Lifestyle: મૂળાના પરોઠા…ખાવામાં ટેસ્ટી લાગે છે પણ એ બનાવવાનું બધાને નથી ફાવતું હોતુ. મૂળાના પરોઠા (Mooli Paratha) વણતી વખતે ફાટવાની સંભાવનાઓ રહે છે અને સ્ટફિંગ બહાર નીકળી જાય છે. પણ અમે તમારા માટે મૂળાના પરોઠાની રેસિપી લઇને આવ્યા છીએ એને એકવાર અવશ્ય ટ્રાય કરી જોજો, પછી જુઓ કમાલ…બિલકુલ પણ નહિં ફાટે!
શિયાળો (Winter) શરુ થઇ ગયો છે અને સૌને હવે આ ઠંડીની ઋતુમાં ભાત-ભાતનું ખાવાની ઇચ્છા થાય એ સ્વાભાવિક છે. સૌથી વધારે મજા જુદી-જુદી જાતના પરોઠા (Paratha) ખાઇને આવે છે જેમ કે, આલુ પરોઠા, કોબીજ પરોઠા, કૉલી ફ્લાવર પરોઠા, મેથી પરોઠા, પાલખ પરોઠા (Aloo Paratha, Cauli Flower Paratha, Methi Paratha, Palak Paratha) વગેરે…પરંતુ તમને જણાવી દઇએ કે, મૂળાના પરોઠા બનાવવાનું સરળ નથી હોતું અને ઘણી વખત પરોઠા સ્ટફિંગમાંથી પાણી છૂટવાના કારણે ફાટી શકે છે. વણતી વખતે એ ફાટવાનો ડર પણ રહે છે જેથી સ્વાદ અને આકાર બંને ખરાબ થઇ જાય છે! પરંતુ આ સિક્રેટ ટિપ્સ (Tips)થી તમે મૂળાના પરોઠા બનાવશો તો એ કદી નહિં ફાટે અને ખાવાનો આનંદ આવી જશે!
મૂળાના પરોઠા બનાવવાનું આસાન નથી અને વણતી વખતે ફાટવાની સંભાવના રહે છે. પણ આ ટ્રિક (Trick)થી બનાવશો તો ક્યારેય નહિં ફાટે! તો ફટાફટ નોંધી લો આ પરોઠાની રેસિપી (Recipe)…એ બનાવવા માટેની સામગ્રી અને બનાવવાની વિધિ અંગે જાણીશુ.

શી રીતે બનાવશો મૂળાના પરોઠા?
મૂળાના પરોઠા બનાવવા માટે તમારે આટલી સામગ્રી (Ingredients)ની આવશ્યકતા રહેશે.
સામગ્રી
લોટ બાંધવા માટે
ઘઉંનો લોટ 2 કપ
મેંદાનો લોટ 1/2 કપ
સ્વાદાનુસાર મીઠું
1 ચમચી તેલ

સ્ટફિંગ માટે
1 નંગ મોટા મૂળાનું છીણ
2-3 ઝીણા સમારેલા લીલા મરચાં
ઝીણી સમારેલી કોથમીર
2 ચમચી ધાણાજીરું પાઉડર
2 ચમચી લાલ મરચું
1 ચમચી આમચૂર પાઉડર/ ચાટ મસાલો
સ્વાદાનુસાર મીઠું

બનાવવાની વિધિ
1. સૌપ્રથમ ઘઉંના લોટમાં ચોથા ભાગનો મેંદો (Wheat Flour, Maida) ભેળવી દો એનાથી લોટની ઇલાસ્ટીસિટી વધે છે અને પરોઠા સરસ શૅપમાં રહે છે. જો તમે મેંદો નાખવા ન માગતા હો તો ફક્ત ઘઉંના લોટમાંથી પણ લોટ બાંધી શકો છો. એ માટે સ્વાદાનુસાર મીઠું (Salt) અને 1-2 ચમચી તેલ મિક્સ કરી લો અને સૉફ્ટ લોટ બાંધો કારણ કે, નરમ લોટના પરોઠા ફાટતા નથી. એને 20 મિનિટથી અડધો કલાક સુધી ઢાંકીને રેસ્ટ આપવો.
2. હવે સ્ટફિંગ (Stuffing)ની તૈયારી કરો. એના માટે મૂળા (Radish)ને છીણી લો અને હાથ વડે દબાવીને એનું પાણી નિચોવી લો. હવે એક પૅનમાં 1 ચમચી સરસિયું (Mustard Oil) અથવા અન્ય કોઇ પણ તેલ લઈને ગરમ કરી લો. સરસવના તેલમાં એનો સ્વાદ વધે છે તેથી શક્ય હોય તો એ જ વાપરવું.
3. તેલ ગરમ થાય એટલે એમાં જીરું, હીંગ અને 1 ચપટી જેટલી હળદર ઉમેરવી. જીરુ તતડે એટલે એમાં છીણેલા મૂળા, ધાણાજીરું, લીલાં મરચાં, કોથમીર અને મીઠું ઉમેરી દેવું. તમે જેટલું તીખું પસંદ કરતા હો એટલું લાલ મરચું ઉમેરવું. તમે ચાટ મસાલો (Chat Masala) કે પછી આમચૂર પાઉડર પણ ઉમેરી શકો છો.
4. હવે આ સ્ટફિંગને મૂળાનું પાણી સુકાઇ જાય ત્યાં સુધી પકાવી લેવાનું છે. હવે એને ઠંડુ થવા દો.
5. હવે બાંધેલા લોટના મિડીયમ લુવા બનાવીને એને અટામણ લગાવી પાતળી રોટલી વણી લો અને એને સાઇડમાં મૂકીને એથી થોડી નાની સાઇઝની બીજી રોટલી વણી લો.
6. હવે મોટી રોટલીને પાટલી પર મૂકીને એની પર કિનારી સિવાયના ભાગમાં સ્ટફિંગ પાથરી દો અને એની ઉપર નાની રોટલી મૂકીને મોટી રોટલીની કિનાર સાથે દબાવીને સીલ કરી દો. આ ટ્રિકથી તમારા પરોઠા ફાટવાનો જરા પણ ડર નહિં રહે અને સરસ પરોઠા વણાઇ જશે.
7. હવે અટામણ લગાવીને હળવા હાથે વણીને આ પરોઠાને શૅપ આપી દો. તવો ગરમ કરીને ઘી કે તેલથી ગ્રીસ કરી લો. તમે નૉન-સ્ટિક પૅન પણ વાપરી શકો છો.
8. તવા પર ઘી, બટર (Ghee, Butter) કે તેલથી બંને તરફ ગોલ્ડન બ્રાઉન થાય એ રીતે પરોઠા શેકી લેવા. આ જ ટ્રિકથી બધા જ પરોઠા બનાવી લો. તમે ઇચ્છો તો નોર્મલ રીતે, લુવામાં સ્ટફિંગ ભરીને પછી વણીને પણ પરોઠા બનાવી શકો છો. પણ એમાં એક વાતનું ધ્યાન રાખવું કે મૂળાના સ્ટફિંગમાં જરાસરખું પણ પાણી ન હોવું જોઇએ, નહિંતર એ ફાટવાની સંભાવના રહેશે!
9. તો તૈયાર છે ગરમગરમ મૂળાના પરોઠા…તમે કોથમીર-ફુદીનાની લીલી ચટણી, કૅચ-અપ અથવા ચા સાથે એની મજા માણી શકો છો.
આ પણ વાંચો: ઘઉંના લોટમાંથી બનતા કુરકુરા, ખસ્તા નાસ્તા આટા પોકેટ્સની રેસિપી…મજેદાર બ્રેકફાસ્ટ..!
આ પણ વાંચો: બીટ-બ્રેડ ક્રમ્સ કટલેટ…સ્વાદ અને સ્વાસ્થ્યનું ઉત્તમ કોમ્બિનેશન, નાના-મોટાં સૌની પસંદ રેસિપી..!
