Not Set/ કોંગ્રેસનો વડાપ્રધાન પર આરોપ : પોતાના સંબોધનમાં ખોટી માહિતી આપવા બદલ દેશની માફી માંગે

દેશમાં 50 ટકા જનતાને કોવિડની એકપણ રસી મળી નથી અને સરકારની અક્ષમતાને કારણે લાખો લોકોએ પોતાનો જીવ ગુમાવવો પડ્યો છે તો પછી કઈ વાતે આ જશ્ન મનાવવામાં આવી રહ્યો છે?

Top Stories India

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુકવારે સવારે દેશને સંબોધન કર્યું હતું. રાષ્ટ્ર સંબોધન દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોરોના રસીકરણ મુદ્દે ભારત સરકારની ઉપલબ્ધિઓને જોઈને ચર્ચા કરી હતી. આ સંબોધન બાદ કોંગ્રેસ દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર ખોટી જાણકારી આપી ભ્રમ ફેલાવાનો આરોપ કર્યો હતો અને દેશની માફી માંગે તેવું કોંગ્રેસ તરફથી કહેવામાં આવ્યું છે.

પાર્ટી પ્રવક્તા ગૌરવ વલ્લભે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સવાલ કર્યો છે કે, દેશમાં 50 ટકા જનતાને કોવિડની એકપણ રસી મળી નથી અને સરકારની અક્ષમતાને કારણે લાખો લોકોએ પોતાનો જીવ ગુમાવવો પડ્યો છે તો પછી કઈ વાતે આ જશ્ન મનાવવામાં આવી રહ્યો છે?

કોંગ્રેસ પ્રવક્તા ગૌરવ વલ્લભે વધુમાં જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઘણા એવા તથ્ય મુક્યા હતા જે અધૂરા હતા અને ખોટા પણ હતા જેનાથી વૈજ્ઞાનિકોમાં ભ્રમ ફેલાઈ શકે છે. આપણે ત્યાં કહેવત છે કે, અધુરો ઘડો છલકાય વધુ. વડાપ્રધાન નરેન્દ્ર મોદી “એન્ટાયર પોલિટીકલ સાયન્સ”, “ઇવેન્ટોલોજી” અને “વસ્ત્રોલોજી”માં વાત કરી શકે છે પરંતુ સ્વાસ્થ્ય અને મહામારી જેવા સંવેદનશીલ વિષય પર તેમણે ખોટી માહિતી આપવી જોઈતી ન હતી.

તેમણે દાવો કર્યો છે કે, વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે, દેશમાં પહેલીવાર રસી બની છે. મને લાગે છે કે આ ભારતના વૈજ્ઞાનિકો,ફાર્માસ્યુટિકલ ઉદ્યોગ, ડોક્ટર, નર્સ,કોરોના યોદ્ધાઓનું અપમાન છે. સાચી હકીકત છે કે, ભારત પહેલે જ રસી ઉત્પાદનમાં મહત્વનું સૌથી મોટું અને આગવું સ્થાન ધરાવે છે.

કોંગ્રેસ પ્રવક્તાએ કહ્યું હતું કે, ભારતમાં વર્ષ 1960માં ક્ષય અને ટીબીના રોગના નિયંત્રણનો કાર્યક્રમ શરુ કરવામાં આવ્યો હતો. 1985માં તત્કાલિન વડાપ્રધાન રાજીવ ગાંધીએ એક સાથે છ બીમારીઓ માટે રસીકરણનો આરંભ કરાવ્યો હતો પરંતુ ક્યારેય પોતાનો ફોટો લગાવીને જાહેરાત કરી નથી. વર્ષ 2011માં રસીકરણ નીતિ બનાવવામાં આવી હતી.

વલ્લભે વધુમાં કહ્યું હતું કે, વડાપ્રધાને પોતાના વ્યકતત્વમાં કહ્યું હતું કે, ભારત 100 કરોડ ડોઝ આપનારો પહેલો દેશ બની ગયો છે, જયારે 16 સપ્ટેમ્બર,2021 ના રોજ ચીનમાં 200 કરોડથી વધુ લોકોને કોરોના રસી આપી દેવામાં આવી છે.