અમદાવાદ
અમદાવાદના ઈન્ટરનેશનલ એરપોર્ટ છેલ્લા કેટલાક સમયથી સોનાની દાણચોરીનુ હબ બની ચુક્યુ છે. સોમવારે અમદાવાદના સરદાર પટેલ એરપોર્ટ પર વિદેશથી આવેલ બે શંકાસ્પદ મુસાફરો પાસેથી વધુ ૨ કિલો ગ્રામ દાણચોરીનુ સોનુ કસ્ટમ અને ઈન્ટેલિજન્સ વિભાગે જપ્ત કરીને બન્ને શખ્સની અટકાયત કરી સરદારનગર પોલીસને સોંપી દીધા છે.
મળતી માહિતી મુજબ, આજે વહેલી સવારે વિદેશથી આવેલ એક ફ્લાઈટમાંથી ઉતરેલ બે મુસાફરોની કસ્ટમ વિભાગે શંકાના આધારે પૂછપરછ કરી હતી. જો કે, મુસાફરોએ સંતોષકારક જવાબ ન આપતા કસ્ટમ વિભાગને તેમના વર્તન પર પણ શંકા ગઈ હતી જેથી તેમનો સામાન ચેક કરતા સામાનમાંથી વિદેશથી લવાયેલ 2 કિલોગ્રામ સોનુ મળી આવ્યુ હતું, જેની અંદાજિત બજાર કિંમત 65 લાખથી પણ વધુ થાય છે.
ત્યારે પોલીસે આ બન્ને મુસાફરોની અટકાયત કરી તેઓ સોનુ ક્યાંથી લાવ્યા હતા અને ઉત્તરપ્રદેશમાં કયા વેપારી સુધી આ સોનુ પહોંચાડવાના હતા તે સહિતની દિશામાં તપાસનો ધમધમાટ હાથ ધર્યો છે.
કસ્ટમ વિભાગની તપાસ દરમિયાન આ બન્ને મુસાફરો મૂળ ઉત્તરપ્રદેશના રહેવાસી હોવાનુ સામે આવ્યુ છે. જેઓ અમદાવાદથી આ સોનુ બાય કાર ઉત્તરપ્રદેશ લઈ જઈ કોઈ વેપારીને આપવાના હોવાનુ સામે આવ્યુ છે. હાલ પોલીસ વધુ તપાસ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
