વડોદરા,
મહિલા પી.એસ.આઇ. પર થયેલા હુમલાને ગૃહ વિભાગે ગંભીરતાથી લીધો છે. વડોદરાની મુલાકાતે આવેલા ગુજરાતનાં ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ દુધવાલા વિસ્તારની મુલાકાત લીધી હતી. શુક્રવારે વડોદરા આવેલાં રાજ્યનાં ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ વડોદરામાં જે સ્થળે મહિલા પીએસઆઇ પર હુમલો થયો હતો તે ન્યાયમંદિર વિસ્તારનાં દુધવાળા મહોલ્લાની મુલાકાત લીધી હતી. આ દરમ્યાન શહેર પોલીસ કમિશ્નર અને શહેરનાં રાજકારણીઓને સાથે રાખી ગૃહમંત્રીએ વડોદરામાં કોઇપણ ભોગે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવી રાખવા જરૂરી સૂચનાઓ આપી હતી.
રાજ્યના ગૃહમંત્રી,પ્રદીપસિંહ જાડેજાએ મુલાકાત બાદ તેઓએ જણાવ્યુ હતુ કે વડોદરા શહેર શાંતિપ્રિય શહેર છે. શાંતી ડહોળનારા અને કાયદો હાથમાં લેનારા માથાભારે શખ્સોને કોઇ પણ ભોગે માફ કરવામાં નહી આવે. મહિલા પી.એસ.આઇ. તોમર પર હુમલો કરનાર શખ્સોને કડક સજા કરવામાં આવશે.

ઉલ્લેખનિય છે કે પોલીસની કામગીરી હેઠળ દુધવાલા વિસ્તારમાં મહિલા પી.એસ.આઇ પર 20 જેટલા માથાભારે શખ્સોએ જીવલેણ હુમલો કર્યો હતો. આ હુમલામાં પી.એસ.આઇ તોમરને માથાનાં ભાગે ગંભીર ઇજા પહોંચી હતી. જેને કારણે તેમને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
આ ઘટના બાદ પોલીસે હુમલાનાં આ કરનાર ટોળાં સામે ગુનો નોંધી ત્રણ હુમલાખોરોની ધરપકડ કરી હતી. પકડાયેલા આ ત્રણેય હુમલાખોરો મહંમદ રફીક યાસીન દુધવાલા, શાબિર ગોલાવાલા અને મહંમદ હનીફ ગુલાબનબી દુધવાલાનું પોલીસે ગુરુવારના દિવસે સરઘસ કાઢ્યું હતું. હથકડી અને દોરડા બાંધી ત્રણેય આરોપીઓને પોલીસે ન્યાયમંદિર વિસ્તારમાં ફેરવ્યા હતાં. ત્રણેયનું તેમનાં જ વિસ્તારમાં જુલુસ કાઢી પોલીસે વિસ્તારનાં અન્ય અસામાજિક તત્ત્વોમાં ફફડાટની સાથે દાખલો બેસાડવાનો પ્રયાસ કર્યો હતો.
