વડોદરા.
વડોદરાનો નાગરવાડા વિસ્તાર કે જેને ભાગ્યે જ કોઈ દારૂનો શોખીન જાણતો નહીં હોય. દેશી દારૂનાં શોખીનો માટે તો આ વિસ્તાર સ્વર્ગ સમાન ગણવામાં આવે છે. ગત રોજ અહી એક જ વિસ્તારમાં ૩ શખ્સોનાં મોત થતા લઠ્ઠાકાંડ થયો હોવાની વાતોએ જોર પકડ્યું હતું.
નાગરવાડા વિસ્તારમાં આવેલા નવી ધરતી, ગોલવાડ, રાણાવાસ સહીતના વિસ્તારોમાં દેશી દારૂનું ધુમ વેચાણ કરવામાં આવે છે. શનિવારે નાગરવાડા વિસ્તારમાં બે શખ્સોના શંકાસ્પદ મોત નીપજયા હતા. આ મોત પછી એવી વાતો ફેલાઇ હતી કે તેમના મોત ઝેરી દારૂ પીવાના કારણે થયા છે. જો કે પોલિસે લઠ્ઠાકાંડ થયો હોવાની અફવા ફગાવી હતી.
મહેશ માળીની તે જ્યાં કામ કરતો હતો તે સ્થળે તબિયત ખરાબ થતાં તેને એસએસજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. મહેશ માળીની સારવાર કરતાં તબીબોનું કહેવું હતું કે લીવર ફાટી જવાના કારણે તેનું મોત થયું છે.
એ સિવાય સુરેશ પરમાર નામની વ્યક્તિનું પણ શંકાસ્પદ મોત થયું હતું.દેશી દારૂ પીવાની ટેવવાળા સુરેશની તબિયત નાજુક હોવા છતાં તેણે શુક્રવારે દારૂ પીધો હતો. સુરેશની તબિયત ખરાબ થતાં તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો,જ્યાં તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો. સુરેશના ખીસ્સામાંથી પણ દારૂની પોટલી મળી આવવાની વિગતો સામે આવી રહી છે.
નાગરવાડા વિસ્તારમાં બે વ્યક્તિના શંકાસ્પદ મોત થતાં લઠ્ઠાકાંડની અફવાએ જોર પકડતા સ્થાનિક પોલીસ હરકતમાં આવી હતી અને અચાનક અહી ધમધમતા તમામ દેશી દારૂના ધંધા બંધ કરી દેવાયા છે. હાલ વિસ્તારમાં સન્નાટો છે.
પોલિસ લઠ્ઠાકાંડ થયો હોવાની વાતને સ્વીકારી નથી રહી.કારેલીબાગ પોલિસસ્ટેશનના પીઆઇ આર કે જાડેજાએ કહ્યું હતું કે યુવાનનું મોત દેશી દારૂ પીવાને કારણે થયું હોવાની અફવા ફેલાઇ હતી,પરંતું તેનું મોત હાર્ટ એટેકના કારણે થયું છે.દેશી દારૂ પીવાને કારણે મોત થયું હોવાની વાત ખોટી છે.
ઉલ્લેખનીય છે કે નાગરવાડા વિસ્તારમાં બે ભાઇઓ દારૂનો અડ્ડો ચલાવે છે જેમની પર અસંખ્યવાર પાસાના કેસો કરવામાં આવ્યા છે અને તડીપાર કરવામાં આવ્યાં છે.
