Ahmedabad News: અમદાવાદ: શહેરમાં ફરી એકવાર સાયબર ઠગો (Cyber Fraud)એ એક વડીલને નિશાન બનાવ્યા છે. ઈન્દિરાબ્રિજ સર્કલ નજીક રહેતા 65 વર્ષીય વૃદ્ધને જિયો ફાઈબરના કસ્ટમર કેર પ્રતિનિધિ તરીકે ઓળખ આપી ઠગે OTP લઈ અને રિફંડનું કહી કુલ રૂ. 67,501નો ચૂનો લગાવ્યો છે. એરપોર્ટ પોલીસે આ અંગે ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી છે.
Cyber Fraud:ઈન્ટરનેટ બંધ થતાં કરેલી ફરિયાદ બાદ આવ્યો ઠગનો ફોન
મળતી માહિતી મુજબ, વૃદ્ધના ઘરનું વાઈ-ફાઈ ચાલતું ન હોવાથી તેમણે સર્વિસ અંગે ફરિયાદ નોંધાવી હતી. થોડા સમય પછી એક અજાણ્યા વ્યક્તિએ ફોન કરીને પોતે જિયો ફાઈબર (Jio Fiber)ના કસ્ટમર કેર (Customer Care)માંથી બોલે છે તેમ જણાવ્યું. કનેક્શન ચેક કરવાનું કહી તેણે વૃદ્ધ પાસેથી OTP મેળવ્યો અને UPI દ્વારા રૂ. 48,502 બીજે ટ્રાન્સફર કરાવી લીધા.
રિફંડનું કહી બીજી વખત પણ રકમ કઢાવી
પહેલી રકમ ગયા પછી ઠગે રિફંડ પરત આપવાની વાત કરી વૃદ્ધ પાસેથી વધુ રૂ. 18,999 પણ પડાવી લીધા. આમ બે વારમાં કુલ રૂ. 67 ,501 વૃદ્ધના ખાતામાંથી ગયા હતા.
ત્રીજી વખત પૈસા માગતા જ શંકા ગઈ
ઠગે ફરી વધુ રકમની માંગણી કરતાં વૃદ્ધને પોતાની સાથે છેતરપિંડી થઈ રહી હોવાની શંકા ગઈ અને તેમણે તરત ફોન કટ કરી દીધો. આ સમજદારીને કારણે વધુ નુકસાન થતું અટક્યું.
એરપોર્ટ પોલીસ આરોપીની શોધમાં
બનાવની ફરિયાદના આધારે એરપોર્ટ પોલીસે (Airport Police) ગુનો નોંધ્યો છે અને સાયબર ઠગની ઓળખ મેળવવા તપાસ શરૂ કરી છે. પોલીસ ટેકનિકલ વિગતો અને બેંક ટ્રાન્ઝેક્શનની કડીઓના આધારે આરોપી સુધી પહોંચવાનો પ્રયાસ કરી રહી છે.
આ પણ વાંચો: જેપી મોર્ગન પર મોટો સાયબર એટેક: 16 હજાર ગ્રાહકોનો ડેટા લીક
આ પણ વાંચો: અમદાવાદમાં APK ફાઈલથી સાયબર ઠગાઈનો ખેલ! રાણીપના યુવકના ખાતામાંથી ₹9.48 લાખ ગાયબ
આ પણ વાંચો: ‘સત્તા મળી એટલે નિર્દોષોને દંડશો?’ ગુજરાત હાઈકોર્ટની સાયબર ક્રાઈમ પોલીસને ફટકાર
