Ahmedabad News/ ‘દુઃખ દૂર કરવા ધન આપું કે દુઆ?’ કહી અમદાવાદમાં વકીલને ફસાવ્યા, સોનાની બે વીંટી પડાવી

રામોલમાં સાધુ અને અઘોરીના વેશમાં (Fake Sadhu Fraud) આવેલા શખ્સોએ દુઃખ દૂર કરવાની દુઆના બહાને વકીલ પાસેથી રૂ.3.50 લાખની બે સોનાની વીંટી પડાવી. એક આરોપી ઝડપાયો.

Top Stories Ahmedabad Gujarat Breaking News
Fake Sadhu Fraud: અમદાવાદમાં દુઆના બહાને 2 સોનાની વીંટી પડાવી

Ahmedabad News: અમદાવાદના રામોલ વિસ્તારમાં સાધુ અને અઘોરીનો વેશ ધારણ કરીને આવેલા બે શખ્સોએ એક વકીલને દુઃખ દૂર કરવાની વાતોમાં ફસાવી તેમની પાસેથી (Fake Sadhu Fraud) સોનાની બે વીંટી પડાવી લીધી હતી. સરનામું પૂછવાના બહાને વકીલને રોક્યા બાદ ધાર્મિક વાતો અને આશીર્વાદ આપવાના નામે વિશ્વાસ કેળવી આ ઠગાઈ કરવામાં આવી હતી. આ મામલે રામોલ પોલીસે ફરિયાદ નોંધી હિંમતનગરના એક આરોપીની ધરપકડ કરી છે.

Fake Sadhu Fraud: કારમાંથી હાથ બતાવી વકીલને રોક્યા

વસ્ત્રાલમાં રહેતા 56 વર્ષીય અનિલકુમાર ત્રિપાઠી વકીલાત કરે છે. ગત 16 ઓક્ટોબરની રાત્રે તેઓ એક્ટિવા પર પોતાના ભાણેજને માધવ સોસાયટીમાં મૂકવા જઈ રહ્યા હતા. આ દરમિયાન રામોલ-વસ્ત્રાલ વિસ્તારમાં અબજીબાપા એન્કલેવ સામે અમૃતમ ક્લિનિક પાસે પહોંચતાં પાછળથી એક કાર આવી હતી.

કારમાં ડ્રાઇવર સીટની બાજુમાં બેઠેલા શખ્સે હાથ બતાવીને તેમને રોક્યા હતા. કારમાં બેઠેલો એક શખ્સ સાધુ-બાવાના વેશમાં હતો, જ્યારે કાર ચલાવનાર વ્યક્તિએ અઘોરીનો વેશ ધારણ કર્યો હતો. બંનેએ વકીલને નજીકમાં મંદિર કે આશ્રમ ક્યાં આવેલું છે તે અંગે પૂછપરછ કરી હતી.

‘તારા દુઃખ દૂર કરવા ધન આપું કે દુઆ’ કહી વિશ્વાસ જીત્યો

અનિલકુમાર ત્રિપાઠીએ નજીકમાં કોઈ મંદિર કે આશ્રમ ન હોવાનું જણાવ્યું હતું. ત્યારે સાધુના વેશમાં રહેલા શખ્સે તેમને કહ્યું હતું કે, ‘તારા દુઃખ દૂર કરવા ધન આપું કે દુઆ.’ ત્યારબાદ ધાર્મિક વાતો અને આશીર્વાદ આપીને તેમનો વિશ્વાસ જીત્યો હતો.

આરોપીએ દુઃખ દૂર કરવાના બહાને વકીલને થપ્પડ મારવા અને તેમનો શર્ટ ફાડવા જેવી હરકતો કરી હતી. બાદમાં મોબાઈલ ફોન માંગ્યો હતો. વકીલે મોબાઈલ આપતાં આરોપીએ થોડા સમય પછી તે પરત કરી દીધો હતો.

રૂ.3.50 લાખની બે સોનાની વીંટી ઉતરાવી લીધી

ત્યારબાદ સાધુના વેશમાં રહેલા શખ્સે વકીલના હાથમાં પહેરેલી સોનાની વીંટી (Gold Ring Theft) માંગતા તેમણે પોતાની બે વીંટી ઉતારી આપી હતી. આ બંને વીંટીઓની કિંમત આશરે રૂ.3.50 લાખ હોવાનું જાણવા મળ્યું છે. વીંટી હાથમાં આવ્યા બાદ સાધુ અને અઘોરીના વેશમાં આવેલા બંને શખ્સો કાર લઈને ત્યાંથી ફરાર થઈ ગયા હતા.

બનાવ સમયે ગભરાઈ ગયેલા વકીલ પાસે વીંટીઓનાં બિલ ન હોવાથી તેમણે તે સમયે માત્ર જાણવાજોગ અરજી આપી હતી.

એડ્રેસ પૂછવાના બહાને ઠગાઈ કરતા હોવાનો ખુલાસો, એકની ધરપકડ

દરમિયાન રામોલ પોલીસ (Ramol Police) દ્વારા સાધુના વેશમાં ઠગાઈ કરતા હિંમતનગરના સાવન ભાટીને ઝડપી પાડવામાં આવ્યો હોવાની જાણ થતાં વકીલે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે સાવનની ધરપકડ કરી તેની પાસેથી રૂ.1.97 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.

પોલીસની પૂછપરછમાં સામે આવ્યું કે આરોપી રાહદારીઓને સરનામું પૂછવાના બહાને રોકતો હતો અને ત્યારબાદ વાતોમાં ફસાવી વિશ્વાસ કેળવી ઠગાઈ કરતો હતો. આ મામલે (Ahmedabad Cheating Case) પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.


આ પણ વાંચો: અમદાવાદમાં જિયો ફાઈબરના નામે વૃદ્ધ સાથે રૂપિયા 67,501ની ઓનલાઈન ઠગાઈ

આ પણ વાંચો: અમદાવાદમાં સરકારી આવાસના નામે રૂ. 50 લાખની ઠગાઈ,બે શખસો સામે ફરિયાદ

આ પણ વાંચો: ડાકોરમાં મંદિર બનાવવાના નામે ₹1.25 કરોડની ઠગાઈનો આરોપ, બે સ્વામી સહિત 5 સામે ફરિયાદ