Business News/ હવે દરિયામાંથી તેલ-ગેસ શોધવાનું બનશે સરળ? સરકારે 18 બ્લોક્સ માટે બદલ્યા નિયમો

કેન્દ્ર સરકારે તેલ-ગેસ સંશોધનને (Oil and Gas Production) વેગ આપવા 18 ડીપવોટર બ્લોક્સના બિડિંગ નિયમોમાં ફેરફાર કર્યા છે. બિડિંગની અંતિમ તારીખ 17 ડિસેમ્બર કરાઈ.

Top Stories Breaking News Business
Oil and Gas Production: 18 બ્લોક્સ માટે બિડિંગની નવી શરતો જાહેર

Business News: ભારતમાં તેલ અને ગેસના સંશોધનને (Oil and Gas Production) વેગ આપવા કેન્દ્ર સરકારે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. સરકારે 18 ડીપવોટર અને અલ્ટ્રા-ડીપવોટર બ્લોક્સના (Deepwater Blocks) બિડિંગ માળખામાં ફેરફાર કરીને નિયમો હળવા કર્યા છે. સતત બે લાઇસન્સિંગ રાઉન્ડમાં વેચાયા ન હોય તેવા આ બ્લોક્સમાં આંતરરાષ્ટ્રીય કંપનીઓની ભાગીદારી વધારવા ડાયરેક્ટોરેટ જનરલ ઓફ હાઇડ્રોકાર્બન્સ (DGH) દ્વારા આ સુધારા કરવામાં આવ્યા છે. આ સાથે બિડ રજૂ કરવાની અંતિમ તારીખ વધારીને 17 ડિસેમ્બર કરવામાં આવી છે.

Oil and Gas Production: 1.62 લાખ ચોરસ કિલોમીટરમાં ફેલાયેલા 18 બ્લોક્સ

ઓપન એકરેજ લાઇસન્સિંગ પોલિસી (OALP Bidding Rules) હેઠળ રાઉન્ડ-Xના 13 અને રાઉન્ડ-XIના 5 મળીને કુલ 18 બ્લોક્સનો સમાવેશ થાય છે. આ બ્લોક્સ આશરે 1,62,000 ચોરસ કિલોમીટરના વિસ્તારમાં ફેલાયેલા છે.

નવા સુધારા હેઠળ કેટેગરી-1 બેસિનના ડીપવોટર અને અલ્ટ્રા-ડીપવોટર બ્લોક્સમાં રેવન્યુ-શેર આધારિત બિડિંગની શરત દૂર કરવામાં આવી છે. આ ફેરફારની અસર કુલ સાત બ્લોક્સ પર પડશે.

વધુ નફો થશે તો જ સરકારને આવક મળશે

નવા નિયમો મુજબ કંપનીઓએ સરકાર સાથે આવક વહેંચવાની શરતને બદલે સૂચિત સંશોધન કાર્યના આધારે સ્પર્ધા કરવાની રહેશે. ઉત્પાદનના પ્રથમ પાંચ વર્ષ દરમિયાન વાર્ષિક આવક 2.5 અબજ ડોલરથી વધુ થાય તો જ સરકારને આવક મળશે.

છઠ્ઠા વર્ષથી કરાર પૂર્ણ થાય ત્યાં સુધી ઓપરેટરોએ આવકના 5 ટકા અથવા નિર્ધારિત સ્લેબ મુજબની રકમ સરકારને ચૂકવવાની રહેશે. આ ઉપરાંત સરકારી કંપનીઓના વિદેશી ભાગીદારો (Oil Exploration India) માટે નાણાકીય પાત્રતાના નિયમો પણ હળવા કરવામાં આવ્યા છે.

બિડિંગની નવી સ્કોરિંગ સિસ્ટમ

DGH દ્વારા બિડનું મૂલ્યાંકન કરવા માટે નવી 100 પોઈન્ટની સ્કોરિંગ સિસ્ટમ તૈયાર કરવામાં આવી છે. તેમાં સિસ્મિક વર્ક પ્રોગ્રામને 80 પોઈન્ટ, ઓરિજિનેટર ઇન્સેન્ટિવને 10 પોઈન્ટ અને ડ્રિલિંગના અનુભવને 10 પોઈન્ટ આપવામાં આવશે.

સિસ્મિક સર્વેક્ષણમાં 3D સર્વેને 75 ટકા અને 2D સર્વેને 25 ટકા વેઇટેજ મળશે. આ ઉપરાંત મૂલ્યાંકન માળખામાંથી ‘શોધક કુવાઓ’નો માપદંડ દૂર કરવામાં આવ્યો છે.

નાણાકીય નિયમો હળવા, પરંતુ ટેકનિકલ લાયકાત કડક

સરકારે નાણાકીય નિયમોમાં રાહત આપી છે, પરંતુ ટેકનિકલ લાયકાતના માપદંડ વધુ કડક બનાવ્યા છે. નવા નિયમ મુજબ ઓપરેટર પાસે છેલ્લા 10 વર્ષ દરમિયાન ઓફશોર પેટ્રોલિયમ સંશોધન અથવા ઉત્પાદન ક્ષેત્રે ઓછામાં ઓછા ત્રણ વર્ષનો અનુભવ હોવો ફરજિયાત રહેશે. અગાઉ આ માટે એક વર્ષનો અનુભવ પૂરતો હતો.

OALP-X માટે આઠમી વખત અને OALP-XI માટે ચોથી વખત બિડિંગની સમયમર્યાદા લંબાવવામાં આવી છે. આ સુધારાઓ દ્વારા સરકાર પડકારજનક દરિયાઈ વિસ્તારોમાં તેલ અને ગેસના સંશોધન માટે વિદેશી રોકાણ, આંતરરાષ્ટ્રીય કંપનીઓ અને આધુનિક ટેકનોલોજીને આકર્ષવા માંગે છે. હવે બિડ સબમિટ કરવાની અંતિમ તારીખ 17 ડિસેમ્બર નક્કી કરવામાં આવી છે.


આ પણ વાંચો: મધ્ય પૂર્વમાં તણાવ છતાં પેટ્રોલ-ડીઝલના ભાવ સ્થિર, અમદાવાદમાં જાણો આજના રેટ

આ પણ વાંચો: ભારતીય બજારોમાં ફરી તેજી, 2027માં સ્થાનિક આર્થિક વૃદ્ધિ પર રહેશે નજર: HSBC

આ પણ વાંચો: ATM બાદ હવે દુકાન પરથી પણ ઉપાડી શકાશે કેશ, RBIએ બદલ્યા ATM અને કાર્ડ પેમેન્ટના નિયમો