ડોલર સામે રૂપિયો અત્યાર સુધીના નીચા સ્તરે ગબડી પડ્યો છે. રૂપિયો આવા રેકોર્ડ સાથે તુટ્યો એ વાતને લઈને સરકાર ચિંતિત છે. ડોલર સામે રૂપિયો ૭૦.૩૧ નાં સ્તર પર પહોચી ગયો હતો. સરકારનું માનવું છે કે વિદેશી કારણોને લઈને રૂપિયો આટલા નીચા સ્તર પર આવી રહ્યો છે.
આ સંજોગોમાં રૂપિયાનાં મૂલ્યમાં થયેલાં કડાકાને લઈને પૂર્વ આરબીઆઈ ગવર્નર રધુરામ રાજને એક ઈન્ટરવ્યુમાં આ ઘટના પાછળના કારણોની ચર્ચા કરી હતી અને સાથે જ કઈ રીતે આમાં સુધારો લાવી શકાય એ પણ જણાવ્યું હતું.
એક ટીવી ચેનલને આપેલા ઈન્ટરવ્યુમાં રઘુરામ રાજને કહ્યું હતું કે રૂપિયાનાં મૂલ્યમાં થયેલો ઘટાડો ચિંતાનો વિષય નથી. એમણે કહ્યું કે ઈમર્જીંગ માર્કેટનો માહોલ ૨૦૧૩ની સાપેક્ષમાં ઘણો સારો છે, એટલે રૂપિયામાં થયેલાં ઘટાડાથી કોઈ ખતરો નથી. ભારતમાં મોંઘવારીનો દર દુનિયાની સરખામણીમાં વધુ છે એવામાં રૂપિયો થોડો વધુ નબળો પડતો દેખાય શકે છે. તેમણે ઉમેર્યું કે સ્થિતિને સુધારવા માટે રૂપિયો હજી નબળો પડવો જોઈએ.
તુર્કી સંકટ પર વાત કરતાં રઘુરામ રાજને કહ્યું હતું કે ખરાબ નીતિઓને કારણે તુર્કીમાં આર્થિક સંકટ વધી રહ્યું છે. માત્ર તુર્કી જ નહી બીજા ઘણાં દેશોની હાલત પણ નાજુક છે. તુર્કીમાં કરન્સી સંકટ હજી પણ વધવાનો ભય છે. ડોલર ઇન્ડેક્સની ઉચાઇ અને અમેરિકાના નિર્ણયને કારણે તુર્કીમાં આવો માહોલ બન્યો છે. વાત એમ છે કે તુર્કીના મેટલ ઈમ્પોર્ટ પરની ડયુટીને અમેરિકાએ બમણી કરી દીધી છે જેને કારણે કરન્સી માર્કેટમાં ભૂકંપ મચી ગયો છે. અમેરિકાના આ પગલાથી તુર્કીની કરન્સી લીરા અત્યાર સુધીમાં ૪૦% તૂટી ગઈ છે. જયારે ડોલર ઇન્ડેક્સ ૧૪ મહિનાની ઉચાઇ પર છે.
તુર્કી અને યુરોપ સિવાય રૂપિયામાં થયેલાં કડાકાને કારણે પણ માર્કેટમાં ભૂકંપ આવી ગયો છે. આ જ કારણે રૂપિયો ઓલટાઈમ લો (નીચલા) સ્તરે ૭૦.૩૧ એ પહોચી ગયો છે. જોકે ભારત સરકારનું કહેવું છે રૂપિયામાં આવેલો ઘટાડો વિદેશી કારણોને લીધે આવ્યો છે. આમાં ચિંતાની કોઈ વાત નથી. આર્થિક મામલાના સચિવ સુભાષ ચંદ્ર ગર્ગએ કહ્યું હતું કે, વિદેશી સંકટ આગળ જતા સામાન્ય થઇ જશે. જેનાથી રૂપિયાની સ્થિતિમાં સુધારો થશે.
વર્ષ ૨૦૧૮માં રૂપિયો અત્યાર સુધીમાં 10% થી વધુ તુટ્યો છે, આ વર્ષની શરૂઆતથી જ રૂપિયો સતત નબળો પડી રહ્યો છે.
