અમદાવાદ: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) ની સ્ટોર્મ વોટર ડ્રેનેજ લાઈનમાં ગેરકાયદે જોડાણ કરવા અને કેમિકલયુક્ત પાણી છોડવા બદલ નરોડા GIDC ને રૂ. 10 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે. એએમસીએ નરોડા જીઆઈડીસીને રૂ. 10 લાખનો દંડ ફટકારીને પૂર્વ પટ્ટામાં આવેલ અન્ય ઈન્ડસ્ટ્રીયલ એસ્ટેટો માટે એક દાખલો બેસાડ્યો છે.
શહેરની નરોડા જીઆઈડીસી દ્વારા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની મંજૂરી લીધા વિના સ્ટોર્મ વોટર ડ્રેનેજ લાઈનમાં ગેરકાયદે જોડાણ કરી દીધું હતું અને આ કેનાલમાં તથા ડ્રેનેજ લાઈનમાં ટ્રીટ કર્યા વિના કેમિકલયુક્ત પાણી સીધે સીધું જ છોડવામાં આવતું હતું. જેના કારણે કોર્પોરેશનની ડ્રેનેજ લાઈનને નુકસાન થાય છે અને ગટરો બેક મારવી અને ઊભરાવાની સમસ્યા સર્જાય છે.
ચોમાસામાં ખારીકટ કેનાલમાં વરસાદી પાણીનો ગેરલાભ ઉઠાવીને કેમિકલવાળું પાણી ખારીકેટ કેનાલમાં ઠાલવવાના કિસ્સા પણ જોવા મળતા હોય છે. નરોડાથી નારોલ સુધીના પટ્ટામાં આવેલ જીઆઈડીસીઓ અને ફેક્ટરીઓ, કારખાનાં દ્વારા કેમિકલયુક્ત પાણી વહન કરવા માટે મેગાલાઈન નાંખવામાં આવી છે.
નરોડા જીઆઈડીસીમાં આવેલ યુનિટો દ્વારા ચૂકવાતા પ્રોપર્ટી ટેક્સ પૈકી 75 ટકા રકમ પાણી, ડ્રેનેજ, રસ્તા, લાઈટ સહિતની પ્રાથમિક સવલતો ડેવલપ કરવા માટે જીઆઈડીસીને પરત આપવામાં આવે છે.
નરોડા જીઆઈડીસીને અપાયેલ પ્લોટ- જમીન પૈકી કેટલીક જમીન રેસિડેન્શિયલમાં તબદીલ કરાઈ છે. આ પ્લોટ પરના મકાનો, ફેક્ટરીઓના પાણી છોડવા માટે ડ્રેનેજની સુવિધા પૂરી પાડવાની જવાબદારી નરોડા જીઆઈડીસીની છે. ઉલ્લેખનીય છે કે કોર્પોરેશન દ્વારા સ્ટોર્મ વોટર લાઈનમાં ગેરકાયદે જોડાણો કરનારા સામે લાલ આંખ કરવામાં આવી છે. તાજેતરમાં સાફ કરાયેલી ખારીકટ કેનાલમાં કચરો નાખનાર તત્ત્વો સામે પગલા ભરાયા હતા.
જયારે નરોડા જીઆઇડીસી દ્વારા મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્ટોર્મ વોટર ડ્રેનેજ લાઈનમાં ગેરકાયદેસર રીતે જોડાણ કરીને તેમાં કેમિકલયુક્ત પાણી છોડવામાં આવી રહ્યું હતું. આ અંગેની જાણ એએમસીના સત્તાધીશોને થઈ હતી. આથી આ ઘટનાના મામલે અમદાવાદ મ્યુનિ. સત્તાધીશો દ્વારા નરોડા જીઆઇડીસીને રૂપિયા દસ લાખની રકમનો દંડ ફટકારવામાં આવ્યો છે.
