નવી દિલ્હી,
ગત એપ્રિલ મહિનામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અચાનક જ બે દિવસની ચીનની યાત્રાએ પહોચ્યા હતા, ત્યારે હવે દોઢ મહિના બાદ પીએમ મોદી વધુ એકવાર ચીનના રાષ્ટ્રપતિ શી ઝિનપિંગ સાથે મુલાકાત કરવાના છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ચીનના ક્વિંગદાઓ શહેરના આયોજિત કરાઈ રહેલા ૧૮માં શંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO) સમિટમાં હાજર રહેવાના છે, ત્યારે તેઓ ચીની રાષ્ટ્રપતિ સાથે મુલાકાત કરશે. બંને દેશોના રાષ્ટ્રપ્રમુખની મુલાકાત ૯ જૂનના રોજ થશે.
વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવીશ કુમારે જણાવ્યું, “પીએમ મોદી અને શી વચ્ચે ૯ જૂનના રોજ બેઠક થશે. પ્રધાનમંત્રીની અન્ય નેતાઓ સાથેની બેઠક માટે પણ અંતિમ રૂપ આપવામાં આવી રહ્યું છે”.
અધિકારીઓએ કહ્યું, “મોદી અને શી એ નિર્ણયોને લાગુ કરવા માટે પ્રયાસ કરશે, જે વુહાનમાં તેઓની ઓપચારિક બેઠક દરમિયાન કરવામાં આવ્યા હતા. અન્ય મુદ્દાઓની ઉપરાંત શિખર સંમેલનમાં SCO સભ્યો વચ્ચે પરસ્પર સહયોગ તેમજ ક્ષેત્રની સ્થિતિ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે.
છેલ્લા ૪૫ દિવસમાં થવા જઈ રહેલી બીજી મુલાકાતમાં પીએમ મોદી અને ચીની રાષ્ટ્રપતિ વચ્ચે વિવાદિત ક્ષેત્ર ડોક્લામ, નાથુલાના રસ્તે માનસરોવર યાત્રા માટેની સંમતિ, NSG સભ્યપદ સહિતના મુદ્દાઓ, આતંકવાદ, SCO સંગઠનમાં સહયોગ સહિતના મુદ્દાઓ ટોચ પર રહેશે.
ઉલ્લેખનીય છે કે, શંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO)ની સ્થાપના ૨૦૦૧માં રશિયા, ચીન, કિર્ગીજ ગણતંત્ર, કજાકસ્તાન, તજાકિસ્તાન અને ઉજબેકિસ્તાનના રાષ્ટ્રપ્રમુખોએ કર્યું હતું. જો કે ભારત અને પાડોશી દેશ પાકિસ્તાન ગત વર્ષે જ આ સંગઠનના સભ્યો બન્યા છે અને પહેલીવાર એક સ્થાયી મેમ્બર તરીકે ભાગ લઇ રહ્યા છે.
આ ઉપરાંત વડાપ્રધાન નરેન્દ્ર મોદી SCO ઓર્ગેનાઈઝેશનના દેશોના નેતાઓ સાથે પણ લગભગ અડધો ડર્જન બેઠકો થવાની સંભાવના છે. જો કે હજી સુધી સ્પષ્ટ નથી કે, શું પીએમ મોદી અને પાકિસ્તાનના રાષ્ટ્રપતિ મમનૂન હુસૈન સાથે તેઓની વાતચીત થશે કે નહિ.
મહત્વનું છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી ૧૮માં શંઘાઈ સહયોગ સંગઠન (SCO)માં ભાગ લેવા માટે જઈ રહ્યા છે. આ સમિટ ૯-૧૦ જૂનના રોજ શાનદાંગ પ્રાંતમાં ક્વિંગદાઓ શહેરમાં રાષ્ટ્રપતિ શી ઝિનપિંગની અધ્યક્ષતામાં મળશે.
