Lifestyle: ચોખાના લોટની પૂરીઓ બનાવવી અત્યંત સરળ છે, ઘઉંના લોટનો કે મેંદાનો ઉપયોગ કર્યા વિના પણ સરસ પૂરીઓ બની શકે છે અને ઘણી કરારી તથા સ્વાદિષ્ટ પણ લાગે છે. આ માટે તમારે કેવળ જોઇશે ચોખાનો લોટ, મૂળો (Rice Flour, Radish) અને અન્ય થોડી સામગ્રી….તમે નાસ્તા માટે આ પૂરીઓને બનાવીને સ્ટોર પણ કરી શકો છો અને દિવસો સુધી ખાઇ શકો છો! તો ચાલો ફટાફટ જોઇ લઇએ ચોખાના લોટની પૂરી (Rice Flour Puri Recipe) બનાવવાની સામગ્રી અને વિધિ અંગે…
શિયાળા (Winter)માં ગરમાગરમ અને તળેલી વાનગીઓ (Fried Dishes) ખાવાની ઘણી જ મજા પડે છે! જો તમે નાસ્તામાં કશુંક ટેસ્ટી અને હૅલ્ધી (Tasty & Healthy) ખાવા માગતા હો તો લોટ કે મેંદાના ઉપયોગ વિના પણ પૂરી બનાવી શકો છો. તમે ચોખાનો લોટ લઇને એમાં મૂળાનું છીણ ઉમેરીને અત્યંત સ્વાદિષ્ટ પૂરીઓ બનાવી શકો છો. આ પૂરીઓને તમે નાસ્તામાં, લંચમાં કે ડિનરમાં સર્વ કરી શકો છો અને એને ખાતાવેંત બધા જ તમારી પાક કળાના વખાણ કરશે! વિશેષ તો એ છે કે ચોખાની પૂરીઓ બનાવવી અત્યંત સરળ છે અને તમે ગણતરીની સામગ્રી વડે જ ટેસ્ટી નાસ્તો બનાવીને તૈયાર કરી શકો છો.

શી રીતે બનાવશો ચોખાના લોટની પૂરી ? આ રહી રેસિપી…
ચોખાના લોટની પૂરી નાના-મોટા સૌ કોઇને અવશ્ય ભાવશે. એ ક્રિસ્પી (Crispy) હોવા ઉપરાંત, સરળતાથી મોંમાં ઓગળી જાય એવી પોચી પણ બનશે જેથી તમારા ઘરના વડીલો પણ એનો આસ્વાદ માણી શકશે!
ચોખાના લોટની પૂરી બનાવવા માટે તમને આટલી સામગ્રી (Ingredients)ની આવશ્યકતા રહેશે.

સામગ્રી
1 કપ ચોખાનો લોટ
1 મધ્યમ કદનો મૂળો
મૂળાના કુમળા પાન
સ્વાદાનુસાર મીઠું
1 ચમચી કલોંજી
1 ચમચી અજમો
1 ચમચી ઝીણો સમારેલી કોથમીર
તળવા માટે તેલ

બનાવવાની વિધિ
1. સૌપ્રથમ એક મધ્યમ કદના મૂળાને છીણી લો. એમાં મૂળાના પાન જો તાજા હોય તો એમને બારીક સમારી લઇને ઉમેરી દેવા.
2. હવે એક પૅનમાં થોડું તેલ (Oil) ગરમ કરીને એમાં છીણેલો મૂળો તથા પાન નાખો. એને 5 થી 7 મિનિટ સુધી શેકી લો અને પછી એમાં 1 કપ પાણી ઉમેરો.
3. પાણી ઉકળે એટલે જે રીતે ખીચું બાફીએ, એ રીતે એમાં મસાલા તથા ચોખાનો લોટ ઉમેરી દો. મસાલામાં કલોંજી, અજમો અને કોથમીર સિવાય તમે ચિલી ફ્લેક્સ કે અન્ય મનપસંદ મસાલો ઉમેરી શકો છો.
4. હવે એમાં પાણી શોષાઇ જાય એટલે એક કથરોટ કે થાળીમાં કાઢી લેવું. ઠંડુ થાય એટલે તેલવાળો હાથ કરીને બરાબર લોટની જેમ મસળી લેવું.
5. આ તૈયાર લોટના નાના-નાના લુવા પાડીને એના પર તેલ લગાવી દેવું.
6. હવે તાવડીમાં તેલ ગરમ કરવા મૂકવું. પાટલી પર સરસ પૂરીઓ વણી લઇને એને ગરમ તેલમાં ઉમેરો. શરુઆતમાં ફાસ્ટ તાપે અને પછી મધ્યમથી ધીમા તાપે પૂરીઓને તળવી.
7. સોનેરી રંગની થાય ત્યાં સુધી એમને તળીને આ પૂરીઓને એક કથરોટમાં લઇને ઠંડી થવા દેવી. ત્યારબાદ, એને એક એરટાઇટ કન્ટેનરમાં ભરી લેવી.
ચોખાના લોટની આ પૂરીઓને તમે ચા (Tea), કેચ અપ અથવા તો કોથમીર-મરચાંની ચટણી સાથે મજા માણી શકો છો!
આ પણ વાંચો: ઘઉંના લોટના ભટુરા શી રીતે બનાવશો? અડધા કલાકમાં તૈયાર થઇ જશે ભટુરાનો લોટ…ફટાફટ નોંધી લો રેસિપી!
આ પણ વાંચો: મખાનાને બનાવો સ્વાદિષ્ટ, ઉમેરો ફુદીના ફ્લૅવર…નોંધી લો ‘મિન્ટ મખાના’ની ચટપટી રેસિપી..!
આ પણ વાંચો: આમળા કેન્ડીનો મુખવાસ, છે ઇમ્યૂનિટી વર્ધક…ઘરે બનાવવાની અત્યંત સરળ રેસિપી…
