છોટા ઉદેપુર,
રાજ્યમાં ઉનાળાની શરૂઆત થતા જ પાણીની દિક્કત શરુ થઈ જાય છે. ત્યારે સરદાર સરોવરથી માત્ર 17 કીમી. દૂર આવેલા કવાંટના ટવા ગામે પીવાના પાણી મળવા બંધ થતાં મહિલાઓ બેડા લઈ દૂર દૂર રઝળપાટ કરી રહી છે. છોટાઉદેપુરના કવાંટ તાલુકાનું ટવા ગામ 1500 ની વસ્તી ધરાવતું આદિવાસી ગામ છે.
અહીં પીવાના પાણી માટે ગ્રામજનોને જુદા જુદા ફળિયામાં 27 હેન્ડપમ્પ કરી અપાયા છે. જોકે,ઉનાળાના પ્રારંભે જ આ તમામ હેન્ડ પમ્પમાં પાણી આવતું બંધ થઈ ગયું છે. ગ્રામજનો રોજ સાંજે ભેગા થઈ પાણી માટે કાળો કકળાટ કરે છે. જુદા જુદા વિભાગોમાં રજુઆત કરવા છતાં પાણીનો પ્રશ્ન ઉકેલાતો નથી. ગામનું વારીગૃહ સુકાઈ ગયું છે.
ગામ જનોનું કહેવું છે કે ગામમાં 27 હેન્ડપંપ છે પણ બધા શોભાના ગાંઠિયા સમાન છે. સ્મશાનમાં જઈએ તો ત્યાં એક હેન્ડપંપ છે પણ તે પણ બંધ છે જેના કારણે લોકોને પોતાના ઘરેથી પાણીના બેડા લઈને જવું પડે છે. ગામના સરપંચને આ વિશે રજૂઆત કરવામાં આવી છે. ઘણીવાર પાણીની ટેન્કર મંગાવવામાં આવતી હતી પણ હવે એ પણ નથી આવતી. ગામમાં અમુક જગ્યાએ હેન્ડપંપ છે તે ખુબ જ ખરાબ હાલતમાં છે તેનું રિપેરિંગ પણ નથી કરવામાં આવતું.
બોરમાં પાણી આવતું નથી તો હેન્ડપમ્પ કેટલાક બગડેલા છે જ્યાં ચાલે છે ત્યાં ભૂગર્ભ જળ ઊંડા ગયા છે. ટવા ગામના નાગરિકોએ ટુક સમયમાં પાણી નહિ મળતું થાય તો પાણી આંદોલન છેડવાની ચીમકી ઉચ્ચારી છે.
