નવી દિલ્હી,
દેશભરમાં છેલ્લા કેટલાક સમયથી સામે આવી રહેલી કથિત મોબ લીન્ચિંગની ઘટનાઓ અંગે વિપક્ષી પાર્ટીઓ દ્વારા વર્તમાન મોદી સરકાર પર અનેક આરોપો લગાવવામાં આવ્યા છે. આ ઉપરાંત કોઈ શંકાના આધારે કરવામાં આવી રહેલી હત્યાનો આ મુદ્દો સંસદમાં પણ ગુંજી ઉઠ્યો છે, ત્યારે હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાનું મૌન તોડ્યું છે અને વિપક્ષી પાર્ટીઓને જવાબ આપ્યો છે.
આ ઘટનાઓ છે ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ : PM
પીએમ મોદીએ દેશમાં વધી રહેલી મોબ લીન્ચિંગની ઘટનાઓ અંગે કહ્યું, “આ પ્રકારની એક પણ ઘટના ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ છે, દરેક વ્યક્તિએ રાજકારણથી ઉપર જઈને સમાજમાં શાંતિ અને એકતા સુનિશ્ચિત કરવાની દિશામાં કામ કરવું જોઈએ”.
સમાચાર એજન્સી ANIને આપેલા એક ઇન્ટરવ્યૂમાં પીએમ મોદીએ કહ્યું, “તેઓ પોતે અને ભારતીય જનતા પાર્ટી દ્વારા ઘણી ઘટનાઓ અને આ પ્રકારની માનસિકતા ધરાવતા લોકો અંગે કડક કાર્યવાહી કરવા અંગે સ્પષ્ટ શબ્દોમાં વાત કહી છે. આ પ્રકારની એક પણ ઘટના દુર્ભાગ્યપૂર્ણ છે.
આ ઘટનાઓ અંગે રાજકારણ ન રમવું જોઈએ
પ્રધાનમંત્રી મોદીએ મોબ લીન્ચિંગની ઘટનાઓને એક અપરાધ ગણાવ્યો છે. આ અંગે તેઓએ વધુમાં જણાવ્યું, “આ પ્રકારની ઘટનાઓને એક આંકડા સાથે સીમિત રાખીને રાજકારણ રમવું એક મજાક હશે. એક થઈને આ પ્રકારની ઘટનાઓનો વિરોધ કર્યાં સિવાય ગુનો અને હિંસા જેવી ઘટનાઓનો રાજનૈતિક ફાયદો ઉઠાવવો એ એક વિકૃત માનસિકતાનો પરિચય છે.
બીજી બાજુ દેશભરમાં મહિલાઓ પર વધી રહેલા અત્યાચાર અંગે તેઓએ જણાવ્યું, “મહિલાઓની રક્ષા કરવાની સરકાર, સમાજ અને પરિવાર તમામની જવાબદારી છે. સરકારના સ્તર પર અમે મહિલાઓ વિરુધ ગુનો રોકવા માટે સખ્ય કાયદો બનાવ્યો છે, જેમાં કેટલાક ગુનાઓની સજા માટે ફાંસીની સજાનું પણ જોગવાઈ છે.
ચાર વષર્માં ૪૦ ઘટનાઓમાં થઇ ૪૫ લોકોની હત્યા
મહત્વનું છે કેમ ગૃહ મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા આંકડા મુજબ, વર્ષ ૨૦૧૪ થી ૩ માર્ચ ૨૦૧૮ સુધી દેશના નવ રાજ્યોમાં મોબ લીન્ચિંગની ૪૦ ઘટનાઓમાં ૪૫ લોકોની હત્યા કરવામાં આવી છે.
