મુંબઇ
બોલીવુડના શો મેન ગણાતાં રાજ કપૂરના પરિવારે તેમનો પ્રખ્યાત આર કે સ્ટુડિયો વેચવાની જાહેરાત કરી છે.રાજ કપૂરના પુત્ર રીશી કપૂર દ્રારા આ આર કે સ્ટુડિયો વેચવાની તૈયારી બતાવવામાં આવતા મુંબઇના રીયલ એસ્ટેટ માર્કેટના દલાલોથી લઇને બિલ્ડરો સુધીની લોબી સક્રિય થઇ છે.આર કે સ્ટુડિયો વેચવાની જાહેરાત પછી હવે તેની કિંમત અંગે મુંબઈના રિયલ એસ્ટેટ માર્કેટમાં સ્ટુડિયોના વેલ્યુએશનની વાત થવા લાગી છે. મુંબઈની મોટી રિયલ એસ્ટેટ કંપનીઓ સ્ટુડિયોની જમીનની કિંમત 250 કરોડ રૂપિયા લગાવી રહી છે.
એક સમાચાર પત્રના અહેવાલ પ્રમાણે મુંબઇના જાણીતા બિલ્ડરો રનવાલ, લોઢા, રૂસ્તમજી તથા રહેજા ડેવલોપર્સ ચેમ્બુર એરિયામાં ચાલતી બેઝ પ્રાઈઝ પર આર કે સ્ટુડિયો ખરીદવા માંગે છે.
જાણીતા બિલ્ડર સુભાષ રનવાલે કહ્યું કે આ સ્ટુડિયો જે વિસ્તારમાં છે. ત્યાં એક સ્કેવર મીટરની કિંમત અઢીથી ત્રણ લાખ રૂપિયા છે. ત્રણ લાખ રૂપિયા સૌથી પ્રીમિયમ પ્રાઈઝ કેટેગરીમાં આવે છે. આર કે સ્ટુડિયો બે એકરમાં ફેલાયેલું છે. આ રીતે આ કુલ 8000 સ્કેવર મીટરનો આ વિસ્તાર થયો અને એ રીતે સરવાળો મુકીએ તો સ્ટુડિયોની કિંમત 250 કરોડ રૂપિયા થઈ.
સુભાષ રનવાલની આ ગણતરી સાથે અન્ય ડેવલોપર્સ પણ સહમત છે. લોઢા, રૂસ્તમજી તથા રહેજા ડેવલોપર્સે કહ્યું હતું કે લોકેશન તથા વિસ્તારની દ્રષ્ટિએ આર કે સ્ટુડિયોની કિંમત 200થી 250 કરોડ રૂપિયા જ છે.
જો કે મુંબઇના પ્રોપર્ટી માર્કેટના ડિલરોએ આંકેલી કિંમત સાથે કપુર ખાનદાન સહમત હોય તેવું લાગતું નથી.બિલ્ડરોએ આંકેલી કિંમત પર નારાજગી બતાવતા કપૂર પરિવારના નિકટના સભ્યોએ કહ્યું હતું કે તેઓ 400 કરોડથી બોલી લગાવવાના છે. આ જગ્યાનું પોતાનું ઐતિહાસિક મહત્વ છે. સાથે જ એરપોર્ટ અને અન્ય જગ્યાઓ બહુ દૂર નથી. તેથી 400 કરોડ રૂપિયા સ્ટુડિયોની કિંમત રાખવામાં આવે તે માનવામાં આવે છે. હવે, જોવાનું એ છે કે કપૂર પરિવાર કઈ પ્રાઈઝ સાથે માર્કેટમાં આવે છે?
