Not Set/ IPL 2018 : રોમાંચક મેચમાં SRHની ટીમને ૪ રને હરાવી ચેન્નઈએ મેળવી પોતાની ચોથી જીત

હૈદરાબાદ, હૈદરાબાદના રાજીવ ગાંધી ક્રિકેટ સ્ટેડિયમ ખાતે રમાયેલી ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની લીગ મેચમાં ચેન્નઈ સુપર કિંગ્સ (CSK)ની ટીમે ૪ રને શાનદાર વિજય મેળવ્યો છે. CSK દ્વારા આપવામાં આવેલા ૧૮૩ રનના વિશાળ ટાર્ગેટનો પીછો કરતા સનરાઈઝર્સ હૈદરાબાદની ટીમ ૨૦ ઓવરમાં માત્ર ૧૭૮ રન નોધાવી શકી હતી અને ચેન્નઈની ટીમે ટુર્નામેન્ટમાં પોતાની ચોથી જીત હાંસલ કરી […]

Uncategorized

હૈદરાબાદ,

હૈદરાબાદના રાજીવ ગાંધી ક્રિકેટ સ્ટેડિયમ ખાતે રમાયેલી ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની લીગ મેચમાં ચેન્નઈ સુપર કિંગ્સ (CSK)ની ટીમે ૪ રને શાનદાર વિજય મેળવ્યો છે. CSK દ્વારા આપવામાં આવેલા ૧૮૩ રનના વિશાળ ટાર્ગેટનો પીછો કરતા સનરાઈઝર્સ હૈદરાબાદની ટીમ ૨૦ ઓવરમાં માત્ર ૧૭૮ રન નોધાવી શકી હતી અને ચેન્નઈની ટીમે ટુર્નામેન્ટમાં પોતાની ચોથી જીત હાંસલ કરી હતી.

ચેન્નઈ સુપર કિંગ્સના શાનદાર વિજયનો હીરો મિડલ ઓર્ડર બેટ્સમેન અંબતી રાયડુ, સુરેશ રૈના અને ઝડપી બોલર દિપક ચાહર રહ્યા હતા. પરંતુ અંબાતી રાયડુને ૭૯ રનની મેચ વિનિંગ ઇનિંગ્સના કારણે તેને મેન ઓફ ધ મેચ જાહેર કરાયો હતો.

ટોસ હારીને પ્રથમ બેટિંગ કરવા મેદાને ઉતરેલી ચેન્નઈ સુપર કિંગ્સની ટીમે ૨૦ ઓવરમાં ૩ વિકેટના નુકશાને ૧૮૨ રનનો વિશાળ સ્કોર ખડકયો હતો. પ્રથમ બેટિંગ કરતા ચેન્નઈની શરૂઆત ખરાબ રહી હતી અને ગત મેચમાં શાનદાર સદી ફટકારી ટીમને વિજય અપાવનાર ઓલરાઉન્ડર શેન વોટસન માત્ર ૯ રન બનાવી પેવેલિયનમાં ભેગો થયો હતો જયારે ટુર્નામેન્ટમાં પોતાની પ્રથમ મેચ રમી રહેલા આફ્રિકન પ્લેયર ફાફ ડુ પ્લેસિસ પણ માત્ર ૧૧ રન બનાવી સ્પિનર રાશીદ ખાનનો પહેલો શિકાર બન્યો હતો.

બંને ઓપનરોના સસ્તામાં આઉટ થયા બાદ મિડલ ઓર્ડર બેટ્સમેન અંબતી રાયડુ અને સુરેશ રૈનાની જોડીએ ત્રીજી વિકેટ માટે ૧૧૨ રનની ભાગીદારી નોધાવી હતી. અંબતી રાયડુએ માત્ર ૩૭ બોલમાં ૪ સિક્સર અને ૯ ચોક્કા સાથે ૭૯ રન બનાવ્યા હતા જયારે સુરેશ રૈનાએ પણ ૪૩ બોલમાં ૨ સિક્સર સાથે ૫૪ રન ફટકાર્યા હતા. મેચની અંતિમ ઓવરોમાં કેપ્ટન એમ એસ ધોનીએ માત્ર ૧૨ બોલમાં ૨૫ રન બનાવ્યા હતા. SRHની ટીમ તરફથી સ્પિન બોલર રાશીદ ખાન અને ઝડપી બોલર ભુવનેશ્વર કુમારે અનુક્રમે ૧-૧ વિકેટ ઝડપી હતી.

CSK દ્વારા આપવામાં આવેલા ૧૮૩ રનના ટાર્ગેટનો પીછો કરવા મેદાને ઉતરેલી હૈદરાબાદની ટીમની શરૂઆત પણ ખરાબ રહી હતી અને ઓપનર બેટ્સમેન રિકી ભુઈ ખાતું ખોલાવ્યા વગર જ આઉટ થયો હતો. આ ઉપરાંત મિડલ ઓર્ડર બેટ્સમેન મનીષ પાંડે ૦ અને દિપક હુડ્ડા માત્ર ૧ રન બનાવી પેવેલિયનમાં ભેગા થયા હતા.

બીજી બાજુ કેપ્ટન કેન વિલિયમસને એક છેડો સાચવી રાખી ૫૧ બોલમાં ૫ સિક્સર અને ૫ ચોક્કા સાથે ૮૪ રનની શાનદાર ઇનિંગ્સ રમી હતી જયારે યુસુફ પઠાણે ૨૭ બોલમાં ૪ સિક્સર સાથે ૪૫ રન બનાવ્યા હતા. પરંતુ તેઓ ટીમને વિજય અપાવવાથી માત્ર ૪ રન દૂર રહ્યા હતા.  CSK તરફથી ઝડપી બોલર દિપક ચાહરે ૪ ઓવરમાં માત્ર ૧૫ રન આપી ૩ વિકેટ ઝડપી હતી.