Rajkot News: રાજકોટ શહેર અને જિલ્લામાં હત્યાના બે અલગ-અલગ બનાવો સામે આવ્યા (Rajkot Double Murder) છે. શહેરના નવા થોરાળા વિસ્તારમાં 20 વર્ષીય યુવક જયેશ ચાવડાની અને ગોંડલની નાની બજારમાં 61 વર્ષીય વેપારી ભરતસિંહ ડાભીની છરીના ઘા મારી હત્યા કરવામાં આવી છે. બંને ઘટનાને પગલે પોલીસ તપાસમાં લાગી છે. ગોંડલમાં વેપારીની હત્યા બાદ તેમનું બાઈક પણ ગુમ થતાં લૂંટની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.
Rajkot Double Murder: નવા થોરાળામાં છરીના હુમલામાં યુવકનું મોત
રાજકોટના નવા થોરાળા વિસ્તારમાં ગત રાત્રે આશરે 10:45 વાગ્યે પાનના ગલ્લા પાસે 20 વર્ષીય જયેશ ચાવડા અને અન્ય યુવક વચ્ચે કોઈ બાબતે બોલાચાલી થઈ હતી. ત્યારબાદ બંને વચ્ચે ઝપાઝપી થઈ હતી. આ દરમિયાન પીળા જેકેટમાં આવેલા યુવકે જયેશ ચાવડાને છરીના ઘા માર્યા (Knife Attack) હતા.
ઘટના સમયે અન્ય યુવકોએ વચ્ચે પડીને બંનેને અલગ કર્યા હતા. ત્યારબાદ હુમલાખોર ત્યાંથી ફરાર થઈ ગયો હતો. ગંભીર રીતે ઘાયલ જયેશને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, પરંતુ આજે (28 નવેમ્બર) વહેલી સવારે ટૂંકી સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું.
ગોંડલમાં દુકાનમાં ઘૂસી વેપારીની હત્યા
ગોંડલની નાની બજાર સ્થિત ચુનારા શેરીમાં ‘મહાવીર ટ્રેડર્સ’ નામે તેલ અને બેસનનો હોલસેલ વેપાર કરતા 61 વર્ષીય ભરતસિંહ ડાભીની હત્યા કરવામાં આવી છે.
રાત્રે 10થી 11 વાગ્યાની વચ્ચે તેઓ દુકાનમાં એકલા હતા ત્યારે અજાણ્યા શખ્સોએ તેમના મોઢા અને પેટના ભાગે છરીના ઘા માર્યા (Knife Attack) હતા. રાત્રે 10 વાગ્યે બંધ થતી દુકાન 11:30 વાગ્યા સુધી ખુલ્લી રહેતાં પડોશીઓને શંકા ગઈ હતી. તપાસ કરતાં વેપારી લોહીલુહાણ હાલતમાં મૃત મળી આવ્યા હતા.
ઘટનાસ્થળેથી વેપારીનું સ્પ્લેન્ડર બાઈક પણ ગુમ હોવાનું સામે આવ્યું છે. આથી લૂંટના ઇરાદે હત્યા કરવામાં આવી હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.
FSL અને ડોગ સ્ક્વોડની મદદથી તપાસ શરૂ
ઘટનાની જાણ થતાં રાજકોટ ગ્રામ્ય SP વિજયસિંહ ગુર્જર સહિતનો પોલીસ કાફલો સ્થળ પર પહોંચ્યો હતો. વેપારીના મૃતદેહને ફોરેન્સિક પોસ્ટમોર્ટમ માટે રાજકોટ ખસેડવામાં આવ્યો (Rajkot Crime News) હતો.
SP વિજયસિંહ ગુર્જરે જણાવ્યું હતું કે પ્રાથમિક દૃષ્ટિએ છરીના ઘા મારી હત્યા કરવામાં આવી હોવાનું જણાય છે. લૂંટના ઇરાદે હત્યા થઈ છે કે કેમ તે અંગે હાલ ચોક્કસ કહી શકાય તેમ નથી.
પોલીસની અલગ-અલગ ટીમો તપાસમાં લાગી છે. ડોગ સ્ક્વોડ અને FSLની ટીમે ઘટનાસ્થળેથી પુરાવા એકત્ર કરવાની કામગીરી હાથ ધરી છે. CCTV ફૂટેજમાં કેટલાક શંકાસ્પદ વાહનો પણ નજરે પડ્યા (Gujarat Crime News) છે. આરોપીઓને ઝડપી પાડવા સમગ્ર જિલ્લામાં નાકાબંધી કરીને તપાસ તેજ કરવામાં આવી છે.
આ પણ વાંચો: રોહતકમાં ગેંગવોરથી ખળભળાટ: મિલન ઢાબા પર અંધાધૂંધ ફાયરિંગ, 4 યુવકોની હત્યા
આ પણ વાંચો: બારડોલી હત્યા કેસમાં વધુ એક મૃતદેહ મળ્યો, નહેરમાંથી 3 વર્ષના પ્રથમેશની લાશ મળી
આ પણ વાંચો: જયપુરમાં એક જ પરિવારના 3 સભ્યોની સામૂહિક આત્મહત્યા, નોટમાં મોબાઇલનો ઉલ્લેખ થતાં રહસ્ય ઘેરાયું
