Uttar Pradesh News: ઉત્તર પ્રદેશના પૂર્વ માફિયા ડોન અને પૂર્વ સાંસદ અતીક અહેમદના પરિવાર પર છેલ્લા ત્રણ વર્ષથી એક પછી એક દુઃખદ ઘટનાઓનો સિલસિલો ચાલુ છે. Atiq Ahmedના ત્રીજા પુત્ર અસદના એન્કાઉન્ટરથી લઈને અતીક અને તેના ભાઈ અશરફની હત્યા તથા હવે નાના પુત્ર અબાનના માર્ગ અકસ્માતમાં મોત સુધીની ઘટનાઓએ સમગ્ર પરિવારને હચમચાવી દીધો છે. હવે ફરી એકવાર ચર્ચા શરૂ થઈ છે કે અતીક અહેમદના પરિવારમાં કોણ-કોણ જીવિત છે અને છેલ્લા ત્રણ વર્ષમાં શું-શું બન્યું?
Atiq Ahmedનો પરિવાર 3 વર્ષમાં વેરવિખેર
24 ફેબ્રુઆરી 2023ના રોજ પ્રયાગરાજમાં બસપાના પૂર્વ ધારાસભ્ય રાજુ પાલ હત્યાકાંડ ના મુખ્ય સાક્ષી ઉમેશ પાલ (Umesh Pal Case)અને તેમના બે સરકારી ગનરની ગોળી મારી હત્યા કરવામાં આવી હતી. આ કેસમાં અતીક અહેમદ અને તેના ગેંગનું નામ સામે આવતા ઉત્તર પ્રદેશ પોલીસ (Uttar Pradesh Police)અને STFએ રાજ્યવ્યાપી કાર્યવાહી શરૂ કરી હતી.
27 ફેબ્રુઆરી 2023ના રોજ ઉમેશ પાલ હત્યાકાંડના આરોપી અરબાઝ પોલીસ એન્કાઉન્ટરમાં માર્યો ગયો હતો. પોલીસના જણાવ્યા મુજબ તે હુમલામાં વપરાયેલી ક્રેટા કાર ચલાવી રહ્યો હતો. ત્યારબાદ 6 માર્ચે અન્ય આરોપી વિજય ચૌધરી ઉર્ફે ઉસ્માન પણ પોલીસ એન્કાઉન્ટરમાં માર્યો ગયો હતો.
અસદના એન્કાઉન્ટરથી અતીક-અશરફની હત્યા સુધી
13 એપ્રિલ 2023ના રોજ લગભગ 50 દિવસથી ફરાર અતીક અહેમદનો પુત્ર અસદ અહેમદ અને તેનો સાથી ગુલામ ઝાંસીમાં STF એન્કાઉન્ટરમાં માર્યા ગયા હતા. બંને પર પાંચ-પાંચ લાખ રૂપિયાનું ઇનામ જાહેર કરવામાં આવ્યું હતું અને તેઓ ઉમેશ પાલ હત્યાકાંડના મુખ્ય આરોપી ગણાતા હતા.
માત્ર બે દિવસ બાદ એટલે કે 15 એપ્રિલ 2023ની રાત્રે પ્રયાગરાજ (Prayagraj)માં પોલીસ કસ્ટડી દરમિયાન અતીક અહેમદ અને તેના ભાઈ અશરફ અહેમદની ગોળી મારી હત્યા કરવામાં આવી હતી. બંનેને મેડિકલ તપાસ માટે હોસ્પિટલ લઈ જવામાં આવી રહ્યા હતા ત્યારે પત્રકાર બની આવેલા ત્રણ હુમલાખોરોએ કેમેરા સામે જ અંધાધૂંધ ફાયરિંગ કર્યું હતું. આ ઘટનાએ સમગ્ર દેશને હચમચાવી દીધો હતો. પોલીસે ઘટનાસ્થળેથી ત્રણેય હુમલાખોરોની ધરપકડ કરી હતી અને રાજ્ય સરકારે સમગ્ર કેસની તપાસ માટે ન્યાયિક પંચની રચના કરી હતી.
હવે માર્ગ અકસ્માતમાં અબાનનું મોત
અતીક અહેમદના પરિવારની મુશ્કેલીઓ અહીં અટકી નહોતી. હવે તેના પુત્ર અબાન અહેમદનું ઝાંસીમાં માર્ગ અકસ્માતમાં મોત થયું છે. અબાન પોતાના ભાઈ અલી અહેમદને મળવા જેલ જઈ રહ્યો હતો ત્યારે તેની કાર હાઇસ્પીડમાં ડિવાઇડર સાથે અથડાઈ હતી. અકસ્માતમાં અબાન સહિત બે લોકોના મોત થયા હતા, જ્યારે અન્ય ત્રણ લોકો ઘાયલ થયા હતા. વર્ષ 2023માં અબાન અને તેનો ભાઈ એહઝમ બંને સગીર હતા. અતીક અને શાઇસ્તા પરવીન સામે કાર્યવાહી બાદ બંનેને બાળ સંરક્ષણ ગૃહમાં રાખવામાં આવ્યા હતા. બાદમાં ઓક્ટોબર 2023માં બંનેને મુક્ત કરવામાં આવ્યા હતા.
અતીકના પરિવારમાં હવે કોણ-કોણ છે?
અતીક અહેમદની પત્ની શાઇસ્તા પરવીન (Shaista Parveen)હજુ પણ ઉમેશ પાલ હત્યાકાંડમાં વોન્ટેડ છે અને લાંબા સમયથી ફરાર હોવાનું માનવામાં આવે છે. મોટો પુત્ર ઉમર અહેમદ હાલ લખનૌ જેલમાં ન્યાયિક કસ્ટડીમાં છે, જ્યારે અલી અહેમદ નૈની સેન્ટ્રલ જેલમાં બંધ છે. ત્રીજા પુત્ર અસદનું એન્કાઉન્ટરમાં મોત થયું હતું અને હવે ચોથા પુત્ર અબાનનું માર્ગ અકસ્માતમાં મૃત્યુ થયું છે. પરિવારનો સૌથી નાનો પુત્ર એહઝમ ઓક્ટોબર 2023માં બાળ સંરક્ષણ ગૃહમાંથી મુક્ત થયા બાદ પોતાના સંબંધીઓ સાથે રહેતો હોવાનું જાણવા મળે છે.
છેલ્લા ત્રણ વર્ષમાં થયેલી આ તમામ ઘટનાઓને જોતા અતીક અહેમદનો પરિવાર સતત કાયદાકીય કાર્યવાહી, એન્કાઉન્ટર, હત્યા અને અકસ્માત જેવી દુર્ઘટનાઓનો સામનો કરી રહ્યો છે.
આ પણ વાંચો: અતીક અહેમદના પુત્ર અબાન અહેમદનું માર્ગ અકસ્માતમાં મોત, ઝાંસી જેલમાં ભાઈને મળવા જતા હાઈવે પર સર્જાયો અકસ્માત
આ પણ વાંચો: યુપીમાં આતંક ફેલાવનારા ડોન મુખ્તાર અંસારી અને અતીક અહેમદનો આવ્યો અંત, બંને માફિયાઓની પત્નીઓ ફરાર
આ પણ વાંચો: લોકસભામાં અતીક અહેમદને આપવામાં આવી શ્રદ્ધાંજલિ, સ્પીકર ઓમ બિરલાએ કહી આ વાત
