શંકરસિંહ બાપુને મારી ચિંતા છે, બાપુ મારાથી નારાજ નથી, પરંતુ એક પુત્ર પ્રત્યેની તેમની ચિંતા છે તેવું મહેન્દ્રસિંહ વાઘેલાએ આજે ગાંધીનગર ખાતે જણાવ્યું હતું.
શંકરસિંહની નારાજગી મુદ્દે મહેન્દ્રસિંહનું નિવેદન
અમદાવાદ: પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ પોતાના પુત્ર અને બાયડના પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ વાઘેલાના ભાજપમાં જોડાયા પછી તેમણે કહ્યું હતું કે, મહેન્દ્રસિંહ દબાણમાં આવીને ભાજપમાં જોડાયા છે તેવું જણાવ્યું હતું. જે અંગે આજે મહેન્દ્રસિંહ વાઘેલાએ ગાંધીનગર સર્કિટ હાઉસ ખાતે પત્રકાર પરિષદ યોજી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે, શંકરસિંહ બાપુને મારી ચિંતા છે, બાપુ મારાથી નારાજ નથી, પરંતુ અએક પુત્ર પ્રત્યેની તેમની ચિંતા છે.
ટેકેદારો અને મતવિસ્તારના લોકો સાથે ચર્ચા કરી છે
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, મારા પિતાએ કરેલી વાત સાચી છે, મેં ડિસેમ્બરમાં જ નિર્ણય લઈ લીધો હતો. એટલું જ નહીં, મેં મારા ટેકેદારો અને મતવિસ્તારના લોકો સાથે પણ ચર્ચા કરી છે.
ભાજપમાં જોડાવવા અંગે દબાણ હોવાના બાપુના નિવેદન અંગે તેમણે ફોડ પાડતા કહ્યું હતું કે, ભાજપમાં જોડાવવા માટે મારી ઉપર અમિત શાહ કે અન્ય કોઈ પણનું પ્રેસર ન હતું. એટલું જ નહી, મારે મારા પિતા સાથે કોઈ જ કજિયો નથી.
તેમણે જણાવ્યું હતું કે, મારા પિતા મારાથી નારાજ નથી, પરંતુ તેમની મારી પ્રત્યે પિતાની ચિંતા છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, દરેક વ્યક્તિ પોતાના વિચારો રજૂ કરી શકે છે.
મહેન્દ્રસિંહે વધુમાં કહ્યું હતું કે, બાપુ સાથે મેં અગાઉ વાત કરી હતી, છ મહિનાથી ભાજપમાં જોડાવાની વાત ચાલતી હતી. હું બાપુના અનુભવ અને આશીર્વાદથી જાહેર જીવનમાં આગળ વધીશ તેમ તેમણે કહ્યું હતું.
