Rajkot News: ડાકોરમાં ભવ્ય સ્વામિનારાયણ મંદિર અને ગૌશાળા બનાવવાની વાત કરી નિવૃત્ત શાસનાધિકારી પાસેથી ₹1.25 કરોડ મેળવવાના કથિત છેતરપિંડીના મામલે રાજકોટમાં પાંચ લોકો સામે ગુનો (Rajkot Fraud Case) નોંધાયો છે. આરોપીઓમાં વડતાલ સ્વામિનારાયણ (Vadtal Swaminarayan Temple) સંપ્રદાયના માધવપ્રિય સ્વામી ઉર્ફે એમ.પી. સ્વામી અને દર્શન પ્રકાશ સ્વામી ઉર્ફે ડી.પી. સ્વામી સહિતના લોકોનો સમાવેશ થાય છે. ફરિયાદ મુજબ, આફ્રિકાથી મંદિર માટે મોટું દાન આવવાનું હોવાનું કહી જમીન ખરીદીના સોદામાં રોકાણ કરાવાયું હતું. જોકે, ન તો જમીનનો દસ્તાવેજ થયો કે ન તો રોકાણ કરેલી રકમ પરત મળી.
Rajkot Fraud Case: 400 વીઘામાં મંદિર બનાવવાની વાત કરી રોકાણની લાલચ આપી
ચોટીલાના નિવૃત્ત શાસનાધિકારી નરસિંહ લઘરભાઈ વાઢેરે ફરિયાદમાં જણાવ્યું છે કે, વર્ષ 2004-05 દરમિયાન મોરબીના શિક્ષણ વિભાગમાં નોકરી કરતા હતા ત્યારે તેમની ઓળખ ચિંતન પરમાર સાથે થઈ હતી. ચિંતન જમીન-મકાનની દલાલીનું કામ કરતો હતો. મે, 2020માં તેણે ફોન કરીને ડાકોરમાં આશરે 300થી 400 વીઘા જમીનમાં ભવ્ય સ્વામિનારાયણ મંદિર બનાવવાની યોજના હોવાનું જણાવ્યું હતું. આ પ્રોજેક્ટમાં રોકાણ કરવાથી સારું વળતર મળશે તેવી લાલચ પણ આપી હતી.
ત્યારબાદ ચિંતન તેમને રાજકોટના ભૂપેન્દ્ર રોડ પર આવેલા સ્વામિનારાયણ મંદિરમાં સંતોને મળવા લઈ ગયો હતો. ત્યાં માધવપ્રિય સ્વામી, દર્શન પ્રકાશ સ્વામી અને લાલજી બાવભાઈ ઢોલા સાથે મુલાકાત કરાવી હતી. ફરિયાદ મુજબ, સંતોએ ડાકોરના સૂઈ અને સૈયત ગામ પાસે મહુધા રોડ પર જમીન જોઈ રાખી હોવાનું અને મંદિર તથા ગૌશાળા બનાવવા માટે આફ્રિકાથી દાન મળવાનું હોવાનું જણાવ્યું હતું.
અસલ સાટાખત બતાવવાની વાત કરી જમીનના સોદામાં જોડ્યા
ફરિયાદમાં વધુમાં જણાવાયું છે કે, દાન આપનાર વ્યક્તિને જમીન ખરીદીનું અસલ સાટાખત બતાવવું જરૂરી હોવાનું કહી ફરિયાદીને પોતાના નામે જમીન ખરીદવા માટે સમજાવવામાં આવ્યા હતા. જમીનના સોદામાં રોકાણ કરવાથી મૂળ રકમ ઉપરાંત કમિશન પણ મળશે તેવી વાત કરવામાં આવી હતી. લાલજી ઢોલાએ પોતે મંદિરના ખજાનચી તરીકે કામ કરતા હોવાનું જણાવી રોકાણ કરેલી રકમ પરત અપાવવાની ખાતરી આપી હતી.
ત્યારબાદ ચિંતન અને લાલજી ફરિયાદીને ડાકોર લઈ ગયા હતા, જ્યાં જમીનમાલિક જેકી શરદભાઈ રામી સાથે મુલાકાત કરાવવામાં આવી હતી. જેકીએ કુલ 354 વીઘા જેટલી જમીન બતાવી હતી. ફરિયાદ મુજબ, જમીનનો ભાવ અને સોદા અંગે વાતચીત થયા બાદ ફરિયાદીએ શરૂઆતમાં ₹1 લાખ આપ્યા હતા.
₹1.24 કરોડ રોકડા આપ્યાનો વીડિયો પણ બનાવ્યો હોવાનો દાવો
ફરિયાદ મુજબ, 8 જૂન, 2020ના રોજ ફરિયાદી પોતાના પુત્ર, ભાગીદાર, ભત્રીજા અને અન્ય લોકો સાથે ડાકોર ગયા હતા. ત્યાં જમીનમાલિક જેકી રામીને જમીન ખરીદી પેટે ₹1.24 કરોડ રોકડા આપ્યા હતા. આ રકમ આપતી વખતે ફરિયાદીના પુત્રના મિત્ર ગૌરાંગ ઘોરડાએ મોબાઇલમાં વીડિયો રેકોર્ડ કર્યો હોવાનો પણ ફરિયાદમાં ઉલ્લેખ છે.
રકમ આપ્યા બાદ જેકી રામીએ ₹300ના સ્ટેમ્પ પેપર પર જમીન વેચાણ અંગે સમજૂતી કરાર એટલે કે સાટાખત કરી આપ્યું હતું. તેમાં બાકીની રકમ આઠ મહિનામાં ચૂકવવાની અને ત્યારબાદ જમીનનો દસ્તાવેજ કરી આપવાની શરત હતી. ફરિયાદીને અસલ સાટાખત આપવામાં આવ્યું હતું, જ્યારે તેની ઝેરોક્સ નકલ જમીનમાલિકે પોતાની પાસે રાખી હતી.
આફ્રિકાના દાન અને FCRA સર્ટિફિકેટનું કારણ આપ્યાનો આક્ષેપ
ફરિયાદીનો આક્ષેપ છે કે, જમીનનું અસલ સાટાખત મળ્યા બાદ તેમણે તે માધવપ્રિય સ્વામીને આપ્યું હતું. સ્વામીએ આફ્રિકાથી દાન આપનાર વ્યક્તિને બતાવવા માટે અસલ સાટાખત પોતાની પાસે રાખવું પડશે તેમ જણાવ્યું હતું. સાથે જ 10 દિવસમાં દાનની રકમ આવી જશે અને ત્યારબાદ રોકાણ કરેલી રકમ, જમીનની બાકીની રકમ તથા કમિશન પરત આપી દેવામાં આવશે તેવી ખાતરી આપવામાં આવી હતી.
જોકે, 10 દિવસ બાદ રકમ અંગે પૂછતાં દાન મેળવવા માટે આફ્રિકા જવાનું બાકી હોવાનું જણાવાયું હતું. ત્યારબાદ દાન આવી ગયું છે, પરંતુ FCRA સર્ટિફિકેટ મળવાનું બાકી હોવાથી રકમ ઉપાડી શકાતી નથી તેમ કહેવામાં આવ્યું હતું. થોડા સમય પછી માધવપ્રિય સ્વામીએ આફ્રિકાથી દાન મળ્યું ન હોવાનું કહી જમીનમાલિક પાસેથી રૂપિયા પરત લેવા જણાવ્યું હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ છે.
જમીનમાલિકે પણ રકમ પરત આપવાનો ઇનકાર કર્યો
ફરિયાદ મુજબ, જ્યારે ફરિયાદી અને તેમના સાથીઓએ જેકી રામી પાસે રકમ પરત માગી ત્યારે તેણે બાકીની ₹1.51 કરોડની રકમ આઠ મહિનામાં ચૂકવવાની હતી, પરંતુ સમયસર ન ચૂકવતાં હવે રૂપિયા પરત નહીં મળે તેમ જણાવ્યું હતું. ફરિયાદીએ લોકડાઉનને કારણે સમયસર ચુકવણી ન થઈ હોવાનું અને સ્વામીઓએ જમીન લેવાની ના પાડી હોવાનું સમજાવ્યું હતું. તેમ છતાં રકમ પરત આપવામાં આવી ન હતી.
આ મામલે ફરિયાદીએ ફેબ્રુઆરી, 2023માં ડાકોર પોલીસ સ્ટેશનમાં જેકી રામી અને ચિંતન પરમાર સામે અરજી કરી હતી. ત્યારબાદ પોલીસ સ્ટેશનમાં થયેલી બેઠકમાં અગાઉના સાટાખતને રદ કરીને ₹1.25 કરોડ જેટલી કિંમતની જમીનનું ટાઇટલ ક્લિયર કરાવી રજિસ્ટર્ડ દસ્તાવેજ કરી આપવાનો નવો સમજૂતી કરાર થયો હોવાનું ફરિયાદમાં જણાવાયું (Gujarat Crime News) છે. જોકે, આ કરાર મુજબ પણ જમીનનો દસ્તાવેજ કરવામાં આવ્યો ન હતો અને રકમ પરત મળી ન હતી.
બે સ્વામી સહિત પાંચ લોકો સામે ગુનો નોંધાયો
સમગ્ર મામલે રાજકોટ શહેરની આર્થિક ગુના નિવારણ શાખાએ અમદાવાદના ચિંતન અશ્વિનભાઈ પરમાર, અંકલેશ્વરના માધવપ્રિય સ્વામી ઉર્ફે એમ.પી. સ્વામી, આણંદના દર્શન પ્રકાશ સ્વામી (Swaminarayan Saints) ઉર્ફે ડી.પી. સ્વામી, સુરતના લાલજી બાવભાઈ ઢોલા અને ડાકોરના જેકી શરદભાઈ રામી સામે ગુનો નોંધ્યો છે. પોલીસે આ મામલે કાયદેસરની કાર્યવાહી અને વધુ તપાસ હાથ ધરી છે. હાલ આ તમામ સામેના આક્ષેપો ફરિયાદમાં કરવામાં આવેલા દાવા છે.
આ પણ વાંચો: વડતાલ મંદિર ઠગાઈ મામલો, સ્વામિનારાયણ સંપ્રદાયના 3 આરોપીઓ 1 દિવસના રિમાન્ડ પર
આ પણ વાંચો: સ્વામિનારાયણ મંદિરના સંતો દ્વારા કરોડોની ઠગાઈનો કેસ સામે આવ્યો
