નજરકેદમાંથી છુટ્યા બાદ મુંબઇ હુમલાના માસ્ટરમાઇન્ડ હાફિઝ સઇદ હવે આતંકવાદીની યાદીમાંથી નામ હટાવાની ફિરાકમાં છે. સંયુકત રાષ્ટ્રમાં અરજી દાખલ કરીને કહ્યું છે કે તેનું નામ આતંકવાદીઓની યાદીમાંથી હટાવામાં આવે.
ઉલ્લેખનીય છે કે જમાત-ઉદ-દાવાનો ગેંગસ્ટર સઇદને સંયુકત રાષ્ટ્ર એ નવેમ્બર 2008મા થયેલા મુંબઇ હુમલા બાદ ડિસેમ્બર 2008મા આતંકી જાહેર કર્યો હતો. અમેરિકાએ મુંબઇ હુમલા પહેલાં જ મે 2008માં હાફિઝ સઇદને વૈશ્વિક આતંકી જાહેર કરી દીધો હતો. એટલું જ નહીં અમેરિકાએ મુંબઇ હુમલામાં હાફિઝની ભૂમિકાને લઇ તેના માથે 1 કરોડ ડોલરનું ઇનામ પણ રાખ્યું હતુ.
આપને જણાવી દઇએ કે, સઇદ એ પાકિસ્તાનમાં નજરકેદમાંથી છુટકારો મેળવતા જ સંયુક્ત રાષ્ટ્રમાં આ અરજી દાખલ કરી છે. ગયા સપ્તાહે જ સઇદની વિરૂદ્ધ પૂરતા પુરાવા ન હોવાથી પાકિસ્તાની કોર્ટે તેને નજરકેદમાંથી છોડ્યો હતો. છુટકારો થતાં જ સઇદે કહ્યું હતું કે તે કાશ્મીરને આઝાદ કરાવા માટે ત્યાંના લોકોની મદદ કરશે. અમેરિકાએ હાફિઝને છોડ્યા બાદ ચિંતા વ્યક્ત કરતાં કહ્યું હતું કે તેના ગુના માટે તેની ધરપકડ થવી જોઇએ.
