Himmatnagar Potato Farmers Protest: સાબરકાંઠા, અરવલ્લી અને બનાસકાંઠાના કરાર આધારિત બટાકા પકવતા ખેડૂતો હવે પોતાની માંગણીઓને લઈને એકજૂથ થયા છે. હિંમતનગર APMC માર્કેટ યાર્ડ ખાતે ત્રણ જિલ્લાના ખેડૂતોનું મહાસંમેલન યોજાયું હતું. મોટી સંખ્યામાં ખેડૂતો ટ્રેક્ટર સાથે મહાસંમેલનમાં પહોંચ્યા હતા. કંપનીઓ સામે ચાર મુખ્ય માંગણીઓને લઈને ચર્ચા કર્યા બાદ માંગણીઓનું નિરાકરણ ન આવે ત્યાં સુધી કરાર આધારિત બટાકાની વાવણી નહીં કરવાનો ખેડૂતોએ શપથ લીધો છે.
બટાકાના ભાવ અને કંપનીની કપાત સામે ખેડૂતોમાં નારાજગી
ખેડૂતોનું કહેવું છે કે બટાકાની ખેતીમાં(Potato Farmers) ઉત્પાદન ખર્ચ સતત વધી રહ્યો છે. બીજી તરફ કંપનીઓ દ્વારા વિવિધ કારણોસર કરવામાં આવતી કપાતને કારણે ખેડૂતોને યોગ્ય વળતર મળતું નથી. આ મુદ્દે ત્રણેય જિલ્લાના ખેડૂતોમાં નારાજગી જોવા મળી રહી છે. મહાસંમેલનમાં ખેડૂતોએ કંપનીઓ સમક્ષ ચાર મુખ્ય માંગણીઓ રજૂ કરી હતી.
ખેડૂતોની ચાર મુખ્ય માંગણીઓ
ખેડૂતોની(Potato Farmers) પ્રથમ માંગ છે કે 20 કિલો બટાકા માટે 300 રૂપિયાથી વધુનો ભાવ ચૂકવવામાં આવે. બીજી માંગ મુજબ 100 કિલો બટાકામાં 1થી 1.600 કિલો સુધી થતી વિવિધ કપાત બંધ કરવામાં આવે. આ ઉપરાંત બટાકાના લોડિંગ અને અનલોડિંગનો ખર્ચ કંપનીઓએ જ ભોગવવો જોઈએ તેવી માંગ કરવામાં આવી છે. ચોથી મહત્વની માંગમાં બટાકામાં બ્રાઉન સ્પોટના નામે કરવામાં આવતી કપાત તાત્કાલિક બંધ કરવાની માગણી કરવામાં આવી છે.
માંગણીઓ નહીં સંતોષાય તો વાવણી નહીં કરવાનો નિર્ણય
મહાસંમેલનમાં ખેડૂતો(Potato Farmers) મોટી સંખ્યામાં એકઠા થયા બાદ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. ખેડૂતો દ્વારા જ્યાં સુધી તેમની ચારેય માંગણીઓનું નિરાકરણ નહીં આવે ત્યાં સુધી કરાર આધારિત બટાકાની વાવણી નહીં કરવાનો શપથ લેવામાં આવ્યો છે. સાથે જ આગામી દિવસોમાં કંપનીઓ તરફથી માંગણીઓ અંગે યોગ્ય ઉકેલ નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવાની પણ ચીમકી આપવામાં આવી છે.
હકની લડત સાથે સ્વચ્છતાનો સંદેશ
મહાસંમેલન દરમિયાન ખેડૂતોનો(Potato Farmers) સેવાભાવી અભિગમ પણ જોવા મળ્યો હતો. કાર્યક્રમ પૂર્ણ થયા બાદ સભા સ્થળે પડેલો કચરો અને ગંદકી ખેડૂતોએ જાતે સાફ કરી હતી. આમ, પોતાના હક માટે અવાજ ઉઠાવવાની સાથે સ્વચ્છતા અને સામાજિક જવાબદારીનો સંદેશ પણ ખેડૂતો દ્વારા આપવામાં આવ્યો. હિંમતનગરમાં યોજાયેલા આ મહાસંમેલનથી સ્પષ્ટ છે કે બટાકાના પોષણક્ષમ ભાવ અને કંપનીઓની કપાતના મુદ્દે ખેડૂતો હવે સંગઠિત રીતે પોતાની માંગણીઓ રજૂ કરી રહ્યા છે.
રિપોર્ટર: દીપકસિંહ રાઠોડ, મંતવ્ય ન્યૂઝ, સાબરકાંઠા
આ પણ વાંચો:હિંમતનગરના કલાકારની અદભુત કળા; 5 રૂપિયાના 1000 સિક્કાઓમાંથી બનાવી ગણપતિજીની પ્રતિમા
આ પણ વાંચો: હિંમતનગરમાં મકાનના હોલમાં ચાલતો હતો જુગારનો અડ્ડો, 8 શખ્સો ઝડપાયા
આ પણ વાંચો: સાબરકાંઠામાં BZ પોન્ઝી કૌભાંડમાં રોકાણકારોનો આક્રોશ, કોર્ટમાં હંગામો
