અમદાવાદ
ગુજરાત વિધાનસભાની ચૂંટણી ભાજપ માટે ઘણી અઘરી બની રહેશે તેવા એંધાણ વર્તાઇ રહ્યાં છે.ભાજપની ઉમેદવારોની બીજી યાદી બહાર આવતાની સાથે ફરી એકવાર જીલ્લા-તાલુકા લેવલ પર અસંતોષ ફાટી નીકળ્યો છે. ભાજપે આ વખતે મોટાભાગના મંત્રી-ધારાસભ્યને પુઃન ટિકીટ આપી રિપિટ થિયરી અપનાવી છે જેના પગલે ઠેર ઠેર અસંતોષ ભભૂક્યો છે અને રાજીનામાં પડવાનો દોર શરૃ થયો હતો.
ભાજપે આજે નવી 36 ઉમેદવારોની યાદી જાહેર કરી છે. આ યાદીમાં 26 એવા ઉમેદવારો છે જેમનું પત્તુ કાપવામાં આવ્યું છે. આ યાદી પ્રમાણે 6 એવી બેઠક છે જ્યાં ભાજપ વિજયી થયું હતું ત્યાં જૂના ઉમેદવારને રીપિટ નહીં કરીને નવા ચહેરાઓને તક આપવામાં આવી છે.
ગઇકાલે શનિવારે ભાજપના કોડીનારના ધારાસભ્ય જેઠા સોલંકીએ રાજીનામુ ધરી દીધુ હતું.તો પક્ષના બીજા હોદ્દેદારોએ પણ રાજીનામાનો દોર ચાલુ રાખ્યો હતો.પાદરા,ભાવનગરથી લઇને સૌરાષ્ટ્ર સહિત કેટલાંય વિસ્તારોમાં ઉમેદવારની પસંદગીને લઇને ભાજપના હોદ્દેદારો,જીલ્લા-તાલુકા પંચાયતના હોદ્દેદારોએ પક્ષ સાથે છેડો ફાડી નાંખ્યો હતો. એટલું જ નહીં, કમલમમાં ય ભાજપના કાર્યકરોના ટોળાં ઉમટયા હતાં. તેમણે ટિકિટના મુદ્દે નેતાઓ સમક્ષ રોષ ઠાલવ્યો હતો. આ બાબતને ધ્યાનમાં રાખીને કમલમમા પ્રદેશ ભાજપના નેતાઓએ બેઠકોનો દોર શરૂ કરી ડેમેજ કંટ્રોલ કરવા કવાયત કરી હતી.નારાજ નેતાઓના મનામણાંના પ્રયાસો આદરાયાં છે.
ભાજપના સીનીયર નેતા આઇ કે જાડેજાનું પત્તુ કપાતા વઢવાણમાં તેમના સમર્થકોમાં ભારે અંસતોષ જોવા મળ્યો હતો.શનિવારે આઇ કે જાડેજાના ટેકેદારોએ કમલમ પહોંચીને હોબાળો કર્યો હતો.
ભાજપની બીજી યાદી બહાર પડતા ધોળકામાં મંત્રી ભુપેન્દ્રસિંહનો વિરોધ ભેટાવાડા ગામના લોકોએ કર્યો હતો.
ભુજમાં ચાલુ ધારાસભ્ય રમેશ મહેશ્વરીને રીપીટ નહીં કરીને તેમને બદલે માલતી મહેશ્વરીને ટીકીટ આપતાં ભારે વિરોધ થવા પામ્યો છે.
અમદાવાદમાં નરોડામાં ભાજપે તેમના મંત્રી નિર્મલા વાધવાણીને કાપીને સિંધી સમાજના જ બલરામ થાનાણીને ટીકીટ આપતા વિરોધ ફાટી નીકળ્યો છે.નરોડામાં છારા સમાજ અને બીજા સમાજનો સિંધી સમાજના ઉમેદવાર સામે વિરોધ થયો છે.
વિધાનસભાની ચુંટણીમાં ખેડા જિલ્લાની મહેમદાવાદ વિધાનસભા બેઠક પર ભાજપમાં ભડકો થયો છે.મોવડી મંડળ દ્વારા મહેમદાવાદ બેઠક પર નવો ચહેરો મુકવામાં આવ્યો છે.પાર્ટી દ્વારા અર્જુનસિંહ ચૌહાણને ટિકીટ આપવામાં આવતા તાલુકાના હોદ્દેદારોમાં અસંતોષ ઉભો થયો છે.ભાજપમાં ટિકીટની માંગણી કરનાર જુવાનસિંહ ચૌહાણ અને સમર્થકોએ આજે માંકવા ગામે બેઠક કરી હતી અને જો ઉમેદવાર બદલવામાં નહિં આવે તો રાજીનામુ આપવાની ચિમકી ઉચ્ચારી છે.
નવસારી જીલ્લાની ગણદેવી વિધાનસભાના ગતટર્મના માજી કેબીનેટમંત્રી રહી ચુકેલા મંગુભાઈ પટેલની ટિકિટ કપાતા મંગુભાઈના સમર્થકોમાં ભારે અપસેટ સર્જાયું છે. કદાવરનેતા મંગુભાઈના સ્થાને યુવાનનેતા અને માજી ધારાસભ્ય તો બે ટર્મથી વાંસદા ખાતેથી હારેલા ઉમેદવાર સાથે બે ટર્મથી નવસારી જીલ્લા ભાજપાના પ્રમુખનો હોદ્દો ભોગવી રહેલા નરેશભાઈ પટેલને ગણદેવી વિધાનસભાના ઉમેદવારની જાહેરાત થતા નરેશભાઈ પટેલના સમર્થકોએ અભિનંદનનો વરસાદ વરસાવ્યો હતો સાથે ફટાકડાઓના ધડાકાઓ કરી આનંદ મનાવ્યો હતો.
