આઈજોલ,
દેશની સૌથી મોટી બે રાષ્ટ્રીય પાર્ટીઓ ભાજપ અને કોંગ્રેસ વચ્ચે દેશભરમાં યોજાતી કોઈ પણ લોકસભા, વિધાનસભા, પંચાયત કે નગરપાલિકાની ચૂંટણીઓમાં પરસ્પર આરોપ પ્રત્યારોપ જોવા મળતા હોય છે. કેંદ્ર સરકાર હોય કે કોઈ પણ રાજ્ય સરકાર, દેશમાં મુખ્યત્વે અમુક રાજ્યોને બાદ કરતા આ બંને રાષ્ટ્રીય પાર્ટીઓ દ્વારા જ રાજકારણ શક્ય બનતું હોય છે.
પરંતુ આ વચ્ચે પૂર્વોત્તર રાજ્ય મિઝોરમમાં ભાજપ અને કોંગ્રેસે હિંદુ ચીની ભાઈ ભાઈની કહેવતને ઉજાગર કરતા એક સ્વાયત્ત સંસ્થા માટે હાથ મળાવ્યા છે અને રાજકારણમાં એક નવું ડેવલોપમેન્ટ આવ્યું છે.
હકીકતમાં, મિઝોરમની એક સ્વાયત્ત સંસ્થા ચાકમા ઓટોનોમસ ડિસ્ટ્રીક્ટ કાઉન્સિલ (CADC)ની યોજાયેલી ચૂંટણીમાં ત્રિશુંક પરિણામ સામે આવ્યું હતું અને કોઈ પાર્ટીને સ્પષ્ટ બહુમત મળ્યો ન હતો. ત્યારે ભાજપ અને કોંગ્રેસે હાથ મળાવી એક સ્વાયત્ત બોડીનું ગઠન કર્યું છે. આ અંગે કોગ્રેસના એક નેતાએ જણાવ્યું હતું.
શુક્રવારે સ્વાયત્ત સંસ્થા CADCની ૨૦ સભ્યો માટે યોજાયેલી ચૂંટણીમાં મિઝો નેશનલ ફ્રન્ટે સૌથી વધુ ૮ સીટ જીતી હતી જયારે કોંગ્રેસે ૬ સીટ અને ભાજપના ફાળે ૫ સીટ આવી હતી. આ ચુંટણીમાં કોઈ પણ પાર્ટીને સ્પષ્ટ બહુમત મળ્યો ન હતો. જયારે એક સીટના ઈલેક્શન પર મિઝોરમ હાઇકોર્ટે સ્ટે મુખ્યો છે.
મિઝોરમમાં રમતગમત રાજ્યમંત્રી અને કોંગ્રેસ પાર્ટીના નેતા ઝોડિંટલુન્ગાએ જણાવ્યું, “બંને પાર્ટીઓના સ્થાનિક નેતાઓએ એક સમજૂતીમાં પહોંચ્યા પછી પરિણામ બાદના આ જોડાણને શક્ય બનાવ્યું હતું”.
તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, “આ રાજકીય જોડાણને લઇ રાજધાની દિલ્લી તેમજ આગામી સમયમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણીને લઇ કોઈ અસર પડશે નહીં.
બીજી બાજુ ભાજપનું પ્રાદેશિક નેતૃત્વ પણ આ નિર્ણય અંગે ખુશ નથી. ભાજપના સૂત્રોએ જણાવ્યું હતું કે, “કોંગ્રેસ સાથે ગઠબંધન કરવા માટે ચુંટાયેલા સીએડીસીના સભ્યો સામે પાર્ટી પગલાં લઈ શકે છે”.
તમને જણાવી દઈએ કે, CADC એ ૨૯ સપ્ટેમ્બર, ૧૯૭૨ના રોજ બંધારણના છઠ્ઠા શિડયુલ હેઠળ વંશીય ચાકમાં લોકો માટેની એક સ્વાયત્ત સંસ્થા છે. આ કાઉન્સિલ દ્વારા CADCના પ્રદેશમાં ફાળવવામાં આવેલા વિભાગો પર કાયદાકીય, વહીવટી અને ન્યાયિક સત્તાનો ઉપયોગ થાય છે.
