દિલ્હી
કાળા ધનને લઈને આરોપ અને પ્રત્યારોપની રાજનીતિ ચાલતી રહે છે એવામાં હવે નવા આંકડા સામે આવ્યા છે જે આપણા નાણા મંત્રી પીયુષ ગોયેલએ રાજ્યસભાના એક સવાલના જવાબમાં આપ્યા છે. નાણામંત્રી પિયુષ ગોયેલે કહ્યું કે સ્વીસ બેંક મુજબ ભારતીયોની લોન અને ડીપોઝીટમાં ગયા વર્ષની સરખામણીએ ૩૪.૫ ટકાનો ઘટાડો થયો છે. મંત્રીએ કહ્યું કે એનડીએના શાસનકાળના વર્ષો ૨૦૧૪ થી ૨૦૧૭ સુધી સ્વીસ બેન્કોમાં ભારતીયોનાં નાણા ૮૦ ટકા ઘટ્યા છે.
થોડા દિવસ પહેલા સ્વીસ નેશનલ બેન્કે જાહેર કરેલા એક રીપોર્ટને લઈને વિપક્ષ મોદી સરકાર પર હુમલો કરી રહી હતી. આ રીપોર્ટ મુજબ સ્વીસ બેન્કોમાં ભારતીયોના નાણાં ૫૦ ટકા વધી ગયા હતા. આ રીપોર્ટને લઈને ઇન્ડીયન નેશનલ લોક દળના સાંસદ રામ કુમાર કશ્યપે રાજ્યસભામાં સવાલ પૂછ્યો હતો.એમણે મોદી સરકારને સવાલ કર્યો કે કાર્યવાહીના દાવા કરવા છતાં સ્વીસ બેંકમાં ભારતીયોના નાણા કેમ વધ્યા.
આ સવાલનો જવાબ નાણા મંત્રી પીયુષ ગોયેલ એ આપ્યો હતો. એમણે આ ખબરને પાયાવિહોણી બતાવી એને ફગાવી દીધી અને કહ્યું કે સ્વીસ બેન્કે આ સંબંધે જવાબ મોકલ્યો છે જેમાં કહેવામાં આવ્યું છે કે બેંક દ્વારા જાહેર કરાયેલા આંકડાની વ્યાખ્યા સરખી રીતે કરવામાં આવી નથી જેના કારણે ભ્રમની સ્થિતિ સર્જાઈ છે.
સ્વીસ બેંક મુજબ ભારતીયોના પૈસા વધવા વાળી વાતમાં નોન ડીપોઝીટ દેવું, ભારતમાં સ્થાપિત સ્વીસ બેન્કનો બીઝનેસ, આંતર બેન્કીં લેવડ – દેવડ પણ શામેલ હતી. સ્વીસ દૂતએ પીયુષ ગોયેલને લખેલાં પત્રમાં કહ્યું હતું કે સામાન્ય રીતે એવું માની લેવામાં આવે છે કે સ્વીત્ઝરલૅન્ડમાં જમા પડેલા કોઇપણ ભારતીયના પૈસા કાળા નાણા જ છે. પીયુષ ગોયેલ એ કહ્યું હતું કે સ્વીસ બેન્કે બેંક ફોર ઇન્ટરનેશનલ સેટલમેન્ટ સાથે મળીને ડેટા તૈયાર કર્યો છે.
આ માહિતી આપતા મંત્રીએ કહ્યું કે સ્વીસ બેન્કોમાં ગયા વર્ષની સરખામણીમાં ભારતીયોની બધી લોન અને ડીપોઝીટમાં ૩૪.૫ ટકાનો ઘટાડો થયો છે. આ બાબતે પીયુષ ગોયેલ એ ટ્વીટપણ કર્યું છે.મંત્રીએ બીજા સવાલના જવાબમાં કહ્યું કે ૨૦૧૧માં સ્વીસ બેંક સાથે એક કરાર થયો હતો જે મુજબ સ્વીસ બેન્કને માહિતી આપવાની હતી. ગોયેલે દાવો કર્યો કે આ દરમ્યાન ઘણી મહત્વની માહિતી આપવામાં આવી ન હતી. જયારે ૨૦૧૪માં મોદી સરકાર આવી ત્યારબાદ સરકારે સ્વીસ બેંક પાસેથી ૪૦૦૦ થી પણ વધુ માહિતી માંગી. આ માહિતીના આધારે કાર્યવાહી કરવામાં આવી રહી છે.
