લીડ્સ
ઈંગ્લેન્ડ સામે રમાયેલી 3 વન-ડે મેચોની શ્રેણીમાં 2-1થી હાર બાદ ભારતીય ટીમનો વિજયરથ થંભી ગયો છે. આ સાથે જ ટીમ ઇન્ડિયાનો સતત 10મી વન-ડે શ્રેણી જીતની આશા પર પણ પાણી ફરી વળ્યુ છે.
ભારતીય ટીમે વિરાટ કોહલીના નેતૃત્વમાં પ્રથમ વખત વન-ડે શ્રેણીમાં પરાજયનો સામનો કરવો પડ્યો છે. આ ઉપરાંત ઈંગ્લેન્ડ સામે છેલ્લા સાત વર્ષથી કોઈ પણ વન-ડે શ્રેણી નહીં હારવાની લય તુટી ગઈ.
આ પહેલા ઈંગ્લેન્ડમાં રમાયેલ ટી-20 ઈન્ટરનેશનલ શ્રેણી 2-1થી જીતી લીધી હતી. આમ હવે ભારત-ઈંગ્લેન્ડ વચ્ચે પાંચ મેચોની ટેસ્ટ શ્રેણી રમાશે. આગામી 1 ઓગસ્ટથી ટેસ્ટ મેચનો પ્રારંભ થશે.
અંતિમ વન-ડેમાં પ્રથમ બેટિંગ કરતા ભારતે 50 ઓવવરમાં 8 વિકેટના નુકશાન પર 256 રન બનાવ્યા હતા. 257 રનના જવાબમાં યજમાન ઈંગ્લેન્ડની ટીમે 44.3 ઓવરમાં બે વિકટના નુકશાન પર લક્ષ્ય પ્રાપ્ત કરી લીધો હતો.
આદિલ રાશિદે 10 ઓવરમાં 49 રન આપી 2 વિકે ઝડપવા બદલ મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો. ત્રણ વન-ડે મેચોની શ્રેણીમાં બે વન-ડે સદી ફટકારનાર જો રુટને મેન ઓફ ધ સીરીઝ જાહેર કરવામાં આવ્યો હતો.
જો રુટે પોતાની કારકિર્દીની 13 મી તેમજ શ્રેણીની બીજી સદી ફટકારી પોતાની ટીમને જીતાડવામાં મહત્વનું યોગદાન આપ્યુ હતું. સાથે સાથે કેપ્ટન ઇયોન મોર્ગને પણ અણનમ 88 રન બનાવ્યા હતા.
