Surat News/ સુરત ભાજપના રૂ.19 લાખના કથિત તોડકાંડમાં નવો વળાંક, વાઈરલ સ્ક્રીનશોટથી વિવાદ વકર્યો

સુરત ભાજપમાં રૂ.19 લાખના કથિત તોડકાંડનો (Surat BJP Scam)વિવાદ દિવસેને દિવસે વધુ ગંભીર બની રહ્યો છે

Top Stories Gujarat Surat
સુરત ભાજપમાં રૂ.19 લાખના કથિત તોડકાંડનો (Surat BJP Scam)વિવાદ દિવસેને દિવસે વધુ ગંભીર બની રહ્યો છે

Surat News : સુરત ભાજપમાં રૂ.19 લાખના કથિત તોડકાંડનો (Surat BJP Scam)વિવાદ દિવસેને દિવસે વધુ ગંભીર બની રહ્યો છે. એક તરફ વોટ્સએપ ચેટના નવા સ્ક્રીનશોટ વાઈરલ થઈ રહ્યા છે, તો બીજી તરફ ભાજપના જ નેતાઓનાં નિવેદનોમાં વિરોધાભાસ સામે આવી રહ્યો છે. આ ઘટનાએ સુરતના રાજકારણમાં ભારે ગરમાવો લાવી દીધો છે. હવે આ મામલે વિપક્ષ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ પણ સક્રિય થઈને તપાસની માગ ઉઠાવી છે. આમ આદમી પાર્ટીએ ACB સમક્ષ લેખિત રજૂઆત કરીને સમગ્ર પ્રકરણની નિષ્પક્ષ તપાસ (ACB Investigation)કરવાની માગ કરી છે.

Surat BJP Scam : વાઈરલ સ્ક્રીનશોટથી ભાજપની મુશ્કેલી વધી

સુરત ભાજપમાં ચાલી રહેલા વિવાદ (Surat BJP Controversy)વચ્ચે ભાજપના નેતા મનીષ નાયકે કરેલી રજૂઆતના ચેટિંગના સ્ક્રીનશોટ વાઈરલ (WhatsApp Chat Viral)થયા છે. મનીષ નાયકના જણાવ્યા પ્રમાણે, ભાઈદાસભાઈએ ખાતમુહૂર્તના કાર્યક્રમ દરમિયાન ધારાસભ્યની હાજરીમાં રૂ.19 લાખના વ્યવહાર (Rs 19 Lakh Extortion)અંગે વાત કરી હતી. આ બાબતની તપાસ કરવા માટે પણ તેમણે કહ્યું હતું.

મનીષ નાયકે વધુમાં જણાવ્યું હતું કે, તેમણે આ સમગ્ર મામલે થયેલી ચેટ શહેર ભાજપ પ્રમુખ પરેશ પટેલને ફોરવર્ડ કરીને જાણ કરી હતી. પક્ષની છબીને નુકસાન પહોંચતું હોવાથી જવાબદારો સામે શિસ્તભંગનાં પગલાં લેવા પણ રજૂઆત કરી હતી.

હવે આ ચેટના સ્ક્રીનશોટ સામે આવતાં ભાજપના આંતરિક વ્યવહાર અંગે નવા સવાલો ઊભા થયા છે. ખાસ કરીને શહેર પ્રમુખ પરેશ પટેલના અગાઉના નિવેદનો અને મીડિયાને નોટિસ આપવાની ચીમકી વચ્ચે આ નવા સ્ક્રીનશોટથી વિવાદ વધુ ઘેરો બન્યો છે.

AAPની ACBમાં રજૂઆત, નિષ્પક્ષ તપાસની માગ

ભાજપનો આંતરિક વિવાદ હવે રાજકીય લડાઈમાં ફેરવાઈ રહ્યો છે. આમ આદમી પાર્ટીના નેતાઓએ સુરત એન્ટી કરપ્શન બ્યુરો (ACB) સમક્ષ લેખિત રજૂઆત કરીને સમગ્ર મામલાની નિષ્પક્ષ તપાસ કરવાની માગ કરી છે.

AAPના નેતાઓના જણાવ્યા મુજબ, ભાજપના જ એક સિનિયર નેતા દ્વારા આ કથિત તોડકાંડનો મુદ્દો સામે આવ્યો છે. આ પ્રકરણમાં ધારાસભ્ય અને કોર્પોરેટરોના નામે નાણાં લેવાયાં હોવાની ચર્ચા થઈ રહી છે. આવી સ્થિતિમાં સમગ્ર મામલાની તપાસ થવી જરૂરી છે.

વિપક્ષે એવો પણ સવાલ ઉઠાવ્યો છે કે, આ મામલે તપાસ કરવાની જગ્યાએ પત્રકારોને નોટિસ આપવાની વાત કરીને મીડિયાને દબાવવાનો પ્રયાસ કેમ કરવામાં આવી રહ્યો છે? AAPએ આ મુદ્દે રાજ્યસ્તરે પણ ACB સમક્ષ રજૂઆત કરવાની જાહેરાત કરી છે.

પરેશ પટેલે વાઈરલ ચેટ પર ઉઠાવ્યા સવાલ

બીજી તરફ, સુરત ભાજપ શહેર પ્રમુખ પરેશ પટેલે સમગ્ર મામલે પોતાની પ્રતિક્રિયા આપતાં વાઈરલ સમાચારોને પાયાવિહોણા ગણાવ્યા છે. તેમણે મીડિયાની કામગીરી સામે પણ નારાજગી વ્યક્ત કરી હતી.

પરેશ પટેલે જણાવ્યું હતું કે, આ સમાચાર ખોટા છે અને જે લોકોએ તેનું પ્રસારણ કર્યું છે તેમને આગામી ત્રણથી ચાર દિવસમાં નોટિસ આપવામાં આવશે. તેમણે સવાલ કર્યો હતો કે, કોઈ પણ પુરાવા વગર આ પ્રકારના સમાચારનું પ્રસારણ કેવી રીતે થઈ શકે?

વોટ્સએપ ચેટ અંગે તેમણે કહ્યું હતું કે, કોઈ પણ કાર્યકર્તા આવી ચેટ બનાવી શકે છે. તેથી માત્ર વાઈરલ થયેલી ચેટના આધારે કોઈને જવાબદાર ઠેરવી શકાય નહીં.

18 નવેમ્બરે વાઈરલ થયેલી ચેટથી શરૂ થયો હતો વિવાદ

ઉલ્લેખનીય છે કે, ગત 18 નવેમ્બરના રોજ સુરત ભાજપમાં આંતરિક ખેંચતાણ વચ્ચે રૂ.19 લાખના કથિત સેટલમેન્ટ (Rs 19 Lakh Extortion)અંગેની વોટ્સએપ ચેટ વાઈરલ થઈ હતી. આ ચેટમાં ખાનગી સોસાયટીમાં થયેલા કથિત ગેરકાયદે બાંધકામના મામલે રૂ.19 લાખના સેટલમેન્ટની ચર્ચા હોવાનો દાવો કરવામાં આવ્યો હતો.

આ ઉપરાંત વોર્ડ નંબર 27ના દરેક કોર્પોરેટરને રૂ.2-2 લાખ મળ્યા હોવાની પણ ચેટમાં ચર્ચા સામે આવી હતી. જોકે, આ વિગતોની સ્વતંત્ર પુષ્ટિ થઈ નથી.

હાલમાં ભાજપના આંતરિક નિવેદનો, વાઈરલ સ્ક્રીનશોટ અને વિપક્ષની ACB તપાસની (ACB Investigation)માગને પગલે આ મામલો વધુ ચર્ચામાં છે. હવે જોવાનું એ રહેશે કે આ સમગ્ર પ્રકરણમાં તપાસ થાય છે કે પછી રાજકીય નિવેદનબાજી વચ્ચે જ વિવાદ આગળ વધે છે.


આ પણ વાંચો: સુરત ભાજપમાં 19 લાખના કથિત તોડકાંડથી ખળભળાટ, વાઈરલ ચેટમાં કોર્પોરેટરોના નામ

આ પણ વાંચો: બોટાદ 1 કરોડ તોડકાંડ: જગદીશ ચૌહાણ નિવેદન આપવા પહોંચ્યા, મયુર જમોડને પણ બોલાવાયા

આ પણ વાંચો: ગીર સોમનાથમાં જુગાર રેડ બાદ ₹5 લાખના તોડકાંડનો વિવાદ, બે PSI સસ્પેન્ડ