ગુજરાત વિધાનસભા ચુંટણીને લઇ હાલ ધમાસાણ જોવા મળી રહ્યું છે ત્યારે રાજકીય પાર્ટીઓ વચ્ચે જોવા મળતા આરોપ-પ્રત્યારોપ વચ્ચે ઝગડીયાના આદિવાસી ધારાસભ્ય છોટુભાઈ વસાવાએ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ પર એક સ્ફોટક આક્ષેપ કર્યો છે.
અમિત શાહ પર આરોપ લગાવતા છોટુભાઈ વસાવાએ જણાવ્યું, “અમિત શાહ પોતાના અંગત પોલીસ આધિકારીઓ દ્વારા મારું એન્કાઉન્ટર કરાવવા માંગે છે”.
છોટુ વસાવાએ આ અંગે સોશિયલ મીડિયામાં ફેસબુક પર એક વિડીઓ પણ શેર કર્યો છે. જેમાં સાફ રીતે અમિત શાહનું નામ લેતા તેઓ જણાઈ રહ્યા છે. તેઓ આરોપ લગાવી રહ્યા છે કે, ગુજરાતની વિજય રૂપાણી સરકાર અને બીજેપી પ્રમુખ અમિત શાહ તેમની હત્યા કરાવવા ઈચ્છે છે.
તેઓએ વધુમાં જણાવતા કહ્યું, રાજ્યસભાની ચુંટણીમાં મેં પોતાનો વોટ કોંગ્રેસને આપી અહેમદ પટેલને જીત અપાવી હતી. તેથી તે બદલો લેવા માટે મારી હત્યા કરાવવા માંગે છે.
