નવી દિલ્હી : વર્ષ 2008ના માલેગાંવ બ્લાસ્ટના મામલે આરોપી લેફ્ટનન્ટ કર્નલ શ્રીકાંત પુરોહિત દ્વારા દાખલ કરાયેલી અરજી અંગે સોમવારે સુપ્રીમ કોર્ટમાં સુનવણી ટળી હતી. જસ્ટિસ યુ. યુ. લલિતે સોમવારે પુરોહિતની અરજી અંગે સુનવણીથી પોતે અંતર રાખ્યું હતું. હવે નવી બેંચ પુરોહિતની અરજી પર સુનવણી કરશે. લેફ્ટનન્ટ કર્નલ પુરોહિતે સુપ્રીમમાં કરેલી પોતાની અરજીમાં પોતાને એક કાવતરા હેઠળ ફસાવવાનો આરોપ લગાવીને કોર્ટની દેખરેખમાં સીટની રચના અને તપાસ કરવાની માંગ કરી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, પુરોહિતે પોતાના પર લાગેલ બિનકાયદેસર ગતિવિધિ નિરોધક અધિનિયમ (યુએપીએ)ને પણ પડકાર્યું હતું. આ અગાઉ બોમ્બે હાઇકોર્ટે લેફ્ટનન્ટ કર્નલ પુરોહિત અને સમીર કલકર્ણી દ્વારા કરાયેલી અરજીને ફગાવી દીધી હતી. જ્યારે સુપ્રીમ કોર્ટે નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA) અને મહારાષ્ટ્ર સરકારને નોટિસ મોકલીને ચાર અઠવાડિયાની અંદર જવાબ રજૂ કરવા માટે જણાવ્યું હતું.
કર્નલ પુરોહિતને ગત્ત વર્ષે મળ્યા હતા જામીન
ગત્ત વર્ષે માલેગાવ બ્લાસ્ટ કેસમાં આરોપી એવા કર્નલ શ્રીકાંત પુરોહિતને સુપ્રીમ કોર્ટે જામીન આપ્યા હતા. કર્નલ પુરોહિત છેલ્લા નવ વર્ષથી જેલમાં હતા. સુપ્રીમ કોર્ટે બોમ્બે હાઇકોર્ટનાં ચુકાદાને ફેરવીને જામીન આપ્યા હતા.
પુરોહિતે સુપ્રીમ કોર્ટને કહ્યું હતુ કે, તેમને રાજનીતિક કાવત્રા હેઠળ ફસાવવામાં આવ્યા હતા. પુરોહિતે એટીએસ પર તેમને ફસાવવાનો આરોપ લગાવ્યો હતો.
એનઆઇએ અને સરકારના વકીલોએ કહ્યું હતું કે કર્નલ પુરોહિત આ મુદ્દે મુખ્ય આરોપી છે. તેમને જામીન નહી આપવામાં આવે. એનઆઇએએ તપાસ પ્રભાવિત થતી હોવાનો દાવો કર્યો હતો.
જો કે કોર્ટે તેને ફગાવી દીધો હતો. કોર્ટે તે બાબત પણ નોંધી કે તપાસ દરમિયાન આરોપીને લાંબા સમયથી જેલમાં રાખવામાં આવ્યો હતો.
શું છે માલેગાંવ બ્લાસ્ટ કેસ, જાણો તેની વિગતો
અત્રે ઉલ્લેખનીય છે કે, ગત તા. 29 સપ્ટેમ્બર 2008ના રોજ માલેગાવમાં એક બાઇકમા બોમ્બ લગાવીને વિસ્ફોટ કરવામાં આવ્યો હતો. જેમાં 8 વ્યક્તિના મોત નિપજ્યા હતા અને આશરે 80 વ્યક્તિ ઘાયલ થઈ હતી. આ મામલે સાધ્વી અને પુરોહિતને 2008માં ધરપકડ કરવામાં આવી ત્યારથી તે જેલમાં હતા.
તપાસ એજન્સીના જણાવ્યા મુજબ વિસ્ફોટને દક્ષિણપંથી સંગઠન ‘અભિનવ ભારત’ દ્વારા કથિત રીતે અંજામ આપવામાં આવ્યો હતો. એનઆઇએ અનુસાર પુરોહિતે કાવત્રા રચનારી બેઠકોમાં સક્રિય રીતે ભાગ લીધો હતો અને વિસ્ફોટમાં ઉપયોગ કરવા માટે વિસ્ફોટની વ્યવસ્થા કરવા માટે પણ તૈયાર થઇ ગયા હતા.
પુરોહિતે દલીલ આપી હતી કે એનઆઇએ કેટલાક આરોપીઓને આરોપ મુક્ત કરવામાં ભેદભાવ કરી રહી છે અને એજન્સીએ તેને આ મુદ્દે બલિનો બકરો બનાવ્યો છે.
