Vadodara News/ મામાએ કર્યો ભાણિયાના વિશ્વાસનો સોદો! ભાણિયાનો ટેમ્પો ગીરવે મૂકી મામાએ આપી ધમકી

સગા મામાએ ભાણિયા સાથે આચરી છેંતપિંડી (Fraud) ટેમ્પો કંપનીમાં ભાડે મૂકવાના બહાને ગીરવે મૂકી દીધો. ટેમ્પો પરત માંગતાં ધમકી આપ્યાનો આક્ષેપ સાથે પોલીસ ફરિયાદ.

Gujarat Vadodara Breaking News
fraud

Vadodara News: સંબંધોમાં વિશ્વાસઘાતનો વધુ એક ચોંકાવનારો કિસ્સો વડોદરામાં સામે આવ્યો છે. આ કેસમાં બાપોદના યુવકનો ટેમ્પો કંપનીમાં ભાડે મૂકીને દર મહિને રૂપિયા 30 હજાર અપાવવાની લાલચ આપનાર સગા મામાએ ટેમ્પો નડિયાદમાં ગીરવે મૂકી દીધો હતો. ટેમ્પો પરત માંગતાં ભાણિયાને જાનથી મારી નાખવાની અને ટાંટિયા ભાંગી નાખવાની ધમકી આપ્યાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે.

મામાએ ભાણિયાનો ટેમ્પો ગીરવે મુકી આચર્યું Fraud

વડોદરાના બાપોદ વિસ્તારમાં આવેલા હીરાબા નગરમાં રહેતા અને ડ્રાઇવિંગનો વ્યવસાય કરતા જયેશ પટેલે બેંક લોન લઈને સુપર કેરી ટેમ્પો ખરીદ્યો હતો. તેમના નડિયાદના ઉત્તરસંડા ખાતે રહેતા સગા મામા મનિષ પટેલે ટેમ્પો આણંદ (Anand)ની એક કંપનીમાં ભાડે મૂકીને દર મહિને રૂપિયા 30 હજાર ભાડું અપાવવાની ખાતરી આપી હતી. મામાએ વિશ્વાસમાં લઈને ટેમ્પો (Tempo), આર.સી. બુક અને જરૂરી ચેક પોતાની પાસે લઈ લીધા હતા. સંબંધો પર વિશ્વાસ રાખીને જયેશભાઈએ તમામ દસ્તાવેજો સોંપી દીધા હતા.

શરૂઆતમાં ભાડું આપ્યું, પછી નાણાં આપવાનું કર્યું બંધ

ફરિયાદ મુજબ શરૂઆતના બે મહિના સુધી મનિષ પટેલે થોડું ભાડું મોકલ્યું હતું. જોકે ત્યારબાદ કોઈપણ પ્રકારની રકમ આપવાનું બંધ કરી દીધું હતું. જયેશભાઈએ અનેક વખત ફોન કરીને ભાડાની રકમ તેમજ ટેમ્પો પરત માંગ્યો હતો, પરંતુ મામા સતત બહાનાં બનાવતા રહ્યા. આખરે ઉશ્કેરાઈને તેમણે “હવે જો ટેમ્પો માંગીશ તો ટાંટિયા ભાંગી નાખીશ” તેવી ધમકી આપી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.

ખાનગી તપાસમાં ગીરવે મૂક્યાનો થયો ખુલાસો

મામાના વર્તનથી શંકા જતાં જયેશભાઈએ ખાનગી તપાસ કરાવી હતી. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે ટેમ્પો કોઈ કંપનીમાં ભાડે મૂકવામાં આવ્યો જ નહોતો, પરંતુ નડિયાદમાં અન્ય વ્યક્તિ પાસે ગીરવે મૂકી દેવામાં આવ્યો હતો. આ માહિતી મળતાં ફરિયાદીને વિશ્વાસઘાત અને છેતરપિંડીનો અહેસાસ થયો હતો. આ સમગ્ર ઘટનાને લઈને જયેશ પટેલે પોતાના સગા મામા મનિષ પટેલ સામે કાયદેસરની પોલીસ ફરિયાદ (Police Complaint)નોંધાવવાની કાર્યવાહી હાથ ધરી છે.


આ પણ વાંચો:મહેસાણામાં કેનેડા મોકલવાની લાલચ આપી 20 લાખની છેતરપિંડી, ઋત્વિક પટેલ સામે ગુનો નોંધાયો

આ પણ વાંચો:મહેસાણા અર્બન બેંક સાથે 10.88 કરોડની છેતરપિંડીનો આરોપ, પતિ-પત્નીએ મોર્ગેજ મિલકતો વેચી નાખ્યાનો ખુલાસો

આ પણ વાંચો:સુરતમાં 65 લાખની જમીન છેતરપિંડીનો પર્દાફાશ, બોગસ પાવર ઓફ એટર્ની બનાવી પ્લોટ વેચનાર બે આરોપી ઝડપાયા