મુંબઈ
બોલીવુડ અભિનેતા ઇમરાન હાશમી હવે એક રિયલ લાઈફ જાસૂસનો રોલ કરવા જઈ રહ્યા છે. મળતા સમાચાર મુજબ, આ રોલ ભારતના ટોપના ડિટેક્ટિવ સુર્યકાંત ભાંડે પાટીલનો છે, જેઓએ 120 થી વધુ બાળકોના અપહરણના કેસો મફતમાં સોલ્વ કર્યા છે.
આ ફિલ્મનું નામ ‘ફાધર્સ ડે’ રાખવામાં આવ્યું છે અને તે ગુજરાતી લેખક પ્રફુલ શાહના પુસ્તક ‘ર્દશ્યમ અર્દશ્યમ’ પર આધારિત છે. આ એક પિતા અને પુત્રની ઈમોશનલ વાર્તા છે.
ઇમરાનની આ ફિલ્મનું નિર્દેશન શાંતનુ બાગચી દ્વારા કરવામાં આવશે, જેઓ 300થી વધુ જાહેરાત બનાવી ચુક્યા છે અને રિતેશ શાહ સાથે મળીને ‘એરલિફ્ટ’, ‘પિંક’ અને ‘રેડ’ જેવી ફિલ્મોમાં સ્ક્રીનપ્લે અને ડાયલોગ લખ્યા છે. આ ફિલ્મનું પ્રોડકશન ઇમરાન હાશમી, પ્રિયા ગુપ્તા અને કલ્પના ઉડયાર મળીને કરી રહ્યા છે.
આ માહિતી અંગે પુષ્ટિ કરતા ઇમરાને જણાવ્યું હતું કે, “સૂર્યકાંત જીની વાર્તા ખૂબ જ હ્રદયસ્પર્શી છે પરંતુ તે ખૂબ પ્રેરણાદાયી પણ છે. તમને ભાગ્યે જ કોઈ વ્યક્તિ મળશે, જે પૂરી જિંદગી અન્ય બાળકોના અપહરણ કરવાના મામલાઓમાં મુફતમાં મદદ કરી રહ્યા હતા. મને ગર્વ છે કે હું ફિલ્મમાં સૂર્યકાંત જીનો રોલ કરી રહ્યો છું”.
આપને જણાવી દઈએ કે, પૂણેના સિવિલ એન્જિનિયર સૂર્યકાંત પૂણે અને મુંબઇ પોલીસને ખોવાયેલા બાળકોને શોધવા માટે મદદ કરી રહ્યા છે. તેમણે આ માટે એક વેબસાઇટ પણ બનાવી છે. 1999 માં, તેમણે ડિટેક્ટિવ એજન્સીની રચના કરી હતી આ સમયે સૂર્યાકંત 55 વર્ષના હતા અને 35 વર્ષની ઉંમરે ઈમરાન તેઓની ભૂમિકા ભજવશે.
