શ્રીનગર: જમ્મુ-કાશ્મીર પોલીસને એક મોટી સફળતા હાથ લાગી હોવાના સમાચાર છે. કહેવાય છે કે, પત્રકાર શુજાત બુખારીના હત્યારાઓની ઓળખ કરી લેવામાં આવી છે. તેમના હત્યારાઓ પૈકીના બે દક્ષિણ કાશ્મીરના છે અને એક પાકિસ્તાની નાગરિક છે.
જમ્મુ-કાશ્મીરમાં રાઈઝિંગ કાશ્મીર નામના અખબારના એડિટર અને વરિષ્ઠ પત્રકાર શુજાત બુખારીની ગત તા. ૧૪ જૂનના રોજ બાઈક પર આવેલા શખ્સોએ હુમલો કરીને તેમની હત્યા કરી હતી. આ હુમલામાં શુજાત બુખારી ઉપરાંત તેમના સુરક્ષાકર્મીઓની પણ ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી.
પત્રકાર શુજાત બુખારીની હત્યા કરનારા હુમલાખોરોની પોલીસ દ્વારા ઓળખ કરી લેવામાં આવી છે. પોલીસ દ્વારા કરાયેલી ઓળખમાં ત્રણ હુમલાખોરો પૈકીના બે હુમલાખોર દક્ષિણ કાશ્મીરના છે જયારે અન્ય એક હત્યારો પાકિસ્તાનનો નાગરિક છે.
સૂત્રોના જણાવ્યા મુજબ આ હુમલામાં નાવિદ જટ્ટનો પણ સમાવેશ થયેલો છે, જે ગત દિવસોમાં શ્રીનગરની હોસ્પિટલમાંથી નાસી છૂટ્યો હતો. નાવિદ જટ્ટ પાકિસ્તાનનો રહેવાસી છે અને તે લશ્કરની સાથે જોડાયેલો છે.
ઈદના પાક પર્વનાં એક દિવસ અગાઉ વરિષ્ઠ પત્રકાર શુજાત બુખારી શ્રીનગરના લાલ ચોક વિસ્તારમાં આવેલ પ્રેસ એન્કલેવની પોતાના અખબારની ઓફિસથી એક ઇફતારી પાર્ટીમાં જવા નીકળ્યા હતા ત્યારે તેમની ઓફિસથી થોડે દૂર જ બાઈક પર આવેલા હુમલાખોરોએ અંધાધૂંધ ફાયરિંગ કરીને શુજાત બુખારીની હત્યા કરીને નાસી છૂટ્યા હતા. આ હુમલામાં શુજાત બુખારીના બે સુરક્ષાકર્મીઓ પણ માર્યા ગયા હતા.
