Ahmedabad News/ અમદાવાદના વિદ્યાર્થીઓનું અનોખું ઇનોવેશન, Muse 2થી મગજની એક્ટિવિટી સમજશે ‘Focus Flow’ એપ

અમદાવાદની સરકારી પોલીટેકનિક કોલેજના 3 વિદ્યાર્થીઓએ ADHD Students ના ધ્યાન અને એકાગ્રતા સંબંધિત ડેટા સમજવામાં મદદરૂપ ‘Focus Flow’ એપ બનાવી છે. Muse 2 ડિવાઇસ અને Brain-Wave ડેટાની મદદથી કામ કરતી આ એપને ભવિષ્યમાં AI સાથે વધુ સ્માર્ટ બનાવવાની યોજના છે.

Gujarat Top Stories Ahmedabad Trending
ADHD Students: 3 વિદ્યાર્થીઓએ માત્ર 2 મહિનામાં બનાવી Focus Flow એપ

Ahmedabad News: અમદાવાદની ગવર્મેન્ટ પોલીટેકનિક કોલેજના વિદ્યાર્થીઓએ સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન પોલિસી (SSIP) અંતર્ગત એક નવીન એપ્લિકેશન વિકસાવી છે. ‘Focus Flow’ નામની આ એપ્લિકેશન ખાસ કરીને ADHD ધરાવતા વિદ્યાર્થીઓના ( ADHD Students) ધ્યાન અને એકાગ્રતાના સ્તરને સમજવામાં મદદરૂપ થાય તે હેતુથી તૈયાર કરવામાં આવી છે.

ત્રણ વિદ્યાર્થીઓએ મળીને તૈયાર કરી એપ

ઇલેક્ટ્રોનિક્સ એન્ડ કમ્યુનિકેશન એન્જિનિયરિંગના સેમેસ્ટર-5માં અભ્યાસ કરતા માનવ ભાડજા, આયુષ પ્રજાપતિ અને નમન શર્માએ મળીને આ એપ્લિકેશન તૈયાર કરી છે. વિદ્યાર્થીઓના જણાવ્યા પ્રમાણે એપ્લિકેશનના વિકાસમાં આશરે બે મહિના લાગ્યા હતા, જ્યારે તેના અગાઉના રિસર્ચ અને પ્રયોગો માટે લગભગ એક મહિનો સમય આપવામાં આવ્યો હતો.

ADHD Students: Muse 2 ડિવાઇસ સાથે કનેક્ટ થશે Focus Flow

‘Focus Flow’ એપને Muse 2 હેડગેજેટ સાથે કનેક્ટ કરી શકાય છે. આ ડિવાઇસ માથા પર પહેરવામાં આવે છે અને મગજની ઇલેક્ટ્રિકલ પ્રવૃત્તિ સંબંધિત ડેટા મેળવવામાં મદદ કરે છે. Muse 2માંથી મળતા ડેટાને એપ્લિકેશન સાથે કનેક્ટ કરવા માટે BLE (Bluetooth Low Energy) ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

વિદ્યાર્થીઓએ જણાવ્યા મુજબ, ડિવાઇસમાંથી મળતી Alpha, Beta અને Theta brain-wave activityના ડેટાનો ઉપયોગ કરીને એપ્લિકેશન વપરાશકર્તાના ધ્યાન અને એકાગ્રતા સંબંધિત માહિતી દર્શાવે છે.અભ્યાસ દરમિયાન અલગ-અલગ સમયગાળામાં ધ્યાનનું સ્તર કેવી રીતે બદલાય છે તે સમજવામાં આ પ્રકારનો ડેટા ઉપયોગી થઈ શકે છે.

ADHD ધરાવતા વિદ્યાર્થીઓ માટે ખાસ ઉપયોગી બનાવવાનો પ્રયાસ

આ પ્રોજેક્ટનો મુખ્ય ઉદ્દેશ ADHD ધરાવતા બાળકો અને વિદ્યાર્થીઓમાં અભ્યાસ દરમિયાન ધ્યાન સંબંધિત પડકારોને સમજવામાં મદદ કરવાનો છે. એપ્લિકેશન દ્વારા સતત મળતા ડેટાથી વિદ્યાર્થી પોતાના અભ્યાસ દરમિયાન ક્યારે વધુ સારી રીતે ધ્યાન કેન્દ્રિત કરી શકે છે અને કયા સમયે ધ્યાન ભટકવાની શક્યતા રહે છે તે અંગે આંતરદૃષ્ટિ મેળવી શકે છે. જોકે, આ એપ્લિકેશનને ADHDનું નિદાન કરતું તબીબી સાધન તરીકે નહીં પરંતુ ધ્યાન સંબંધિત ડેટા સમજવામાં મદદરૂપ ટેક્નોલોજી તરીકે જોવી જરૂરી છે.

‘ભવિષ્યમાં AIનો ઉપયોગ કરીશું’

એપ્લિકેશન બનાવનાર વિદ્યાર્થી માનવ ભાડજાએ જણાવ્યું કે ADHD ધરાવતા વિદ્યાર્થીઓના ધ્યાન અને માનસિક સુખાકારીને ધ્યાનમાં રાખીને આ પ્રોજેક્ટ પર કામ કરવામાં આવ્યું છે. તેમણે જણાવ્યું કે Muse 2 મોડ્યુલની મદદથી ચોક્કસ સમયાંતરે વપરાશકર્તાના ધ્યાનના સ્તર સંબંધિત ડેટા મેળવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. આ માહિતી વિદ્યાર્થીઓને પોતાની એકાગ્રતા સમજવામાં અને અભ્યાસની આદતો સુધારવામાં મદદરૂપ થઈ શકે છે.

માનવ ભાડજાના જણાવ્યા પ્રમાણે, ભવિષ્યમાં આ એપ્લિકેશનમાં AI ટેક્નોલોજીનું ઇન્ટિગ્રેશન કરવાની યોજના છે. અલગ-અલગ વાતાવરણમાં મગજની પ્રવૃત્તિ અને ધ્યાન સંબંધિત ડેટાનું વિશ્લેષણ કરીને એપને વધુ ઉપયોગી બનાવવાનો પ્રયાસ કરવામાં આવશે.

આ પ્રોજેક્ટ SSIP એટલે કે Student Startup and Innovation Policy 2.0 અંતર્ગત વિકસાવવામાં આવ્યો છે. રાજ્ય સરકારની આ પહેલનો હેતુ વિદ્યાર્થીઓમાં ઇનોવેશન અને સ્ટાર્ટઅપની ભાવનાને પ્રોત્સાહન આપવાનો છે.વિદ્યાર્થીઓને તેમના નવીન વિચારો પર પ્રોજેક્ટ વિકસાવવા માટે જરૂરી માર્ગદર્શન અને ગ્રાન્ટ જેવી સહાય ઉપલબ્ધ કરાવવામાં આવે છે.

મેન્ટરના માર્ગદર્શન હેઠળ છ મહિનાથી કામ

પ્રોજેક્ટના મેન્ટર ડૉ. મિશેલ પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થીઓએ આ પ્રોજેક્ટ પર છેલ્લા આશરે છ મહિનાથી કામ કર્યું હોવાનું જણાવાયું છે. ડૉ. મિશેલ પ્રજાપતિના જણાવ્યા પ્રમાણે, માનસિક એકાગ્રતાને ટેક્નોલોજીની મદદથી સમજવાનો વિચાર આ પ્રોજેક્ટના કેન્દ્રમાં હતો. એપ્લિકેશન તૈયાર થયા બાદ તેનું ટેસ્ટિંગ પણ કરવામાં આવ્યું છે.

વિદ્યાર્થીઓના ઇનોવેશનથી નવી શક્યતા

અમદાવાદની સરકારી પોલીટેકનિક કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા વિકસાવવામાં આવેલી ‘Focus Flow’ એપ ટેક્નોલોજી અને શિક્ષણને જોડતી પહેલ તરીકે સામે આવી છે. હવે આગામી તબક્કામાં AI અને વધુ રિસર્ચના માધ્યમથી આ એપ્લિકેશનને કેવી રીતે વધુ સચોટ અને ઉપયોગી બનાવી શકાય તેના પર વિદ્યાર્થીઓ કામ કરવાની તૈયારીમાં છે.


આ પણ વાંચો: મોહન ભાગવતના નિવેદન પર મુમતાઝ પટેલનો સવાલ: ‘પહેલા ગુજરાતમાં લાગુ કરીને બતાવો’

આ પણ વાંચો: યુસુફ પઠાણે ગુજરાત હાઈકોર્ટમાંથી અપીલ કેમ પાછી ખેંચી? વડોદરા જમીન વિવાદમાં આવ્યો મોટો વળાંક

આ પણ વાંચો: રાજકોટમાં આજથી ચા મોંઘી, અડધી ₹15 અને આખી ચા ₹30; ખાંડના ભાવ વધતા ભાવવધારો