છેલ્લા 14 દિવસથી આમરણાંત ઉપવાસ પર બેઠેલા અને શુક્રવારે બપોર પછી સોલા સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલા પાસ નેતા હાર્દિક પટેલની તબિયત હાલ, સુધારા પાર છે. પાસ કન્વીનર મનોજ પનારા ના જણાવ્યા અનુસાર નરેશ પટેલ સાથે મુલાકાત બાદ હાર્દિકની તબિયત વધારે બગાડતા સ્વેચ્છાએ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.

ગુજરાત સરકારના ઉર્જા મંત્રી સૌરભ પટેલ તરફથી પણ મહત્વનું નિવેદન આવ્યું છે. ઉર્જા મંત્રી સૌરભ પટેલે નિવેદન આપ્યું છે કે દરેક સમાજના લોકો માટે સરકારના દરવાજા ખુલ્લા છે. એમણે વધુમાં જણાવ્યું હતું કે સરકાર બધી સંસ્થાઓ સાથે વાતચીત કરવા માટે તૈયાર હતી. સમાજની વિવિધ સંસ્થાના આગેવાનોએ મંત્રીઓ સાથે વાતચીત પણ કરી હતી. પરંતુ કમનસીબ એ હતું કે હાર્દિક તેમજ પાસની ટીમ દ્વારા સમાજના આગેવાનોનું અપમાન કરવામાં આવ્યું.
સૌરભ પટેલ એ જણાવ્યું કે અનામત મુદ્દે સરકારે વલણ સ્પષ્ટ કરેલું જ છે. પરંતુ કોંગ્રેસના મિત્રોએ એમનું વલણ સ્પષ્ટ કર્યું નથી. હાર્દિકની તબિયત બાબતે સરકાર ચિંતિત છે. સમાજના અગ્રણીઓ માટે સરકાર ના દરવાજા ખુલ્લા જ છે. પરંતુ જો સમાજના નામે રાજકારણ કરવામાં આવશે, તો અમે પણ રાજકીય રીતે જ વર્તન કરીશું.

સૌરભ પટેલ ના નિવેદનનો જવાબ આપતા પાસના મનોજ પનારા એ જણાવ્યું કે બેઠક માટે સરકાર શુક્રવારે સાંજે 6:20 થી શનિવાર સવારે 11 વાગ્યા સુધી સરકાર જ્યાં બોલાવશે, ત્યાં અમે પહોંચી જઈશું.
મળતી વિગતો મુજબ પાસ સાથે મંત્રણા કરવા માટે રાજ્ય સરકારે 4 મંત્રીઓની કમિટી બનાવી છે. જેમાં કૌશિક પટેલ, ભુપેન્દ્રસિંહ ચુડાસમા, પ્રદીપસિંહ જાડેજા અને સૌરભ પટેલ તેમજ પાસ નેતાઓ મંત્રણા કરશે.
