Gandhinagar News:ગાંધીનગરમાં પીવાના પાણીમાં ગટરનું પાણી ભળવાને કારણે ટાઈફોઈડ (Typhoid)ના કેસોમાં નોંધપાત્ર વધારો થયો છે. આ મામલે રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગ (NHRC)એ સ્વતઃ સંજ્ઞાન લઈને ગુજરાતના મુખ્ય સચિવને નોટિસ ફટકારી છે. આયોગે બે અઠવાડિયામાં વિગતવાર અહેવાલ માંગ્યો છે, જેમાં દર્દીઓની વર્તમાન સ્થિતિ, રોગચાળા સામે લેવાયેલી કાર્યવાહી અને જવાબદારો સામેના પગલાંનો સમાવેશ થાય તેવો આદેશ આપ્યો છે.

ગાંધીનગરમાં ટાઈફોઈડે (Typhoid) માથું ઉચક્યું
આરોગ્ય વિભાગના અહેવાલ મુજબ, ગાંધીનગર (Gandhinagar)માં ટાઈફોઈડ (Typhoid)ના 130થી વધુ કેસ નોંધાયા છે, જેમાંથી મોટા ભાગના બાળકો અને કિશોરો છે. આ કેસો મુખ્યત્વે સેક્ટર 24, 26, 28 અને આદિવાડા વિસ્તારમાં કેન્દ્રિત છે. તાજેતરમાં નવી પાઈપલાઈન નાખવામાં આવી હોવા છતાં, તેમાં અનેક લીકેજને કારણે ગટરનું પાણી પીવાના પાણી સાથે ભળી ગયું છે, જેના કારણે આ રોગચાળો ફાટી નીકળ્યો છે.NHRCએ જણાવ્યું કે, આ ઘટના પીડિતોના માનવ અધિકારોના ઉલ્લંઘનનો ગંભીર મુદ્દો ઊભો કરે છે. આયોગે મીડિયા રિપોર્ટ્સના આધારે આ કાર્યવાહી કરી છે, જેમાં નવી પાણી પુરવઠા વ્યવસ્થામાં ગંભીર ખામીઓનો ઉલ્લેખ છે.
રોગચાળા વચ્ચે ગાંધીનગરમાં બાળકોના મોતના અહેવાલો સામે આવ્યા છે. પરંતુ ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન અને આરોગ્ય અધિકારીઓએ આને નકારી કાઢ્યો છે. તેમના જણાવ્યા મુજબ, હોસ્પિટલમાં દાખલ દર્દીઓમાંથી કોઈ મોત ટાઈફોઈડ (Typhoid)ને કારણે થયું નથી, પરંતુ અન્ય બીમારીઓ જેમ કે સેપ્ટિસેમિક શોક કે વાયરલ એન્સેફાલોપેથીને કારણે થયું છે. તમામ દર્દીઓની હાલત સ્થિર છે અને કોઈ ક્રિટિકલ કેસ નથી.આ અંગેના અફવાઓને કારણે NHRCએ વધુ ગંભીરતાથી મામલો લીધો છે અને વિગતવાર તપાસનો આદેશ આપ્યો છે.
