Mehsana news/ મહેસાણા અર્બન બેંક સાથે 10.88 કરોડની છેતરપિંડીનો આરોપ, પતિ-પત્નીએ મોર્ગેજ મિલકતો વેચી નાખ્યાનો ખુલાસો

મહેસાણા અર્બન બેંક સાથે રૂ.10.88 કરોડથી વધુની છેતરપિંડી (Mehsana Urban Bank Fraud)નો આરોપ. દંપતીએ 9.80 કરોડની લોન લઈ બેંકમાં ગીરો મૂકેલી 16 દુકાનોમાંથી કેટલીક વેચી નાખ્યાની ફરિયાદ, પોલીસે તપાસ શરૂ કરી.

Top Stories Gujarat Others Breaking News
Mehsana Urban Bank Fraud: કરોડોની લોન બાદ મિલકતો વેચી નાખવાનો આરોપ

Mehsana News: મહેસાણા અર્બન કો-ઓપરેટિવ બેંકની SME શાખા સાથે કરોડો રૂપિયાની નાણાકીય છેતરપિંડી (Mehsana Urban Bank Fraud)નો મામલો સામે આવ્યો છે. અમદાવાદના સોલા વિસ્તારમાં રહેતા એક પતિ-પત્ની સામે બેંક સાથે વિશ્વાસઘાત અને છેતરપિંડી (Mehsana Urban Bank Fraud)ની ફરિયાદ નોંધાવવામાં આવી છે. આરોપ છે કે, દંપતીએ બેંકમાંથી કરોડોની લોન લીધા બાદ બેંકમાં ગીરો મૂકેલી મિલકતોની જાણ કર્યા વગર વેચાણ કરી નાખી હતી. જેના કારણે બેંકને વ્યાજ સહિત રૂ.10.88 કરોડથી વધુની રકમનું નુકસાન થયું હોવાનો આક્ષેપ છે.

દંપતીએ લીધી હતી રૂ.9.80 કરોડની ટર્મ લોન

મળતી માહિતી મુજબ, અમદાવાદના સોલા વિસ્તારમાં રહેતા રાજેશકુમાર નટવરલાલ પટેલ (માલિક- શ્રીજી કોર્પોરેશન) અને તેમના પત્ની હેતલબેન રાજેશકુમાર પટેલ (માલિક- ક્યોર હેલ્થ કેર)એ ઓક્ટોબર 2022માં મહેસાણા અર્બન કો-ઓપરેટિવ બેંક (Mehsana Urban Bank Fraud)માંથી ટર્મ લોન મેળવી હતી.બંનેએ પોતાની અલગ-અલગ પેઢીના નામે રૂ.4.90-4.90 કરોડ મળી કુલ રૂ.9.80 કરોડની લોન 11.50 ટકા વ્યાજ દરે લીધી હતી. લોન સામે વડોદરાના સાણી રોડ પર આવેલા કામાક્ષી કુંજ કોમ્પ્લેક્સની કુલ 16 દુકાનો બેંકમાં મોર્ગેજ રાખવામાં આવી હતી.

Mehsana Urban Bank Fraud: બેંકની જાણ વગર ચાર દુકાનો વેચી નાખ્યાનો આરોપ

બેંકની તપાસમાં સામે આવ્યું હોવાનું જણાવાયું છે કે, લોન જે હેતુ માટે લેવામાં આવી હતી તેનો ઉપયોગ યોગ્ય રીતે કરવામાં આવ્યો નહોતો. આ ઉપરાંત ડિસેમ્બર 2022માં બેંકની પૂર્વ મંજૂરી લીધા વગર મોર્ગેજ કરાયેલી મિલકતોમાંથી દુકાન નંબર 117, 118, 119 અને 120 અન્ય વ્યક્તિને વેચી દેવામાં આવી હોવાનો આરોપ છે. બેંકનું કહેવું છે કે, ગીરો રાખેલી મિલકતોનો બારોબાર વ્યવહાર કરીને લોનની શરતોનો ભંગ કરવામાં આવ્યો હતો.

લોન ખાતા NPA જાહેર થયા, RBIને જાણ કરાઈ

લોનના હપ્તા સમયસર ભરવામાં ન આવતા જુલાઈ 2024માં બંને લોન ખાતાઓને NPA (Non Performing Asset) જાહેર કરવામાં આવ્યા હતા. બેંક દ્વારા કારણદર્શક નોટિસ આપવામાં આવી હતી, પરંતુ સંતોષકારક જવાબ ન મળતા સ્પેશિયલ કમિટીની ભલામણ બાદ ડિસેમ્બર 2025માં બંને ખાતાઓને ફ્રોડ એકાઉન્ટ તરીકે વર્ગીકૃત કરવામાં આવ્યા હતા. ત્યારબાદ આ અંગે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)ને પણ જાણ કરવામાં આવી હતી.

રૂ.10.88 કરોડથી વધુનું લેણું બાકી

બેંકના જણાવ્યા મુજબ, 25 માર્ચ 2026 સુધીમાં રાજેશકુમાર પટેલના લોન ખાતામાં વ્યાજ સહિત રૂ.5,44,27,597.91 અને હેતલબેન પટેલના ખાતામાં રૂ.5,44,07,092.60 બાકી નીકળતા હતા. બંને ખાતાઓ મળીને કુલ રૂ.10,88,34,690.51 જેટલી રકમ વસૂલવાની બાકી હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.

મહેસાણા બી ડિવિઝન પોલીસે તપાસ શરૂ કરી

વારંવાર નોટિસ આપવા છતાં લોનની રકમ ભરપાઈ ન થતાં મહેસાણા અર્બન બેંક (Mehsana Urban Bank Fraud)ના ડેપ્યુટી જનરલ મેનેજર ચંદ્રવદન પુરૂષોત્તમદાસ પટેલે મહેસાણા શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે પતિ-પત્ની સામે BNSની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.


આ પણ વાંચો:નિવૃત્ત કર્મચારીઓને લક્ષ્ય બનાવી 42 લાખની બેંક છેતરપિંડી, બે મેનેજરો ધરપકડમાં

આ પણ વાંચો:CBI કોર્ટે બેંક છેતરપિંડીના કેસમાં આસિસ્ટન્ટને 07 વર્ષની સજા અને 15 લાખનો દંડ ફટકાર્યો

આ પણ વાંચો:બેંક છેતરપિંડીમાં તત્કાલીન બ્રાન્ચ મેનેજર સહિત 3 આરોપીઓને કુલ 3.8 લાખ રૂપિયાના દંડ સાથે 3 વર્ષની સખત કેદની સજા ફટકારી