Lifestyle: સાબુદાણા ચીલા…શું તમે કદીયે ખાધાં છે ખરાં? આવું જો કોઇને પૂછીશું તો, મોટા ભાગે તો આનો જવાબ ના જ હશે! આ વાનગી એટલી પ્રચલિત નથી પણ અત્યંત ગુણકારી છે. પોષક તત્વોથી ભરપૂર આ ડીશને તમારે તમારા રેગ્યુલર મેનુ (Menu)માં અવશ્ય સામેલ કરવી જોઇએ. એને તમે ફરાળી વાનગી તરીકે ઉપવાસમાં પણ ખાઇ શકો છો.

સાબુદાણા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક
નાસ્તામાં ચીલા (Cheela) બનાવવાની વાત આવે એટલે આપણને બેસન કે સોજી જ યાદ આવે! લોકો બ્રેકફાસ્ટમાં લગભગ ચણાના લોટના કે પછી સોજીના પુડલા જ બનાવતા હોય છે. પણ હવે નવા વર્ષે જો તમે તમારા મેનુમાં કંઇક નવીન ઉમેરવા માગો છો તો સાબુદાણાના ચીલા શ્રેષ્ઠ વિકલ્પ છે. તમે આ હૅલ્ધી અને ટેસ્ટી વાનગીને એક વાર ટ્રાય કરશો તો ચોક્કસ રેગ્યુલર રીતે બનાવતા થઇ જશો! સાબુદાણામાં પોષક તત્વો (Nutrition)ની ભરમાર હોય છે.
સ્વાસ્થ્ય (Health) માટે ફાયદાકારક એવા સાબુદાણાની કોઇ પણ વાનગી જેવી કે સાબુદાણા ખીચડી, સાબુદાણા વડાં (Sabudana Khichadi, Sabudana Vada) વગેરે તો તમે ખાધા જ હશે. પણ એકવાર આ નવીન રેસિપી (Sabudana Cheela Recipe) ટ્રાય કરી જોજો…તમે એને આરોગીને આખો દિવસ ઊર્જાવાન મહેસૂસ કરશો. જે લોકો વેઇટ લૉસ જર્ની (Weight Loss Journey)ને સરળ બનાવવા માગે છે એમણે આ પોષણ યુક્ત વાનગીને એમના આહારમાં અવશ્ય સ્થાન આપવું જ જોઇએ. તો ચાલો જોઇએ, સાબુદાણાના ચીલા બનાવવાની રેસિપી અને એ માટે તમારે કઇ-કઇ સામગ્રીની આવશ્યકતા રહેશે?
શી રીતે બનાવશો સાબુદાણા ચીલા?
સાબુદાણાના ચીલા બનાવવા માટે તમને આટલી સામગ્રી (Ingredients)ની આવશ્યકતા રહેશે.

સામગ્રી
1 કપ સાબુદાણા
1 બાફેલું બટાટું
2 ચમચી બારીક પીસેલા સીંગદાણા
2 ચમચી ઝીણી સમારેલી કોથમીર
2 બારીક સમારેલાં લીલા મરચાં
1 ચમચી લીંબુનો રસ
1 ચમચી જીરું
સિંધા લૂણ જરુર મુજબ
ઘી શેકવા માટે
પાણી આવશ્યકતા અનુસાર

બનાવવાની વિધિ
1. સૌપ્રથમ એક કપ સાબુદાણા (Sabudana)ને બે વાર ધોઇને એ ડૂબે એટલા પાણીમાં લગભગ 4-5 કલીક સુધી પલાળી રાખો. હવે આ નરમ થયેલા સાબુદાણાને હળવા હાથે મસળી લેવા.
2. હવે બાફેલા બટાટા (Boiled Potato)ને પણ મૅશ કરીને એમાં ઉમેરી દેવું. આ મિશ્રણમાં આખું જીરું, સીંગદાણા, લીંબુનો રસ (Lemon Juice), લીલા મરચાં, સિંધાલૂણ (sindhalun) અને ઝીણી સમારેલી કોથમીર ઉમેરો. તમામ સામગ્રીને સારી રીતે મિક્સ કરી લેવી.
3. હવે આ મિશ્રણમાં જરુર મુજબ પાણી ઉમેરીને એક બૅટર (Better) બનાવી લો. આ મિશ્રણ ન તો બહુ ઘટ્ટ હોવું જોઇએ કે ન તો બહુ પાતળું! જરુર જણાય તો બાઇન્ડીંગ માટે કોરા સાબુદાણાને ક્રશ કરીને એનો લોટ ઉમેરવો.
4. હવે તવા પર ઘી (Ghee) લગાવીને ફેલાવી લેવું. તવો ગરમ થાય ત્યાર બાદ, મિશ્રણને કડછી વડે રેડીને પુડલાની જેમ પાથરી દેવું.
5. આ પુડલાને નોર્મલ પુડલાની જેમ જ ધીમા-મીડિયમ તાપે બંને તરફથી ગોલ્ડન ક્રિસ્પી (Crispy) બને એ રીતે ઘી લગાવીને શેકી લેવો.
6. તૈયાર છે તમારા નવીન ગરમાગરમ સાબુદાણા પુડલા! એને તમે કોથમીર-ફુદીનાની ગ્રીન ચટણી કે પછી સૉસ (Sauce) સાથે સર્વ કરી શકો છો. એની સાથે ગરમાગરમ ચા હોય તો ખાવાની ઓર મજા પડી જશે!
આ પણ વાંચો: વડાપ્રધાન મોદી આ સુપર ફૂડને વર્ષમાં 300 દિવસ ખાય છે! એ છે પોષણનો ખજાનો, ‘મખાના’..!
આ પણ વાંચો: બીટ-બ્રેડ ક્રમ્સ કટલેટ…સ્વાદ અને સ્વાસ્થ્યનું ઉત્તમ કોમ્બિનેશન, નાના-મોટાં સૌની પસંદ રેસિપી..!
