ગુજરાત
ગરમી અને બાફની વચ્ચે લોકો ત્રાહિમામ પોકારી રહ્યાં છે ત્યારે બપોર બાદ અમરેલીનાં ગામોમાં વાતાવરણમાં પલટો જણાયો અને કડાકા-ભડાકા સાથે મેઘરાજની મુલાકાત થઇ. અમરેલી જિલ્લાના લીલીયા તાલુકાનાં ગામોમાં વરસાદી માહોલ જોત જોતામાં સર્જાઇ ગયો. શેધવદર,નાના લીલીયા,લોકા-લોકી, વાઘણીયા સહિતના ગામોમા વરસાદ પડ્યાનાં સમાચાર છે. જેથી અમરેલીનાં લોકોને ગરમીથી આંશિક રાહત પહોંચી છે.

આકરા ઉનાળની વચમાં આછાં આછાં ઝાપટાં પણ મનભાવન માહોલ સર્જી દેતાં હોય છે. પરંતુ ભાવનગરના ગારીયાધારમાં તો બપોર પછી વાદળોનું જ સામ્રાજ્ય છવાઇ ગયું હતું. બપોર બાદ વાતાવરણમા પલ્ટો આવ્યો.

પંથકમાં વરસાદી માહોલ છવાઇ ગયો. અને જોતજોતામાં તો ગારીયાધાર પંથકમાં વરસાદ શરૂ થઇ ગયો. અને પંથકનાં માણસોને વરસાદને પગલે ગરમીથી આંશિક રાહત તો ચોક્કસ મળી અને આકરે ઉનાળે ચોમાસું છવાઇ ગયું.

ડાંગ જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે. ગીરીમથક સાપુતારા ખાતે વાવાઝોડા સાથે વરસાદનું આગમન થયું. ડાંગમાં ભારે પવન સાથે ધૂળની ડમરીઓ પણ ઉડી હતી.

સાપુતારા ખાતે હળવો વરસાદ પડતાં પ્રવાસીઓમાં ખુશી જોવા મળી રહી છે. સમર ફેસ્ટિવલના પૂર્ણાહુતીના દિવસે વરસાદનું આગમન થતા લોકોમાં ખુશી જોવા મળી રહી છે.
