હોસ્પિટલ તો કોરોના દર્દીઓની સારવાર માટેની વ્યવસ્થા ઉપલબ્ધ છે જ એક પણ ખાનગી હોસ્પિટલોના કોવિડ વિભાગ સતત કાર્યરત રાખવામાં આવશે.અને ત્યાં કામગીરી અટકે નહીં તે અંગે પૂરતી તકેદારી રાખવામાં આવશે. આ ઉપરાંત જરૂર પડશે તો પાંચ જેટલી ખાનગી હોસ્પિટલોમાં વર્તમાન સમયમાં સ્થિતિ કાબૂમાં હોય 50% બેડ બંધ કરવામાટેની વ્યવસ્થા કરવામાં આવી છે, તેને પણ જરૂર પડે તો ફરીથી કાર્યરત કરી દેવામાં આવશે.
કલેકટર રેમ્યા મોહનની આ જાહેરાતથી રાજકોટ તંત્ર તેમજ સ્થાનિક લોકોમાં હાશકારો જોવા મળ્યો છે. કારણકે કર્ફ્યુ ની જાહેરાત થયા બાદ ઘણા બધા પૂર્વનિર્ધારિત કાર્યો અટકી જવાની સંભાવના હતી. લગ્નગાળો ચાલી રહ્યો હોય ઘણા બધા લગ્નસમારંભ કઈ રીતે યોજવા ? તે ઉપરાંત ટ્રાન્સપોર્ટ અટકાવવામાં આવે તો જે લોકો બહારગામ ફરવા ગયા હોય તેમને શહેરમાં પ્રવેશવા દેવામાં ન આવે તો શું થાય ? લગ્ન સમારંભ માટે હોલ કે પાર્ટી પ્લોટમાં આયોજન કરવામાં આવ્યા હોય, તેમજ કેટરર્સ અને મંડપ સર્વિસ વગેરેના ધંધાર્થીઓ દ્વારા તૈયારીઓ ચાલી રહી હોય, તે લોકોને નુકસાન થવાની સંભાવના હતી. આ સિવાય તમામ પ્રકારના ધંધાર્થીઓને માટે એકાએક કર્ફ્યુ લાગી જાય તો ઘણા બધા પડકારોનો સામનો કરવો પડે તેમ હતો. પરંતુ હાલ તમામ ચિંતામાંથી સ્થાનિક લોકોને મુક્તિ મળી છે.
