અમદાવાદ,
પાટીદારોને અનામત, ખેડૂતોની દેવા માફી મામલે હાર્દિક પટેલ 17 દિવસથી ઉપવાસ પર ઉતર્યો છે. બે દિવસ હોસ્પિટલમાં સારવાર બાદ ગઈકાલથી તેણે આમરણાંત ઉપવાસને ચાલુ રાખ્યા છે. ત્યારે 17માં દિવસે હાર્દિક પટેલને મળવા માટે તેના ઘરે અનેક પાટીદારો આવી રહ્યા છે.
આ દરમિયાન હાર્દિકના પરિવારજનો પણ તેને મળવા માટે ગ્રીનવુડ રિસોર્ટ ખાતે પહોંચ્યા હતા. જોકે, પોલીસે અન્ય લોકોની જેમ તેમને પણ ગેટ પર જ અટકાવી દીધા હતા. આ બનાવ સામે આવ્યા બાદ હાર્દિક પટેલ ખુદ ઉપવાસ છાવણીમાંથી બહાર આવ્યો હતો અને પોલીસને ખખડાવી નાખી હતી.
હાર્દિકના ભાઈને પોલીસ દ્વારા બહાર રોકવામાં આવ્યો
હાર્દિક પટેલના ભાઈ રવિ પટેલને પોલીસે ગેટ પર જ રોકી લીધો હતો. આ વાત હાર્દિકના કાને પડતા તે કારમાં બેસીને ગ્રીનવુડ રિસોર્ટના ગેટ સુધી આવ્યો હતો. આ દરમિયાન હાર્દિકે પોલીસ સાથે ઉગ્ર ભાષામાં વાતચીત કરતા કહ્યું હતું કે, મારા પરિવારના લોકો ગમે ત્યારે આવે અને જાય તેમને રોકવા નહીં.
હાર્દિકે આ ઘટના અંગે મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, મારા ભાઈને ગેટ પર રોકી લેવામાં આવ્યો હતો. પોલીસે તમામ દાદાગીરીની હદ વટાવી દીધી છે. ડ્યુટી કરતા હોય તેમ કરો, હોશિયારીમાં જ રહો, તેવું હાર્દિક પટેલે પોલીસને મો પર કહી દીધું અને પોલીકર્મીઓ પણ ખુલાસો આપી રહ્યો હોય તે રીતે એકદમ વિનમ્ર ભાષામાં વાત કરતા દેખાયા હતા.
