અમદાવાદ
ગુજરાત વિધાનસભા 2017ની સામાન્ય ચૂંટણી અનેક પ્રકારે રસપ્રદ બનતી જઇ રહી છે. ભાજપ અને કોંગ્રેસ દ્વારા મતદારોને આકર્ષવા માટે સ્ટાર પ્રચારકોના નામે કદાવર નેતાઓની સાથે સેલિબ્રિટીની ફોજ ગુજરાતમાં ફરી રહી છે. જોકે ગુજરાતના બે મુખ્ય રાજકીય પક્ષ ભાજપ અને કોંગ્રેસ દ્વારા હવે ચૂંટણી પ્રચારની રણનીતિ અસરકારક બનાવવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે રાજ્યમાં 20 લાખ જેટલાં મતદારો પરપ્રાંતિય છે અથવા તો હિન્દી જેવી બીનગુજરાતી ભાષા બોલનારા છે.ખાસ કરીને સુરતમાં લાખો મતદારો એવા છે જે યુપી,બિહાર કે ઓડિશાથી આવેલા છે અને અહીં વસી ગયા છે.ભાજપે આવા પરપ્રાંતીય મતદારો માટે બીજા રાજયોના સ્ટાર પ્રચારકોને મેદાનમાં ઉતાર્યા છે.
બુધવારે ભાજપ માટે ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ ગુજરાતમાં ચાર સભા સંબોધવાના છે. તેમની સાથે મથુરા, વારાણસી, ગોરખપુર, કાનપુર સહિતના વિસ્તારોમાંથી પણ નેતાઓની ટીમ ગુજરાતના વિવિધ ભાગમાં ભાજપના સ્થાનિક ઉમેદવાર માટે પ્રચાર કરવાની છે. સામા પક્ષે કોંગ્રેસ દ્વારા પણ દિલ્હી, ઉત્તરપ્રદેશ, બિહાર સહિતના રાજ્યોમાંથી નેતાઓની ફોજ ગુજરાતમાં ઉતારી દેવાનું આયોજન અમલમાં મુક્યું છે.
એવી જ રીતે બે દિવસ અગાઉ છત્તીસગઢના સીએમ રમણસિંહે રાજકોટમાં રેલી સંબોધી હતી જેમાં બીનગુજરાતી મતદારોને આકર્ષવા પ્રયત્ન કરવામાં આવ્યો હતો.
એવી જ રીતે અમદાવાદની અમરાઇવાડી બેઠક પર પરપ્રાંતીય મતદારો 13 ટકા જેટલાં છે અને નિકોલમાં 8 ટકા જેટલાં છે.
ભાજપ અને કોંગ્રેસ દ્વારા ગુજરાતમાં વસનારા હિન્દીભાષી સહિતના પરપ્રાંતિય મતદારોને આકર્ષવા માટે બિહાર, ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ, દિલ્હી સહિતના રાજ્યોના નેતાઓની ટીમ પ્રચારમાં જોતરી દેવામાં આવી છે. તેમાં ખાસ કરીને દલિત નેતઓની સંખ્યા વિશેષ છે. ગુજરાતમાં પાટીદારોની સાથે દલિત અને ઓબીસી મતદારો પણ નિર્ણાયક બનવાના છે ત્યારે અન્ય રાજ્યના દલિત અને ઓબીસી નેતાઓ ગુજરાતના દલિત અને ઓબીસી મતદારોને સમજાવશે કે ગુજરાતમાં ભાજપનું શાસન કેટલું સુરક્ષિત છે.
