અમદાવાદ,
અમદાવાદમાં એક એક યુવતી પર તેના જ સાવકા પિતાએ બળાત્કાર ગુજાર્યો અને તેને કારણે પીડિતા ગર્ભવતી પણ બની. પીડિતાએ અધુરા માસે મૃત બાળકને જન્મ આપતા સાવકા પિતાની કરતૂતો સામે આવી અને આખરે આ ઘટનામાં પીડિતાએ ફરિયાદ નોંધાવતા સેટેલાઈટ પોલીસે આરોપી પિતાની ધરપકડ કરી છે.
19 વર્ષની યુવતી અમદાવાદમાં હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરે છે. તેની માતાને તેના સગા પિતા સાથે મનમેળ ન હોવાથી તેની માતાએ સેટેલાઈટ વિસ્તારના રાજીવનગરમાં રહેતા રમેશ મકવાણા નામના અન્ય પુરુષ સાથે સંબંધ બાંધ્યા અને તેની સાથે રહેવા જતી રહી હતી.
નવેમ્બર 2017માં યુવતી તેની માતા પાસે આવી એ દરમિયાન રમેશ મકવાણાએ તેના પર બળાત્કાર ગુજાર્યો હતો અને આ ઘટનાક્રમ તે પછી પણ ચાલુ રહ્યો હતો. જેને કારણે યુવતી ગર્ભવતી બની અને તેણે મૃત બાળકને જન્મ આપ્યો.
જે જાણીને યુવતીના મામા ચોંકી ઉઠ્યા હતા અને પૂછપરછ કરતા યુવતીએ સાવકા પિતાની સમગ્ર કરતૂતો વર્ણવી હતી. આ ઘટનામાં તેની સગી માતા પણ મદદગારી કરતી હોવાનો યુવતીનો આક્ષેપ છે. જે બાદ પોલીસે આરોપી રમેશ મકવાણાની ધરપકડ કરીને તપાસ હાથ ધરી છે.
