અમદાવાદ: BJP ના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ આગામી તા. ૨૪ જૂનથી ત્રણ દિવસ સુધી ગુજરાતની મુલાકાતે આવનાર છે. જેમાં તેઓ ગુજરાત પ્રદેશ ભાજપ દ્વારા આયોજિત પ્રદેશ કક્ષાની ચિંતન શિબિરમાં ઉપસ્થિત રહેશે. આ ઉપરાંત તા. ૨૬મી જૂનના રોજ મીસાવાસીઓ સન્માન કાર્યક્રમમાં પણ ઉપસ્થિત રહેશે તેમ જાણવા મળ્યું છે.
તા. ૨૪-૨૫ જૂન પ્રદેશ ભાજપની ચિંતન બેઠકમાં ઉપસ્થિત રહેશે
ગુજરાત ભાજપ દ્વારા આગામી ૨૪-૨૫ જૂનના રોજ રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહની વિશેષ ઉપસ્થિતિમાં એસજીવીપી, અમદાવાદ ખાતે એક પ્રદેશ કક્ષાની ચિંતન બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. આ ચિંતન શિબિરમાં પ્રદેશ પ્રભારી ભુપેન્દ્ર યાદવ, પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણી, મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ તેમજ પ્રદેશ અગ્રણી નેતાઓ ઉપસ્થિત રહેશે.
૨૬ જૂને મીસાવાસી સન્માન કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે
આ ઉપરાંત પ્રદેશ ભાજપ દ્વારા રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહની ઉપસ્થિતિમાં તા. ૨૬ જૂનના રોજ અમદાવાદ ખાતે મીસાવાસીઓના સન્માનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, તા. ૨૫ જૂન, ૧૯૭૫ના રોજ ઈન્દીરા ગાંધીએ દેશભરમાં ગેરબંધારણીય રીતે કટોકટી લગાવી દેશને બાનમાં લીધેલ હતો અને હજારો નિર્દોષ નાગરિકોને મીસાના કાયદા હેઠળ જેલમાં પૂરી દેવામાં આવ્યા હતા. આથી ભાજપ સહિતના પક્ષો તા. ૨૫ જૂનના દિવસને ‘લોકશાહીના કાળા દિવસ’ તરીકે મનાવવામાં આવે છે.
આ ઉપરાંત આગામી તા. ૨૦ જૂન સવારે ૯ કલાકે PM નરેન્દ્ર મોદી દેશભરના કિસાનો સાથે નમો એપ તેમજ અન્ય માધ્યમો દ્વારા સીધી વાત કરવાના છે. જેના અંતર્ગત ભાજપા કિસાન મોરચા દ્વારા ગુજરાતભરમાં દરેક શક્તિકેન્દ્રો પર ખેડૂતો સાથે સામૂહિકતામાં સાંભળવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે.
