Junagadh News: જૂનાગઢના ગરવા ગિરનારની 36 કિલોમીટરની લીલી પરિક્રમા (Girnar Lili Parikrama) હવે પૂર્ણતાના આરે પહોંચી છે. 20 નવેમ્બરના રોજ એક દિવસ વહેલો પ્રવેશદ્વાર ખોલવામાં આવ્યા બાદ ગુજરાત સહિત અન્ય રાજ્યો અને વિદેશમાંથી આવેલા શ્રદ્ધાળુઓએ (Girnar Pilgrims) પરિક્રમા શરૂ કરી હતી. અત્યાર સુધીમાં 7.50 લાખથી વધુ પરિક્રમાર્થીઓ પરિક્રમા પૂર્ણ કરી ચૂક્યા છે. ઇટવા ઘોડી અને જીણાબાવાની મઢી પરના પડાવો ખાલી થતાં યાત્રાળુઓ હવે ભવનાથ (Bhavnath) તરફ પરત ફરી રહ્યા છે. સાધુ-સંતો પણ પોતાના આશ્રમોમાં પાછા ફરી રહ્યા છે.
આજે સાંજ સુધીમાં અંતિમ પડાવ બોરદેવીથી પસાર થઈને મોટાભાગના યાત્રાળુઓ ભવનાથ પરત ફરશે. આવતીકાલે સાંજ સુધીમાં પરિક્રમાના પ્રવેશદ્વાર બંધ કરી દેવામાં આવશે.
Girnar Lili Parikrama: તંત્રની વ્યવસ્થાથી યાત્રાળુઓ ખુશ, પાણીની ગુણવત્તા સામે સવાલ
પ્રકૃતિ અને પરમેશ્વરના સમન્વયનો આનંદ માણનારા પરિક્રમાર્થીઓએ વહીવટી તંત્ર, વન વિભાગ અને પોલીસની સુરક્ષા તથા વ્યવસ્થાની કામગીરીને બિરદાવી છે. જોકે, પરિક્રમા રૂટ પર વેચાતી પાણીની બોટલો અને પીવાના પાણીની સુવિધાને લઈને કેટલાક યાત્રાળુઓએ નારાજગી વ્યક્ત કરી છે.
યાત્રાળુઓએ જણાવ્યું હતું કે પોલીસ ચેકિંગ અને સુરક્ષાની વ્યવસ્થા ઉત્તમ છે, પરંતુ પીવાના પાણીની શુદ્ધતાની કોઈ ગેરંટી નથી. પાણીના ટેન્કરોમાં ધૂળ જોવા મળતી હોવાથી તબિયત બગડવાનો ભય રહે છે. તેમણે પ્લાસ્ટિક પ્રતિબંધના અમલ માટે સૂચન કર્યું હતું કે વિક્રેતાઓ જેટલી પાણીની બોટલો અંદર લઈ જાય, તેટલી ખાલી બોટલો પરત જમા લેવાનો નિયમ બનાવવો જોઈએ.

અંદાજ કરતાં ઓછી ભીડથી અન્નક્ષેત્રોમાં અનાજનો જથ્થો બચ્યો
પાણીની અછત અને જંગલની સૂકી સ્થિતિ અંગે પ્રશાસન તથા મીડિયામાં આવેલા અહેવાલોની અસર પણ યાત્રાળુઓની સંખ્યા પર જોવા મળી છે. આ વર્ષે પરિક્રમામાં ગત વર્ષોની સરખામણીએ નોંધપાત્ર ઘટાડો થયો હોવાનું સામે આવ્યું છે. જોકે, યાત્રાળુઓની સંખ્યા ધારણા (Girnar Parikrama Crowd) કરતાં ઓછી રહેતાં ઘી, તેલ, લોટ અને શાકભાજી સહિતનો મોટો જથ્થો બચ્યો છે. આ સ્થિતિમાં એક દિવસ વહેલું અન્નક્ષેત્ર સંકેલવાની ફરજ પડી છે.
પીવાના પાણીની વ્યવસ્થા છતાં નાહવા-ધોવાની અગવડતાની ચિંતા
પ્રશાસન દ્વારા બોર અને જનરેટરની મદદથી પાણીના ટાંકા ભરીને પીવાના પાણીની પૂરતી વ્યવસ્થા કરવામાં આવી હતી. જોકે, નાહવા-ધોવાની અગવડતા રહેશે તેવી આશંકાને કારણે પણ ઘણા લોકોએ આ વર્ષે પરિક્રમા કરવાનું ટાળ્યું હોવાનું જણાવાયું છે.
વર્તમાન વૈશ્વિક મંદી અને સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં દુષ્કાળ જેવી પરિસ્થિતિ વચ્ચે આગામી વર્ષ માટે પણ સંકેતો નબળા જણાઈ રહ્યા છે. આવી સ્થિતિમાં સૌના ધંધા-રોજગાર સારા ચાલે અને પરિસ્થિતિમાં સુધારો આવે તેવી ગિરનારી મહારાજ અને ભોળાનાથને પ્રાર્થના કરવામાં આવી છે.
આ પણ વાંચો: ગિરનાર લીલી પરિક્રમાના બીજા દિવસે ભક્તોનું ઘોડાપૂર, અંદાજે 5 લાખ શ્રદ્ધાળુઓએ કરી પરિક્રમા પૂર્ણ
આ પણ વાંચો: ગિરનાર પરિક્રમાએ જતા શ્રદ્ધાળુઓને નડ્યો અકસ્માત: બોલેરો પલટી ખાઈ, 6ની હાલત ગંભીર
આ પણ વાંચો: ગિરનારની લીલી પરિક્રમા દરમિયાન ભાવિકનું મોત: ચિથરીયા પીર પાસે હાર્ટ એટેક આવતા કરુણ ઘટના
