ભાવનગર,
ભાવનગરના તળાજા તાલુકાના પાવઠી ગામે ગઈકાલે રાત્રીના સમયે ઘરમાં અચાનક આગ લાગવાના કારણે ઘરમાં સુતેલ માતા અને પુત્રના દાઝી જવાથી મોત નિપજ્યા છે. જ્યારે પિતા અને અન્ય બે બાળક સારવારમાં હોવાનું જાણવા મળી રહ્યું છે. આ બનાવના પગલે લોકોમાં ચકચાર ફેલાઈ ગઈ હતી.
તળાજા તાલુકાના પાવઠી ગામે ગત સોમવાર રાત્રીના સમયે ભુપતભાઇ ચીંથરભાઈ સોલંકી તેમની પત્ની અને ત્રણ બાળકો રાત્રીના સમયે ઘરમાં સુતા હતા ત્યારે કોઈ કારણોસર ઘરમાં અચાનક આગ લાગી હતી. જેમાં ઘરના સુતેલ પાંચ વ્યક્તિઓ પૈકી ચાર વ્યક્તિઓ ગંભીર રીતે દાજી ગયા હતા. જેમાં સારવાર દરમીયાન માતા હર્ષાબેનનું મોત નિપજયું હતું જ્યારે પિતા ભૂપતભાઈ અને પુત્ર હિતેશ ગંભીર રીતે દાજયા હતા. તેમને સારવાર માટે ભાવનગર સારવારમાં ખસેડવામાં આવ્યા હતા.

નવ વર્ષના પુત્રનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું, જયારે અન્ય બે બાળકોને સામાન્ય દાજયા હતા. તેમને પ્રાથમિક સારવાર આપવામાં આવી રહી છે. આ આગની ઘટનામાં કુલ બે લોકોના મોત નિપજ્યા છે, જ્યારે ભુપતભાઇની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. જો કે આગ કેવી રીતે લાગી તે અંગે હજુ સુધી કોઈ ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી.

સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે આગ માત્ર જે પલંગ પર સૂતા હતા તે પલંગોને જ આગ લાગી છે જ્યારે ઘરની અન્ય ચીજવસ્તુઓ અકબંધ જોવા મળી રહી છે. જેથી આ ઘટના અંગે અનેક શંકાકુશંકા ઉપજી રહી છે. જો કે પોલીસે આ અંગે કાર્યવાહી હાથ ધરી મૃતકના મૃતદેહને પીએમ માટે મોકલી અને વધુ તપાસ હાથ ધરી છે.
