દિલ્લી,
રાજધાની દિલ્લીમાં છેલ્લા કેટલાક વર્ષોથી પ્રદૂષણનું સ્તર દેશભરમાં એક રેકોર્ડ સ્તરે જોવામાં આવ્યું છે. નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલ (NGT) દ્વારા પણ આ પ્રદુષિત હવાને લઇ સરકારને ફટકાર લગાવામાં આવી છે ત્યારે હવે આ પ્રદૂષણનો માર જીલી રહેલા લોકોને થોડી ઘણી રાહત આપવા માટે એક એક્સપ્રેસ વે બનાવવામાં આવ્યો છે.
રાજધાનીદિલ્લીમાં એક ઇસ્ટન પેરિફેરલ એક્સપ્રેસ વે બનાવવામાં આવ્યો છે જે રેકોર્ડ ૫૦૦ દિવસના સમયગાળામાં બનીને તૈયાર તૈયાર થયો છે. નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા (NHAI)ના એક અધિકારીના જણાવ્યા મુજબ, “સરકાર દ્વારા આ એક્સપ્રેસ વે નિર્માણ માટે પહેલા ૯૧૦ દિવસનો સમય નક્કી કરવામાં આવ્યો હતો, પરંતુ હવે તે આ સમયગાળાના અડધા સમયમાં તૈયાર કરવામાં આવ્યો છે”.
આ મહિનાના અંતમાં પીએમ નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય માર્ગ અને પરિવહન મંત્રી નીતિન ગડકરી આ એક્સપ્રેસ વેનું ઉદ્ઘાટન કરશે. ૧૩૫ કિલોમીટર લાંબો આ એક્સપ્રેસ વે પલવલ, ગાઝિયાબાદ અને નોઇડાને એકસાથે જોડશે. આ હાઇવેના નિર્માણ બાદ હરિયાણા અને ઉત્તરપ્રદેશ વચ્ચે મુસાફરી કરતા લોકોને દિલ્લી થઈને પસાર થવું પડશે નહિ.
બીજી બાજુ આ હાઇવેને દેશનો સૌથી ઝડપી એક્સપ્રેસ વે માનવામાં આવી રહ્યો છે કારણ કે, આ રોડ પર વાહનચાલકોને ૧૨૦ કિમી પ્રતિ કલાકની સ્પીડ પર ચાલવા પર મંજુરી હશે.
NHAIના ચીફ જનરલ એન્જિનિયર બિ એસ સિંગલાએ જણાવ્યું, “આ એક્સપ્રેસ વેની ખાસિયત એ હશે કે જેમાં તમારે જેટલી મુસાફરી કરવી છે એટલો જ ટોલ ટેક્સ ચૂકવવો પડશે. આ ઉપરાંત ટોલના કલેક્શન માટે ઇલેક્ટ્રોનિક વ્યવસ્થા હશે જેથી વાહનોના ટ્રાફિક પર કોઈ અસર ના પડે”.
ઓવરલોડ વાહનો માટે હશે નો-એન્ટ્રી
તેઓએ વધુમાં જણાવતા કહ્યું, “ આ એક્સપ્રેસ વે પર અમારા દ્વારા તમામ એન્ટ્રી પોઈન્ટ પર એવા સેન્સર લગાવવામાં આવ્યા છે જેથી કોઈ પણ પ્રકારના ઓવરલોડ વાહનો વચ્ચે જાણકારી પ્રાપ્ત થઇ શકે અને તેઓને એન્ટ્રી આપવામાં આવશે નહીં.
ઓવરસ્પીડ પર કાપવામાં આવશે ઇલેક્ટ્રોનિક ચલણ, જે ટોલ સાથે જોડવામાં આવશે
બી એસ સિંગલાએ જણાવ્યું, “રોડ પર જનારા વાહનોની ગતિ નિયંત્રણમાં રાખવા માટે આ એક્સપ્રેસવેના બે કિમીના અંતરે કેમેરા લગાવવામાં આવ્યા છે. જેના દ્વારા નક્કી કરવામાં સ્પીડથી વધુ ઝડપે ચાલનારા વાહનોને ઇલેક્ટ્રોનિક ચલણ આપવામાં આવશે, જેણે ટોલ સાથે જોડીને પહોચાડવામાં આવશે”.
“આ ઉપરાંત આ એક્સપ્રેસવે પાસે પાર્કિંગની વ્યવસ્થા પણ ઉભી કરવામાં આવી છે જ્યાં ઓવરલોડ ટ્રક પોતાનો સમાન ઉતારી શકે અને નિશ્ચિત સમાન સાથે આગળ વધી શકે”.
